સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
ફિલ્મ ઉદ્યોગ જેને સરકારે હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
———
ગેટકીપર
ગેટકીપર ચાહે થિયેટરનો હોય કે પછી સ્ટુડિયોનો હોય. તેના વગર કોઈ સિનેમાની દુનિયામાં પ્રવેશ પણ કરી શકતું નથી. આજે ધર્મેન્દ્ર જો ધર્મેન્દ્ર બન્યો છે તો એટલા માટે કેમ કે ગેટકીપરે તેને અંદર સ્ટુડિયોમાં ઘૂસવા દીધો હતો. અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન એટલા માટે બની શક્યા કેમ કે ગેટકીપરે તેમને રોક્યા નહોતા. આજે ભલે આ બંનેએ પોતે અનેક ગેટકીપર રાખ્યા હોય, પરંતુ તેઓ પોતે ગેટકીપરની મહેરબાનીથી જ આટલા મોટા સ્ટાર બની શક્યા છે. ગેટકીપર ઘણો સંતોષી જીવ છે. તે સુરૈયા, મુમતાઝ કે સાધનાને મનમાં વસાવીને ઘરમાંથી નીકળતો હોય છે.
ગેટકીપર બન્યા બાદ તે સિનેમા થિયેટર કે પછી સ્ટુડિયોની સફાઈવાળીની સાથે જ સંતોષ કરીને પોતાનું આખું જીવન વીતાવી લેતો હોય છે.
———
ટિકિટોના કાળાબજાર કરનારો
ટિકિટોના કાળાબજાર કરનારો ફિલ્મ ઉદ્યોગનો સૌથી મોટો અપ્રત્યક્ષ સ્તંભ છે. નિર્માતા કરતાં પણ મોટો. નિર્માતા ફિલ્મને બનાવતો હોય છે, પરંતુ બ્લેક કરનારો ફિલ્મને હિટ બનાવે છે.
દર્શકો અને સમીક્ષકો તો ઘણા પછી આવે છે. ફિલ્મ હિટ છે કે ફ્લોપ, તેનું સૌથી પહેલું સર્ટિફિકેટ આપે છે ફિલ્મોની ટિકિટના કાળાબજાર કરનારો.
નિર્માતા છદ્મવેશ ધારણ કરીને ફિલ્મનો રિપોર્ટ મેળવવા માટે આવતો હોય છે. ત્યાં તેને ગળામાં રૂમાલ નાખીને પચાસ કા સો, પચાસ કા સો કરનારો, સમાજ વિરોધી તત્ત્વ એટલે કે કાળાબજાર કરનારો જોવા મળી જાય તો તેને કોઈ દેવદૂત કરતાં ઓછો લાગતો નથી. એ સમયે તો નિર્માતાને એવું લાગતું હોય છે કે જઈને તેના ચરણસ્પર્શ કરી આવે. એક નિર્માતા ત્યારે જ સફળ થાય છે જ્યારે તેને બ્લેક (કાળાબજાર) કરનારાના આશીર્વાદ મળે છે.