કવર સ્ટોરી -દર્શના વિસરીયા

રમેશ સિંહ સિરકવાર… આ નામ સાંભળીને ૧૯૭૦-૮૦ના દાયકામાં ચંબલની કોતરો ધ્રૂજી ઊઠતી હતી… ચંબલ પર રમેશ સિંહનું રાજ હતું. એ સમયે પણ તેમના ખભા પર બંદૂક હતી અને આજે પણ તેમના ખભા પર બંદૂક છે, ફરક માત્ર એટલો છે કે આ વખતે તેમના ખભા પરની બંદૂક કોઈનો જીવ લેવા કે કોઈને ડરાવવા નહીં, પણ ચિત્તાની સિક્યોરિટી માટે ઉઠાવી છે. વનવિભાગ દ્વારા તેમની નિયુક્તિ ચિત્તામિત્ર તરીકે કરવામાં આવી છે અને સામે પક્ષે રમેશ સિંહ પણ પોતાના ૧૦૦ ટકા આપીને આ જવાબદારી નિભાવવા માટે કટિબદ્ધ છે.
એક દાયકા સુધી લોકોમાં જેમના નામનો ડર જોવા મળતો હતો એ ૭૨ વર્ષીય રમેશ સિંહના નામે ૨૫૦થી વધુ લૂંટફાટ અને ૭૦થી વધુ હત્યાના ગુના નોંધાયેલા છે, પણ ૧૯૮૪માં સરેન્ડર કર્યા બાદ તેઓ હાલમાં કરહલમાં ખેતી કરીને જીવન પસાર કરી રહ્યા છે. શ્યોપુર અને મુરૈનાનાં ૧૭૫ ગામનો દરેક રહેવાસી તેમને આદર અને માનથી જુએ છે અને એટલું જ નહીં, પણ તેમને મુખિયા તરીકે જ બોલાવે છે.
હવે રમેશ સિંહે ૧૭મી સપ્ટેમ્બરના મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ૮ ચિત્તા છોડવામાં આવ્યા તેમની રખેવાળી કરવાની જવાબદારી ઉઠાવી છે એટલું જ નહીં, આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર ૫૦ જેટલા બીજા ચિત્તા લાવવાની યોજના છે. ગ્રામીણ લોકોમાં આ ચિત્તાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં, તેમની અંદર આ ચિત્તા માટે અનેક પ્રકારની ગેરસમજણ પણ પ્રવર્તી રહી છે.
વનવિભાગ દ્વારા આ નવા મહેમાનો અંગે ગ્રામીણોમાં જાગરૂકતા આવે એ માટે કેટલાક પ્રભાવશાળી લોકોની શોધ હતી અને એવામાં તેમણે કેટલાક ગ્રામીણ લોકોની જ પસંદગી કરી, પણ ધાર્યું પરિણામ ન આવતાં તેમણે લોકોના મનમાંથી ચિત્તાનો ડર અને તેના અંગેની ગેરસમજણોને દૂર કરવા માટે જૂન, ૨૦૨૨માં રમેશ સિંહનો સંપર્ક કર્યો, કારણ તેઓ આસપાસનાં ગામમાં મુખિયાજીના નામથી ફેમસ છે અને લોકો તેમની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળે છે.
આ ઉપરાંત શિકારીઓ પણ વનઅધિકારીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. ઑગસ્ટ મહિનામાં જ કુનો નેશનલ પાર્કના બફર ઝોનના મૌરાંવામાં દીપડાની ચામડી સાથે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં રમેશ સિંહ અને તેમના સાથીદારો ચિત્તાની સુરક્ષા માટે પણ મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે.
પોતાની આ અનોખી કામગીરીની વિશે વાત કરતાં રમેશ સિંહ જણાવે છે કે ‘ગામવાસીઓ પહેલાં જ મારી પાસે આવીને આ ચિત્તાઓ અંગે ભયની લાગણી વ્યક્ત કરી ગયા હતા. તેમની અંદર તેમની આજીવિકા અને આજીવિકાથી પણ વધુ જીવન માટેનો ડર સૌથી વધુ હતો, કારણ કે દીપડા, કાળિયાર અને નીલગાય જેવાં જંગલી જનાવરો તેમના માટે જોખમ બનીને ઊભરી રહ્યાં છે અને તેમાં હવે આ ચિત્તા કે જેને ગામવાસીઓએ ક્યારેય જોયા સુધ્ધાં નથી એ કોણ જાણે વળી કેવું જોખમ ઊભું કરશે તેમના માટે એવો ભય તેમની વાતોમાંથી ડોકાઈ રહ્યો હતો, પણ વનઅધિકારીઓ સાથે મારી જેવી અને જેટલી વાત થઈ છે એ પરથી તો ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી.’
આવી પરિસ્થિતિમાં રમેશ સિંહ નેશનલ પાર્કની આજુબાજુમાં આવેલાં ગામની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને ચિત્તા વિશે જાગરૂક કરી રહ્યા છે. વાતનો દોર આગળ વધારતાં તેઓ જણાવે છે કે ‘હું અને મારા સાથીઓ ગામવાસીઓને જઈને સમજાવીએ છીએ કે ચિત્તા કાળિયાર અને અન્ય પ્રાણીઓ કે જે ખેતર કે ખેતરના પાકને નુકસાન કરે એવાં પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે એક રીતે જોવા જઈએ તો ચિત્તા એ આપણી મદદ જ કરવાના છે એટલું જ નહીં, આપણે ત્યાં ચિત્તા હશે તો ટૂરિઝમ વધશે અને તેને કારણે રાજ્યને આવક થશે એટલે આપણે સૌએ મળીને આ ચિત્તાનું સ્વાગત કરવું જોઈએ.’
સાતમી પાસ રમેશ સિંહ શ્યોપુર જિલ્લાના કરહલ તહેસીલમાં આવેલા નહરૌનીમાં રહેતા હતા અને તેમની પાસે ૯૦ વીઘા જમીન હતી, પરંતુ તેમના કાકાએ બધી જ જમીન પર કબજો જમાવી લીધો અને તેમના પિતાને તેમાંથી કંઈ પણ આપવાનો ઈનકાર કરી દીધો. જ્યારે તેમનો પરિવાર પોલીસ પાસે ગયો મદદ માગવા માટે તો ત્યાંથી પણ તેમને કોઈ મદદ નહીં મળી. પરિવાર સાથે અન્યાય થયો અને તેમને ગામ છોડવું પડ્યું. આ બધી પરિસ્થિતિનો સામનો કરવા અને લાલચી કાકાને પાઠ ભણાવવા માટે રમેશ સિંહે બંદૂકનો સહારો લીધો અને બહારવટું ખેડ્યું.
એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે ‘૧૯૭૫નું વર્ષ હતું અને એ વખતે મારી ઉંમર બાવીસ વર્ષની જ હતી. એ સમયગાળામાં લૂંટફાટ, હત્યાઓના અનેક ગુનાઓ મારા માથે બોલાતા હતા, પણ મેં ક્યારેય કોઈ સાથે ન તો અન્યાય કર્યો છે કે ન તો અન્યાયનું સમર્થન કર્યું. આખરે ૧૯૮૪માં મેં મારી ટોળકીના ૩૨ સભ્યો સાથે સમર્પણ કર્યું. એ વખતે રાજ્ય સરકાર દ્વારા મારી ટોળકી પર એક લાખથી વધુનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આઠ વર્ષ મેં જેલમાં વિતાવ્યાં અને જેલમાંથી છૂટ્યો એટલે કરહલમાં ખેતી કરીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું.’
આજે વર્ષો થઈ ગયાં તેઓ અપરાધથી
દૂર છે, પણ તેમ છતાં તેમનો દબદબો એ વિસ્તારમાં આજે પણ કાયમ છે. ચંબલની બાગીઓની ટોળકીના સરદાર આજે ચિત્તાની સુરક્ષામાં તહેનાત છે અને તેમણે તેમની સાથે ૪૫૨ ગ્રામીણ નાગરિકોને પણ ચિત્તામિત્ર બનાવ્યા છે.
રમેશ સિંહ પોતાની આ નવી જવાબદારી ખૂબ જ ઈમાનદારીથી નિભાવી રહ્યા છે. તેઓ ભૂખ્યા-તરસ્યા ગામેગામ રખડી રહ્યા છે, જેથી વધુ ને વધુ ગામવાસીઓને મળી શકાય અને તેમની અંદર રહેલા ચિત્તાના ભયને દૂર ભગાડી શકાય. પોતાની ધાક અને દબદબાનો ઉપયોગ તેઓ એક નૉબેલ કૉઝ માટે કરી રહ્યા છે.
તેમને એક જ વાતનો અફસોસ છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને દેશવાસીઓને અર્પણ કરવા
આવ્યા ત્યારે તેમની મુલાકાત ન થઈ શકી
એમની સાથે…

Google search engine