આફ્રિકાના વનદેવતાના દૂત એવા એક પંખી અને માનવનું અનોખું સાયુજ્ય

વીક એન્ડ

નિસર્ગનો નિનાદ-ધર્મેન્દ્ર ત્રિવેદી

બાપ કહે છે ‘ધીરજ રાખ દીકરા, આપણા જંગલદેવ પ્રસન્ન થાય એટલે તને
બધું સમજાવું.’ બાપ ઊભો થઈને પોતાના મોં આગળ હાથ રાખીને એક અનોખો અવાજ કાઢે છે બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ…

આફ્રિકાના મોઝામ્બિકમાં ક્યાંક ધૂળિયો ઝાડીઝાંખરાવાળો તો ક્યાંક અડાબીડ જંગલો, ક્યાંક પથ્થરિયા ટેકરાઓના પ્રદેશો કેટલાય માઈલો સુધી પ્રસરેલા છે. ગીચ ઝાડીઝાંખરાઓ વાળા આવા જ એક જંગલમાં આફ્રિકાના મોઝામ્બિક અને ટાંઝાનિયા એમ બન્ને દેશોમાં ‘યાઓ’ નામની ટ્રાઈબ વસે છે. આ ટ્રાઈબ પહેરવેશથી આજે થોડી આધુનિક બની છે, પરંતુ તેમની જીવનપદ્ધતિ સેંકડો પેઢીઓથી ચાલી આવતી ઘરેડમાં જ ઢળેલી છે. કઠોર પશ્ર્ચાદ્ભૂ પર વસતા માનવો કુદરતની વિષમતાઓ સામે ઝીંક ઝીલતાં શીખી જ લેતા હોય છે. આ યાઓ ટ્રાઈબ કેટલાય કિલોમીટર હરણાંઓ પાછળ દોડીને તેનો શિકાર કરે છે અને અનેક હાડમારીઓનો સામનો કરીને આ જંગલોમાંથી મધ શોધીને એકઠું કરે છે. આફ્રિકાની મૂળ જાતિઓમાંની મોટા ભાગની જાતિઓના ખોરાકનો લગભગ ૧૦% હિસ્સો મધ હોય છે. આફ્રિકાના ભર ઉનાળે ધોમધખતા તાપમાં યાઓ કબીલાનો એક સિસમ જેવા રંગનો યુવાન અને તેનો કિશોર પુત્ર એકધારી મધ્યમ ગતિએ દોડી રહ્યા છે. થોડા થોડા અંતરે એકાદી ગીચ ઝાડીના છાંયામાં તેઓ રોકાય છે. ચામડાની મધ્યમ કદની મશકમાંથી એક એક ઘૂંટ પાણી પીએ છે. બાપ પોતાની આંખે નેજવું કરીને ચારે તરફ ફેલાયેલી વનરાજીની ઉપરથી દૂર દૂર સુધી નજર નાખે છે અને પછી નિરાશ થઈને નકારમાં માથું ધુણાવે છે. દીકરો મૂંગો મૂંગો પોતાના બાપની આ બધી હરકતો પર નજર રાખે છે. આઠ-દસ માઈલનું અંતર કાપતાં કાપતાં આવા ત્રણ-ચાર નિરાશાભર્યા નકાર જોયા બાદ કિશોર બાપને પૂછે છે, ‘તમે આ ઉજ્જડ આકાશમાં વૃક્ષોમાં શું શોધો છો? આપણે તો મધ એકઠું કરવા નથી આવ્યા?’ બાપ કહે છે, ‘ધીરજ રાખ દીકરા, આપણા જંગલદેવ પ્રસન્ન થાય એટલે તને બધું સમજાવું.’ બાપ ઊભો થઈને પોતાના મોં આગળ હાથ રાખીને એક અનોખો અવાજ કાઢે છે, બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… અને અચાનક નજીકની ઝાડીઓમાંથી એક કાબર જેવડું પંખી હવામાં ઊડીને નજીકની ઝાડી પર આવી બેસે છે.
બાપની નજર ઝાડી પર બેઠેલા આ પંખી પર સ્થિર થઈ જાય છે અને તેના ચહેરા પર ખુશી ફેલાઈ જાય છે. દીકરો સમજી ગયો કે ‘જરૂર જંગલદેવ પ્રસન્ન થઈ ગયા લાગે છે.’ પક્ષી અને બાપની નજર એક થાય છે અને પક્ષી બે ટુકડે એક સીટી વગાડે છે અને ઊડવા લાગે છે. બાપ તેના દીકરાને કહે છે, ‘ચાલો, આજે મધ જરૂર મળી જશે’ અને પક્ષીનો પીછો કરે છે. પક્ષી પણ થોડા થોડા અંતરે નાની ઝાડીની ઉપર બેસીને નજર રાખે છે કે બાપ-દીકરો તેની પાછળ આવી રહ્યા છે કે નહીં. એક માઈલ જેટલું આગળ ગયા બાદ જે પંખી બાપ-દીકરાને દોરી જતું હતું એ પાછું વળ્યું અને તેની જગ્યા પર એ જ પ્રજાતિનું બીજુ પંખી એમને આગળ લઈ જવા લાગ્યું. આગળ બીજા એકાદ માઈલ પછી એક વિશાળ બાઓબાબ (રૂખડો) વૃક્ષ પાસે પંખી એ વૃક્ષના મહાકાય થડિયાની આસપાસ ચક્કર લગાવીને એક ડાળ પર બેસે છે અને આખા રસ્તે તેણે જે સીટીઓ વગાડેલી તેના કરતાં થોડી અલગ પ્રકારની સીટી વગાડે છે. બાપ-દીકરો દોડતાં દોડતાં આ પક્ષી બેઠું છે તે જ વૃક્ષની છાયામાં બેસીને બે ઘડી નિરાંતનો શ્ર્વાસ લે છે. તેઓ જેવા ઊભા થાય છે કે તરત જ પક્ષી તીણો અવાજ કરીને બાઓબાબ વૃક્ષના થડમાં ખૂબ ઉપર આવેલા એક પોલાણની આસપાસ ચક્કર મારીને ફરી નીચેની ડાળી પર બેસી જાય છે. બાપ તેના દીકરાને કહે છે કે ‘વૃક્ષના પોલાણ સુધી ચડીને જો એમાં મધપૂડો છે કે નહીં.’ કિશોર વૃક્ષના એ પોલાણમાં જોઈને બાપને હરખના સમાચાર આપે છે કે ‘બાપુ, બહુ મોટો મધપૂડો છે અહીં’તો.’ બાઓબાબ વૃક્ષની નીચે મધપૂડો પાડવાની પૂર્વતૈયારી કરી રહેલો બાપ જણાવે છે કે ‘હું ક્યારનો આ પક્ષીને શોધતો હતો, પણ દેખાયું નહી એટલે મેં એને બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… બર્રર્રર્રર્રર્ર હ્મ્મ્મ્મ… અવાજ કરીને બોલાવ્યું. બેટા, મધ શોધવામાં આપણને સહાય કરવા માટે જંગલદેવે આ પક્ષીને આપણા પથદર્શક તરીકે મોકલ્યું છે. તેં જોયુંને એ કેવું આપણને આ મધપૂડા પાસે લાવ્યું? હવે આપણે મધ પાડી લઈએ એટલે આપણે આપણી કૃતજ્ઞતા દેખાડવા માટે એક મોટો ટુકડો આ પંખીને દેવતાનો દૂત સમજીને આપી દેવાનો એટલે જંગલદેવ પણ રાજી.’
આ પક્ષીનું અંગ્રેજી નામ ગ્રેટર હનીગાઈડ, કારણ કે તે આફ્રિકન મૂળનિવાસીઓને વગર કહ્યે મધ સુધી દોરી જાય છે. તેનું વૈજ્ઞાનિક નામ પણ તેની આ ખાસિયતના કારણે જ પડ્યું છે ઈન્ડિકેટર ઈન્ડિકેટર. કુદરતના અનેક કરિશ્માઓમાંનો આ એક એવો અનોખો કરિશ્મો છે કે જેણે પક્ષીશાસ્ત્રના સંશોધકોને પણ ચકિત કરી મૂક્યા છે. માનવ અને પ્રાણી જગતના આ નાનકડા જીવ વચ્ચે સહઅસ્તિત્વ માટેનું આ એક અદ્ભુત સાયુજ્ય છે. યાઓ કબીલાના મૂળનિવાસીઓ અને હનીગાઈડ પંખી વચ્ચે સદીઓથી એક અનોખી સમજૂતી સધાઈ છે. જંગલમાં મધ શોધી રહેલા આ યાઓ આદિવાસીઓને જોઈને આ પંખી સીટી વગાડીને તેમનું ધ્યાન દોરે છે અને તેમને મધપૂડા સુધી દોરી જાય છે અને બદલામાં આ આદિવાસીઓ પંખીઓના હિસ્સાનો મધપૂડાનો ટુકડો પંખીને ધરાવે છે. સંશોધકોએ એક સાવ નવી એ વાત પણ નોંધી છે કે આ હનીગાઈડ પંખી ચોક્કસ વિસ્તારમાં જ રહે છે અને તેની બહાર પણ જતું નથી, તેથી એક હનીગાઈડ જ્યારે કોઈ આદિવાસીને દોરી જતું હોય અને તેની હદ પૂરી થાય તો તે ત્યાંથી પાછું વળી જશે અને ત્યાંથી જેની હદ શરૂ થતી હોય તે પંખી આ આદિવાસીઓને આગળ આવેલા મધપૂડા સુધી દોરી જવાની પોતાની આગવી ભૂમિકા નિભાવશે…

2 thoughts on “આફ્રિકાના વનદેવતાના દૂત એવા એક પંખી અને માનવનું અનોખું સાયુજ્ય

  1. અદભૂત ..! જીવ માત્ર એકબીજાને મદદ કરવાની ઉચ્ચ ભાવના સાથે રાખીને ચાલે ત્યારે કેવી ઉત્તમ ક્ષણ આકાર પામે છે ..! આ સમગ્ર વિશ્વ આવા અનેક અચરજોથી ભર્યું છે, જે પૈકીના એક અચરજ આજે શ્રી ધ. ત્રિ. ભાઇની કલમ દ્વારા જાણીને આનંદ થયો. મુંબઈ સમાચારનો આભાર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.