(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ડેટ સિલિંગની ચિંતા યથાવત્ રહેવા સાથે અમેરિકા પર ઝળુંબી રહેલી નાદારીને કારણે ડહોળાયેલા વિશ્ર્વબજારની અસરે સ્થાનિક બજારમાં પણ નિરસ હવામાન રહ્યું હતું. સ્થાનિક શેરબજારમાં આજે સતત ત્રણ સેશનની તેજી પર બ્રેક વાગી હતી. બુધવારના સત્રમાં સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટ્સ ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૧૮૩૦૦ની નીચે સરક્યો હતો. જોકે, નોંધવા જેવી બાબત એ છે કે, શેરબજારમાં ઓવરઓલ ઘટાડા વચ્ચે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર્સ અડિખમ રહ્યા હતા. જોકે, યુએસ ડેટ સીલિંગ અંગેની ચિંતાઓ વચ્ચે મેટલ અને બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૨,૧૫૪.૧૪ અને નીચામાં ૬૧,૭૦૮.૧૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૨૦૮.૦૧ પોઈન્ટ્સ અથવા ૦.૩૪ ટકા ગગડીને ૬૧૭૭૩.૭૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૩૯૨.૬૦ અને નીચામાં ૧૮,૨૬૩.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૬૨.૬૦ પોઈન્ટ્સ અથવા ૦.૩૪ ટકાના કડાકા સાથે ૧૮૨૮૫.૪૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૧.૯૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ પેકમાં સૌથી વધુ વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી, ટાઈટન, પાવરગ્રીડ, મારૂતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા અને એનટીપીસીનો સમાવેશ હતો. ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૧.૪૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા સેન્સેક્સના અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો.
અશોક લેલેન્ડનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં ૧૭ ટકા ઘટી રૂ. ૭૫૧.૪૧ કરોડ નોંધાયો હતો. જ્યારે કુલ આવકો ૩૩ ટકા વધી રૂ. ૧૧૬૨૬ કરોડ થઈ હતી. કંપનીનો ચોખ્ખો નફો બમણાથી વધી રૂ. ૧,૩૮૦ કરોડ થયો હતો અને આવક ૬૭ ટકા વધીને રૂ. ૩૫,૯૭૭ કરોડ થઈ હતી. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડે શાખા વિસ્તરણ અંતર્ગત મુંબઈમાં વિરાર ખાતે નવી બ્રાન્ચ શરૂ કરી છે. આ સાથે બેન્કની મહારાષ્ટ્રમાં ૬૯ શાખા સહિત દેશમાં આ સંખ્યા ૮૩૬ પર પહોંચી છે. આ શાખામાં સેવિંગ્સ અને કરંટ અકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ વગેરે સહિત બેન્કની પ્રોડક્ટો અને સેવાઓ ઉપલબ્ધ રહેશે.
સેન્સેક્સની ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી. મિન્ડા કોર્પોરેશને ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક તુલનાએ ૧૩ ટકાના વધારા સાથે રૂ. ૧૦૭૫ કરોડની રેવેન્યૂ અને ૧૧.૩ ટકાના માર્જિન સાથે રૂ. ૧૨૨ કરોડનો ચોકો નપો નોંધાવ્યો છે. ઇબિટા માર્જિન ૧૦.૯ ટકા રહ્યું હતું. કંપની બોર્ડે ૪૦ ટકા ડિવિડંડની ભલામણ કરી છે, જેની સાથે આખા વર્ષનું ડિવિડંડ ૬૦ ટકા થાય છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પોર્ટ જેવા શેર્સમાં અનુક્રમે છ ટકા અને બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં સૌથી વધુ સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૧.૯૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અન્ય ગેઇનર્સમાં ડો. રેડીઝ લેબ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાઈટનનો સમાવેશ હતો. નિફ્ટીમાં સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૬.૦૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ હતો. બીએસઈમાં મેટલ, બેન્ક, ફાઈનાન્શિયલ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, ઓઈલ-ગેસ, ફાર્મા, અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૩ ટકા અને ૦.૧૦ ટકા વધીને બંધ રહ્યા હતા.
બજારના સાધનો જણાવે છે કે, વિશ્ર્વબજારની નબળાઇ પાછળ સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. અમેરિકાની ડેટ સિલિંગની વાટાઘાટો અટકી જવા સાથે તેની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવેલા આકરાં નિવેદનોને કારણે વ્યાજદરમાં વિરામ મળવાની શક્યતા ધૂંધળી થઇ જતાં યુએસ ટ્રેઝરી યિલ્ડમાં વધારો થયો હતો. બજારના ખેલાડીઓ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (ફોમક)ની મીટીંગના મિનટ્સ જાહેર થવાની રાહ જોઇ રહ્યાં છે, જે બુધવારે થશે અને તેની અસર આજે ગુરુવારના સત્રમાં જોવા મળશે. એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારોમાં પીછેહઠ નોંધાઇ હતી. મંગળવારે અમેરિકન માર્કેટ ગબડ્યા પછી યુરોપના બજારોમાં પણ નેગેટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧.૮૯ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૭૮.૨૯ ડોલર બોલાયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૧૮૨.૫૧ કરોડના શેર ખરીદ્યા હતા.