સાહબ બાથરૂમ મેં હૈ-આશ કરણ અટલ

સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

પ્રેમીના પ્રકાર
ભારતીય ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમીઓને તેમના સ્તરને આધારે નિમ્ન લિખિત વિભાગોમાં વહેંચી શકાય છે અથવા તો વહેંચી નાખવા જોઈએ...
————–
ખુલ્લમ ખુલ્લા પ્રેમ કરનારો પ્રેમી
ખુલ્લમ ખુલ્લા પ્રેમ કરનારાને આપણે બાગી પ્રેમી પણ કહી શકીએ છીએ. તેનો એકસૂત્રી કાર્યક્રમ હોય છે – પ્રેમ કરવો. પ્રેમ જ તેનો ધર્મ હોય છે અને પ્રેમ જ તેની દિનચર્યા હોય છે. તે કાયમ હસતો રહેતો હોય છે. નોકરી વગેરે કશું જ કરતો નથી. અત્યારે અહીં છે તો બીજી ઘડીએ સ્વિટ્ઝર્લેન્ડમાં જોવા મળી શકે છે. તે ઘોડાથી લઈને હેલિકોપ્ટર સુધી બધું જ ચલાવી શકે છે. આપણા દેશના યુવાનોનું ભવિષ્ય જેટલું તેણે બરબાદ કર્યું છે તેટલું કોઈએ નથી કર્યું. તેનાથી પ્રભાવિત થઈને પ્રેમ કરનારા યુવાનોની કાયમ પિટાઈ થતી જોવા મળે છે.
અડધી ફિલ્મમાં તો આ પ્રેમી પોતાની નાયિકાને પટાવવા પાછળ ખર્ચ કરે છે અને તેની નાયિકા કાયમ નાક પર ગુસ્સો રાખનારી હોય છે. પ્રારંભિક તબક્કામાં તો તે નાયકને પોતાના પર હાથ સુધ્ધાં રાખવા દેતી નથી, પરંતુ એક વખત માની ગયા બાદ ઊઠ કહે તો ઊઠે અને બેસ કહે તો બેસી જાય એટલી આજ્ઞાંકિત બની જાય છે. એક વખત નાયિકાને કબજે કરી લીધા બાદ પ્રેમી નાયિકાના પિતાની છાતી પર ચડીને બેસી જાય છે. જોઈ લે, પટાવી લીધી તારી દીકરીને. હવે કર તેનાં લગન મારી સાથે. બાકીની ફિલ્મ તે પ્રેમી છોકરીના પિતાને મનાવી લેવામાં પૂરી કરે છે.
——————–
ગેરસમજનો ભોગ બનેલો પ્રેમી
આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની ફિલ્મોમાં આવો પ્રેમી દરેક ત્રીજી ફિલ્મમાં જોવા મળતો હતો. આજકાલની ફિલ્મોમાં તો તે ક્યારેક જ જોવા મળે છે. આવો પ્રેમી ઈન્ટરવલ સુધી દર્શકોને ઘણો આનંદ આપે છે. નાચે છે, ગાય છે, હસાવે છે, પરંતુ ઈન્ટરવલની બરાબર પહેલાં તે કોઈ ગેરસમજનો શિકાર બની જાય છે, જેમ કે તે જે શ્રીમંત માતા-પિતાનો લાડકો દીકરો બનીને રખડી રહ્યો હતો, ખબર પડે છે કે તે તેમનો દીકરો જ નથી અથવા તો પાર્ટી ચાલી રહી છે, ગાવા-વગાડવાનું ચાલી રહ્યું છે. ગીતો પૂરાં થયા બાદ નાયિકાનો પિતા તે પ્રેમી સાથે પોતાની દીકરીનું સગપણ જાહેર કરવાનો છે ત્યારે જ અબળા જેવી દેખાતી એક મહિલા ખોળામાં નાનું બાળક લઈને આવી પહોંચે છે અને જાહેર કરે છે કે આ પ્રેમી જ તે બાળકનો બાપ છે. ચારે તરફ સન્નાટો પ્રસરી જાય છે. નાયિકા પ્રેમીને એક લાફો મારીને દાદરા ચડી જાય છે. તેની વાત પણ સાંભળવા કોઈ ઊભું રહેતું નથી.
ક્યારેક આવા પ્રેમી પર હત્યાનો આરોપ લગાવી દેવામાં આવે છે. આવો આરોપ મોટા ભાગના કિસ્સામાં નાચ-ગાન ચાલતું હોય ત્યારે જ કરવામાં આવતો હોય છે. બાકીની ફિલ્મ પ્રેમિકા દર્દભર્યાં ગીતો ગાઈને સમય પસાર કરે છે. બીજી તરફ પ્રેમી પોતે નિર્દોષ હોવાના પુરાવા એકઠા કરવાની પાછળ પડી જાય છે અને તેમાં તે છેવટે સફળ જ નીવડે છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)ઉ

Google search engine