મેસેજ મળ્યાના ચોવીસ કલાકમાં જ બંને વિયેટનામ પહોંચ્યા
—
મુંબઈ: અત્યંત ગંભીર માંદગીમાં પટકાયેલા ૨૮ દિવસના વિયેતનામી બાળકને બચાવવા જવલ્લેજ માનવ શરીરમાં જોવા મળતા બોમ્બે બ્લડ ગ્રુપ ધરાવતા મુંબઈના બે રહેવાસી હજારો કિલોમીટર દૂર આવેલા વિયેતનામના હેનોઈ શહેર વિમાનમાર્ગે પહોંચી ગયા હતા. નવજાત શિશુને મદદરૂપ થવા માટેના વહેતા થયેલા સંદેશાની ૨૪ કલાકની અંદર મુંબઈના બે રહેવાસીએ તૈયારી દર્શાવી જરાપણ સમય વેડફ્યા વિના બંને વિયેતનામ પહોંચી ગયા હતા એવી માહિતી સંબંધિત અધિકારીઓએ સોમવારે આપી હતી. જોકે, ચોક્કસ કારણોસર મુંબઈના આ બે રહેવાસીઓના રક્તનો ઉપયોગ થઈ શક્યો નહોતો, પણ ઉમદા કાર્ય માટે તેમણે કરેલી પહેલની બાળકના માતા પિતા, હોસ્પિટલ અને ભારતીય દૂતાવાસ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને બિઝનેસ કરતા લોકો સહિત હેનોઈમાં રહેતા ભારતીય લોકો ભેગા મળીને આ બન્ને રહેવાસીના ઈ વિઝા, વિમાનની ટિકિટ, બ્લડ ટેસ્ટ અને અન્ય પેપરવર્કમાં તાત્કાલિક ધોરણે મદદરૂપ થયા હતા. સમગ્ર ઘટના અંગે માહિતી આપતા રક્તદાન કરવા વિયેતનામ પહોંચેલા મુંબઈના બે દાતા પૈકી એક પ્રવીણ શિંદેએ જણાવ્યું હતું કે થિન્ક ફાઉન્ડેશન નામના એનજીઓના વિનય શેટ્ટીનો
૧૫ ફેબ્રુઆરીએ બપોરના ૧૨ વાગ્યે એમને ફોન આવ્યો હતો. હેનોઈની હોસ્પિટલમાં ગંભીર માંદગીમાં પટકાયેલા બાળકને જવલ્લે જ મળતા બોમ્બે બ્લડની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. શિંદે બોમ્બે બ્લડ ગ્રુપ ધરાવે છે. વિયેતનામી કાયદા અનુસાર વિદેશમાંથી રક્ત વાહન દ્વારા કે બીજી કોઈ રીતે મોકલી શકાતું નથી. એટલે પ્રવીણ શિંદે અને બોમ્બે બ્લડ ગ્રુપ ધરાવતો બીજો રહેવાસી આશિષ નલાવડે તાબડતોબ હેનોઈ પહોંચી ગયા હતા. બંનેએ રક્તદાન કર્યું હતું પણ કોઈ સમસ્યાને કારણે એનો ઉપયોગ નહોતો કરી શકાયો. નસીબજોગે હોસ્પિટલને બોમ્બે બ્લડ ધરાવો સ્થાનિક રહેવાસી મળી ગયો અને બાળકને સમયસર લોહી ચડી ગયું. હાલ બાળકની સ્થિતિ સારી છે. (પીટીઆઈ)