ભારતના કુંભારની અનોખી પહેલ: હવે માટીનું ફ્રિજ રાખશે તમારી વસ્તુઓ લાંબો સમય તાજી

વીક એન્ડ

ફોકસ -પ્રથમેશ મહેતા

ભારતનાં ગામડાંઓમાં તમે આજે પણ જાઓ તો તમને છાણ-માટીનાં ઘર જોવા મળે. ઘરના આંગણામાં છાણનું લીંપણ થાય, વાંસની ટોકરી પર છાણનું લીંપણ કરીને વાપરવામાં આવે. માટીનાં વાસણોમાં વસ્તુઓનો સંગ્રહ કરવો કે માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને રાંધવું બહુ સામાન્ય વાત હતી. આજે પણ માટીના માટલામાં પાણી ઠંડું રહે છે તે આપણે ક્યાં નથી જાણતા? જેમ જેમ લોકો આધુનિક થતા ગયા તેમ તેમ તેમને આ બધું જુનવાણી અને પછાત લાગવા માંડ્યું, પણ તેની પાછળ પણ અનુભવ દ્વારા પ્રાપ્ત વિજ્ઞાન છુપાયેલું છે. આધુનિક વિજ્ઞાને એ સાબિત કર્યું છે કે છાણ-માટીનાં ઘર વાતાવરણને સંતુલિત કરવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એટલે જૂના જમાનામાં લોકોને હીટર કે એરકંડિશનર વાપરવાં નહોતાં પડતાં.
તમિળનાડુમાં રહેતા શિવસામી એક કુંભાર છે. તેમણે માટીનો ઉપયોગ કરીને એક પોર્ટેબલ અને ઇકો-ફ્રેન્ડલી રેફ્રિજરેટર બનાવ્યું છે. સ્વાભાવિક રીતે આ ફ્રિજ ચલાવવા વીજળીની જરૂર નથી પડતી. તે ઉપરાંત આ ફ્રિજમાં શાકભાજી, દૂધ, દહીં વગેરે ચાર દિવસ સુધી તાજાં રહી શકે છે. સવાલ એ જ છે કે જો માટીના માટલામાં પાણી ઠંડું રહી શકે તો તેમાં શું અન્ય ચીજો પણ ઠંડી રહી શકે? તમિળનાડુના કોઇમ્બતુરમાં કરુમાથમપટ્ટીના કુંભાર એમ. શિવસામીના મનમાં આવો જ સવાલ આવ્યો, જે પછી તેમણે માટીનું ફ્રિજ બનાવવાનો પ્રયોગ કરી જોવાનું વિચાર્યું.
૨૦૨૦માં ૭૦ વર્ષના શિવસામીએ પોતાના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરીને એવું ઉપકરણ બનાવવાનો નિર્ણય કર્યો જે લોકોને ટકાઉ જીવનશૈલીમાં ઉપયોગી થઈ પડે. તેમણે એક ઇકો-ફ્રેન્ડલી રેફ્રિજરેટર બનાવ્યું. માટીની મોટી ટાંકી જેવા આકારમાં એક બાજુ નળ હોય અને પાછળ પાણી ભરવાની જગ્યા. આ મોટા આકારની અંદર એક નાનું વાસણ હોય છે, જેમાં તમે તમારાં શાકભાજી રાખી શકો. પછી તે ટાંકીને બંધ કરી દો.
માટીની આ ટાંકીમાં લગભગ પંદર લિટર પાણી ભરાય અને પાણી ઠંડું રહે છે એટલે ફળો અને શાકભાજી પણ ઠંડાં રહે છે. જો વસ્તુઓ બરાબર રાખી હોય તો ચાર દિવસ સુધી તાજી રહી શકે છે. તે ઉપરાંત દૂધ-દહીં જેવી વસ્તુઓ પણ તમે સ્ટોર કરી શકો છો.
શિવાસામી આ ફ્રિજ બે સાઈઝમાં બનાવે છે. એક ૧.૫ ફૂટનું છે અને બીજું ૨ ફૂટનું છે. શિવસામીના કહેવા મુજબ તેઓ અત્યાર સુધીમાં સોથી વધુ ફ્રિજ વેચી ચૂક્યા છે. તેઓ છેલ્લાં પચાસ વર્ષથી કુંભારકામ કરે છે અને તેમની પાસે ૧૫૦થી વધુ માટીનાં ઉત્પાદનો છે.
માટીનું ફ્રિજ બનાવતાં કેટલો સમય લાગે?
પોતાના પિતાના સમયમાં માત્ર દીવા અને વાસણો બનાવતા શિવસામીનો પરિવાર સમયની જરૂરિયાત મુજબ કામનો વિસ્તાર કરતા ગયા. તેઓ જણાવે છે તે મુજબ ત્રણ અલગ અલગ માટીને યોગ્ય પ્રમાણમાં ભેગી કર્યા બાદ ફ્રિજનો દરેક હિસ્સો બનાવાય છે. પછી તેને છાંયડામાં સૂકવવામાં આવે છે. દસ રેફ્રિજરેટર બનાવતાં તેમને એક મહિનો લાગે છે.
માટીના ફ્રિજની શોધ પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે પોતે નાના હતા ત્યારે તેમના ઘરમાં ફ્રિજ નહોતું. તેઓ ખેતરનું તાજું ભોજન ખાતા હતા. આ ફ્રિજથી થોડા લોકો તો વીજળીનો વપરાશ ઘટાડી શકે તેવી તેમને આશા છે.
જૂની વસ્તુઓનો સમય પાછો આવ્યો!
લોકો હવે વધુ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફ આગળ વધી રહ્યા છે. ફ્રિજ ઉપરાંત શિવસામી માટીની તાવડી (જેને આપણે તવો અથવા લોઢાની હોય તો લોઢી પણ કહીએ છીએ), ધૂપદાન, ગ્લાસ, બોટલ, જગ અને અન્ય રાંધવાનાં વાસણો બનાવે છે.
લોકો પોતાના ફાર્મહાઉસ માટે આવાં માટીનાં ફ્રિજ ખરીદે છે, જ્યાં તેઓ વીકએન્ડ કે છુટ્ટીમાં જતા હોય. આ માટીના ફ્રિજમાં રાખેલાં શાકભાજીમાં એક સુંદર મહેક પણ આવે છે. કેટલાક તો હવે પોતાના નિયમિત ફ્રિજને હટાવીને કાયમ માટે આ માટીના ફ્રિજને અપનાવવાની યોજના પણ બનાવી રહ્યા છે!
છેલ્લાં ચાર વર્ષોથી માટીના ફ્રિજની માગ વધી છે. ડોક્ટરો સુધ્ધાં આ ફ્રિજ લેવાનું પસંદ કરે છે. શિવસામી કહે છે, ‘જેમ જેમ લોકોનાં સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યાં છે, તેમ તેમ લોકો જૂની વસ્તુઓ તરફ પાછા વળ્યા છે. અમને આનંદ છે કે લોકો માટીનાં વાસણો વાપરતાં શીખી રહ્યા છે. કુદરતી જીવન જીવવા માટે આનાથી વધુ સારું શું હોઈ શકે?’
યુવાનો નથી કરવા માગતા કુંભારકામ
કુંભારોની અછતને કારણે શિવસામી આવાં વધુ ફ્રિજ કે અન્ય પ્રોડક્ટ બનાવવા અસમર્થ છે. પહેલાં તેમની સાથે ચાર લોકો કામ કરતા હતા, હવે બે જ રહી ગયા છે અને તેમની પણ ઘણી ઉંમર થઈ ગઈ છે. યુવાનો આ ક્ષેત્રમાં આવવા નથી માગતા. તેમને અફસોસ એ વાતનો છે કે યુવાનો એવું વિચારે છે કે ‘માટીનાં વાસણ બનાવનારા લોકો ગંદા હોય છે, કેમ કે અમારા હાથ માટીવાળા હોય છે. પરિણામે અમારે અમારાં ઉત્પાદનો સીમિત રાખવાં પડે છે.’
શિવસામીને બસ એક જ આશા છે કે આવતી પેઢી પણ આ કામ ચાલુ રાખે અને લોકો માટીનાં વાસણોનો ઉપયોગ કરીને એક સસ્ટેનેબલ જીવન જીવવા તરફ આગળ વધે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.