મનને નિરંતર અખંડ ભક્તિમાં જોડી રાખે તે સાચો ભક્ત

ધર્મતેજ

ગીતા-મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં આપણે મોહ પમાડનારી માયિક પ્રકૃતિના સ્વરૂપને સમજ્યા. હવે ભગવાનની સાચી ભક્તિમાં નિમગ્ન રહેવાવાળા ભક્તોની વિશેષતાઓને અહીં ભગવાન દર્શાવી રહ્યા છે.
નવમાં અધ્યાયમાં શ્ર્લોક ૧૪માં ભગવાન શ્રીકૃષ્ણ ભક્તિની આદર્શ રીત શીખવતાં કહે છે,
सततं कीर्तयन्तो मां यतन्तश्व दढव्रताः ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ ૯-૧૪ ॥
અર્થાત્, નિરંતર પ્રયત્ન કરતાં મારું કીર્તન કરતાં અને મને નમસ્કાર કરતાં દૃઢ વ્રતવાળા ભક્તો સદા મારામાં જોડાયેલા રહી ભક્તિથી મને સદા ઉપાસે છે.’ નિરંતર કીર્તન એટલે અહોનિશ ભક્તિમાં રમમાણ. सततं कीर्तयन्तो’એટલે ભક્તિમાં સાતત્ય અને સૂત્રતા. મનને બસ ભક્તિમાં જ રમમાણ કરવું. મનને નિરંતર ભગવાનની ભક્તિમાં જોડી રાખવું.
આમ તો આ અધ્યાય રાજવિદ્યાને સમર્પિત છે, રાજવિદ્યા એટલે સર્વશ્રેષ્ઠ વિદ્યા. આ વિદ્યા પરાવિદ્યા, આધ્યાત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યા વગેરે નામોથી ઓળખાય છે. સર્વે મનુષ્યોમાં રાજાને નરોત્તમ કહેવાય છે તેમ સર્વે વિદ્યાઓમાં રાજવિદ્યાને શ્રેષ્ઠ કહેવાય છે. ઉપનિષદો પણ આ વિદ્યાને જ વિદ્યાશ્રેષ્ઠ તરીકે ગાય છે. રાજવિદ્યા અતિશય ગુહ્ય છે, આ વિદ્યાને સહજતાથી નથી પામી શકાતી કારણ કે આ વિદ્યામાં ભગવાનનો અલૌકિક મહિમા અને ભગવાન સાથેનું જોડાણ મહત્ત્વનું છે. આ જોડાણ એટલે જ ભક્તિ! આમ ભક્તિમાં પણ આ વિદ્યાનું સામર્થ્ય છે તે અહીં સિદ્ધ
થાય છે.
ભક્ત માટે જ્યારે પરમાત્મા જ એક આધાર બની જાય છે ત્યારે સહેજે મન એમનામાં પરોવાઈ જાય છે. ભક્તિમતી મીરાંબાઈના પ્રત્યેક શ્ર્વાસમાં વાસ હતો ગોવિંદનો ! તેઓ સતત કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા. આજે પણ મીરાં સર્વે ભક્તોના આદર્શરૂપ છે.
પવનસુત હનુમાનજી પોતે પ્રભુ તુલ્ય ઐશ્ર્વર્યવાળા હતા છતાં તેમણે ભક્તિનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું. સતત રામમય જીવન તેમની નિષ્ઠાને અભિવ્યક્ત કરે છે. ભરી સભામાં હનુમાનજીએ હૃદયમાં ભગવાન રામ અને માતા સીતાનાં દર્શન કરાવ્યાં હતાં. આ તેમની ઉત્તમ ભક્તિનું દર્શન છે. ગોપીઓનું મન કૃષ્ણભકિતમાં એટલું તરબોળ હતું કે તેઓ એમ કહેતી, ‘અમારી રાખમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ એમ એક જ અવાજ નીકળશે.’ ક્રિયામય હોવાં છતાં અતૂટ ભક્તિ ! વળી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, ‘ભજન કરતાં કરતાં ક્રિયા કરવી.’ આ વાક્ય સમજાવે છે કે ક્રિયા પ્રધાન નહીં પણ ભજન પ્રધાન રાખવું.
ભગવાન સ્વામિનારાયણના સમયમાં પર્વતભાઈ, ઝીણાભાઈ, ગોવર્ધનભાઈ જેવા ઉત્તમ ભક્તો હતા. તેમનાં દરેક કાર્ય એટલે કે પોતે ખેતર ખેડે, પાક લણે વગેરે ક્રિયામાં તેઓ ભગવાનનું નિરંતર અનુસંધાન
રાખતા. ભગવાનમાં અતિશય શ્રદ્ધા અને વિશ્ર્વાસ જ આ ભક્તોની
વિશેષતા હતી.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય ૧૧માં કહે છે, ‘હરિભક્તની જે સર્વે ક્રિયા તે તો ભકિતરૂપ છે. ભગવાનના ભક્તે કરેલાં બધાં સત્કર્મો એની ઇષ્ટ પ્રત્યેની
ભક્તિ છે.
પરંતુ આ આધુનિક યુગમાં વ્યસ્તતાનો એક મહારોગ લાગુ પડ્યો છે. સૂર્યના પહેલાં કિરણ સાથે જ મનુષ્ય દોડે છે, પરંતુ સૂર્યાસ્ત પછી પણ તેની દોડધામ બંધ થતી નથી. લૌકિક કાર્યનો તો પાર જ આવતો નથી. હવે પ્રશ્ન થાય કે આવા યુગ અને સમયમાં ભક્તિ થઈ શકે? હા, યુગવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુસ્વામી મહારાજે પોતાના ભક્તિમય જીવન દ્વારા આ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો છે. તેઓ તો B.A.P.S.. સંસ્થાના પ્રમુખ હતા. આ સંસ્થામાં ૧૬૬ કરતાં પણ વધુ પ્રવૃત્તિઓ ચાલે છે. સમયની વ્યસ્તતા અને જવાબદારી એક પ્રમુખને કેટલી હોય, તે સમજી શકાય છે. આવા સંજોગોમાં ભજન તો અશક્ય જ લાગે છે, પરંતુ આ પ્રમુખને મન ભગવાન પ્રત્યેની ભક્તિ જીવનમાં સૌથી
પ્રમુખ હતી.
૧૯૮૮માં કૅનેડાની પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજનું સન્માન
યોજાયું હતું.
પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણની નાની ચલમૂર્તિ જે હરિકૃષ્ણ મહારાજના નામે ઓળખાય છે તે સાથે પાર્લામેન્ટમાં પધાર્યા હતા. ત્યાં અધ્યક્ષે જાહેર કર્યું કે , ભારતથી મહાન સંત પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા છે, તેમનું આપણે સન્માન કરીએ. પણ તે સમયે સ્વામીશ્રી ઊભા જ ન થાય. સર્વેને આશ્ચર્ય થયું. બાજુમાં રહેલા સેવકસંત ભગવાનને લઈ ઊભા થયા અને સ્વામીશ્રી દાસત્વ ભકિતથી હાથ જોડી બાજુમાં ઊભા રહ્યા. खलु न आश्चर्य दष्ट्वा एषा विभूतिः।’અર્થાત્ આવી વિભૂતિ જોઈને આશ્ર્ચર્ય થતું નથી. કારણકે અનન્ય પરાભક્તિથી એમનું જીવન સદા સુવાસિત રહે છે અને અન્યને પણ તેની ફોરમ આપતું રહે છે. કોઈ પણ દેશમાં, કોઈ પણ સંજોગમાં, કોઈ પણ ક્ષણમાં પ્રમુખસ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજને એટલે કે ભગવાનને ક્યારેય ભૂલ્યા નથી. આવી ભક્તિને જ ભગવાન કૃષ્ણે આ શ્ર્લોકમાં
બિરદાવી છે. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.