વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા સેજપુરા ગામની કિશોરીને સમયસર સારવાર ન મળતા મોત

આપણું ગુજરાત

Vadodara: વડોદરાના ડભોઈ(Dabhoi) તાલુકામાં થોડા દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને (heavy Rain)કારણે રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે જેથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. આવી સ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાના અભાવને કારણે સેજપુરા(Sejpura) ગામના આદિવાસી પરિવારની દિકરીને જીવ ગુમાવવો પડ્યો હતો.
સેજપુરા ગામના આદિવાસી પરિવારની 16 વર્ષની દિકરી બીમાર હતી ગામમાં મેડિકલ સુવીધા ઉપલબ્ધ ન હોવાથી બાજુના ગામમાં આવેલી હોસ્પિટલ લઇ જવી પડે તેમ હતી, પરતું ચારે તરફ ભરેલા પાણીને કારણે સમયસર સારવાર ન મળતા દિકરી મોતને ભેટી હતી. ત્યારબાદ ચારેકોર ભરાયેલાં પાણીને કારણે મૃતદેહને ગામ સુધી લઇ જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં આદિવાસી પરિવારની ધોરણ-10માં અભ્યાસ કરતી રેણુકા વસાવા બે દિવસથી બીમાર હતી. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હોવાથી પરિવારજનો તેને રિક્ષામાં બેસાડી કારવણ ગામ સ્થિત સરકારી દવાખાને લઇ જવા માટે નીકળ્યા હતા પરંતુ ભારે વરસાદને કારણે ચારેકોર પાણી ભરાયેલા હતા. ત્યારબાદ પરિવારજનોએ છત્રાલ ગામ થઈને કારવણ જવા નીકળ્યા હતા, પરંતુ છત્રાલ ગામના માર્ગો ઉપર પાણી હોવાને કારણે પરિવારને બીમાર દીકરીને મંડાળા ગામથી કારવણ જવા નીકળ્યા હતા. પરિવારજનો રેણુકાને હોસ્પિટલ સુધી પહોંચાડે એ પહેલાં રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.

એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને પોતાના ગામ સેજપુરા પરત લાવવા તૂટેલા રોડને કારણે એમ્બ્યુલન્સચાલકે મૃતદેહને લઇ ગામ સુધી પહોંચાડવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે રેણુકાના મામાએ પ્રાઈવેટ વાહનની વ્યવસ્થા કરી હતી. આ વાહન ચાલકે પણ ગામ સુધી જવાની મનાઈ કરી હતી. જેથી મામાને ભાણીના મૃતદેહને પોતાના હાથથી ઊંચકી ગામ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી.

કિશોર વયની દિકરીનું મૃત્યુ નીપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રાજ્યમાં ઉત્તમ આરોગ્ય સુવિધા અને વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારની પોલ છતી થઇ ગઈ છે. જો કિશોરીને સમયસર પ્રાથમિક સારવાર મળી ગઈ હોત તો જીવ બચી શક્યો હોત પણ સરકારની બેદરકારીએ કિશોરીનો ભોગ લીધો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.