Homeલાડકીએક એવી મીઠી વીરડી જે આપણી અંદર રહેલા અપાર ખારા દરિયાને પળવારમાં...

એક એવી મીઠી વીરડી જે આપણી અંદર રહેલા અપાર ખારા દરિયાને પળવારમાં મીઠો કરી દે…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમારી લાઈફમાં એવી વ્યક્તિ ખરી જેણે ‘તમારો’ પરિચય કરાવ્યો હોય? તમારી જાત સાથેની મુલાકાત કરાવી હોય? એને મળ્યા પછી ‘હવે કાંઈ જ બાકી નથી’નો અહેસાસ થયો છે? એને ગુમાવવાના વિચારમાત્રથી હૃદય ધબકારો ચૂકી જાય એવું
લાગે છે?
કેટલાક સંબંધો ઈશ્ર્વર અલગ શાહીથી આપણા માટે લખતો હોય છે અને એ પણ ઇરેઝ ન થઈ શકે એવી શાહીથી… જાણે કે એ વ્યક્તિનું સર્જન આપણા માટે જ કર્યું હોય. એવા ચોક્કસ સમયે એનું આગમન થવું એ ચમત્કારથી કમ નથી હોતું.
જ્યારે ચારેકોરથી વિટંબણાઓ ભરડો લઈને આપણને ઘેરી વળી હોય છે ત્યારે અધખૂલી આંખે ધૂંધળું દેખાતું દૃશ્ય જેમ હાશકારો આપે એમ જ એ વ્યક્તિનું આગમન આંતરમનને અનહદ આનંદ
આપે છે.
ખૂણે ખદબદતો ખાલીપો ભરીને એ વ્યક્તિ આપણા માટે એટલી મહત્ત્વની બની ગઈ હોય છે જાણે કે આપણા માટે આપણો શ્ર્વાસ… એના હોવાથી આપણામાંનું તત્ત્વ જીવંત થતું હોય એવું લાગે. એક સમયે આપણા શોખને પણ ભૂલી ગયેલી આપણી જાતને ટપારી ટપારીને ફરી વેગવંતી કરે.
આપણા એક અવાજથી એ હાજર હોય અને અવાજની તીવ્રતા માપવાનું મશીન કદાચ એની પાસે હોય… એના વાહિયાત જોકથી પણ આપણા ફેસ પર દોઢ કિલોમીટર લાંબું સ્માઈલ આવે… આપણી ઈચ્છાઓ કે મનમાં ચાલતી ગડમથલ સુપેરે પારખી જાણે… એનું નામ લેવામાત્રથી આપણા પ્રોબ્લેમ હલ થતા હોય એવું લાગે… એક એવું ફાયર બ્રિગેડ જે મનને શાંતિ તો આપે જ, પણ જરૂર પડે ત્યાં ગુસ્સોય કરી લ્યે… તમારા એકાંતમાં પણ એની એટલી જ હાજરી હોય જેટલી એની સાથે… એને મળીને આપણે પૂર્ણ થયા હોય એવું લાગે… એક એવો ફરિશ્તા જે હાથ પકડીને સાથે તો ચાલે જ, પણ ભૂલ હોય તો એ જ હાથથી ખેંચીને એકાદ ઝાપટ અડાડી દે… આપણી મૂંઝવણની આપણી પહેલાં એને ખબર પડી જાય ને આપણે કહીએ ત્યાં સુધીમાં અડધી તો સોલ્વ થઈ ગઈ હોય… એક એવું મધ્યબિંદુ જેની આસપાસ જાણ્યે-અજાણ્યે પણ આપણી દુનિયા વણાઈ ગઈ હોય છે… એ ટપકાની ગેરહાજરી કલ્પવી પણ મુશ્કેલ થઈ પડે છે…
આ સંબંધને પ્રેમનું ટેગ આપવું કદાચ યોગ્ય નથી, કારણ કે આ સંબંધ પ્રેમથી ઉપરવટ છે. અહીં આઈ લવ યુ શબ્દો પણ એકબીજાને અભિવ્યક્ત થવા માટે ટૂંકા પડે છે. વળી અહીં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, માત્ર સામેવાળાનું વિચારાય છે. બસ સામેના પાત્રને કોઈ પણ કારણસર તકલીફ ન પડવી જોઈએ એ વાત કેન્દ્રસ્થાને હોય છે.
થેન્ક્સ શબ્દનું એ વ્યક્તિ સામે તો જાણે કોઈ મહત્ત્વ જ નથી! કારણ કે એ વ્યક્તિનું આપણી પાસે હોવું એ જ મોટી ભેટ છે. એના માટે કુદરતને રોજેય થેન્ક્સ કહેવું પડે. એ વ્યક્તિ સાથે વિતાવેલી દરેક ક્ષણ આપણી જાતને શણગારે છે, સૌંદર્યવાન બનાવે છે… એનો હૂંફાળો સ્પર્શ આપણા રિગ્રેટ્સને ટાટા-બાય બાય કહેવા મજબૂર કરી દે છે. એનું પ્રેમભર્યું આલિંગન આપણી વ્યથાને આંસુઓમાં પરિવર્તિત કરી હળવાશ બક્ષે છે. એનું ખડખડાટ હાસ્ય આપણા કઠણ કાળજે કિલ્લોલની કિકિયારી ગુંજવી દે છે.
એનો ઠપકો આપણી ભૂલોને રિપીટ થતાં પહેલાં રોકી લે છે. ડિસ્પ્લે પર ડોકિયાં દેતું એ નામ આપણા અર્ધજાગ્રત મનમાં એવું તે વણાઈ ચૂક્યું હોય છે કે આપણી જાતને એનાથી અળગી કલ્પી જ નથી શકતા… મનના ઊંડાણમાં સતત ટપકતું એનું નોટિફિકેશન આપણામાં ઊર્જાનો દીવડો પ્રજ્વલિત રાખે છે.
એક એવી મીઠી વીરડી જે આપણી અંદર રહેલા અપાર ખારા દરિયાને પળવારમાં મીઠો કરી દે છે. એક એવો સોફ્ટ કોર્નર જ્યાં ઠલવાઈને દુ:ખદર્દને બે ઘડી માટે પણ ઠેબે ઉડાડી દઈએ છીએ.
એને મળ્યા પછી એવું થાય કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે આપણે કોઈ લાંબી ટ્રિપ પર વગર પ્લાને જઈ શકીએ. આ એ જ માણસ છે જેની સાથે અફાટ દરિયામાં ડૂબકી લગાવી શકાય છે. આ એ જ ડ્રીમ પર્સન છે જેનો હાથ પકડી સૂકાં પાંદડાં પર ચાલવાનો આનંદ માણી શકાય છે.
આ એ જ ફરિશ્તા છે જેની સાથે કોઈ પર્વતની ટોચ પર પગ લબડાવીને સાથે બેસી શકાય છે, જંગલમાં રખડવા-ભટકવાનો લહાવો લઈ શકાય છે. એને બથમાં ભરીને દુનિયાનો ભાર હળવો કરી શકાય છે. પવનચક્કીનાં પાંખિયાં પર નાનકડો હીંચકો બાંધી એની સાથે હીંચકી શકાય છે. ખુલ્લા આકાશ નીચે ચાંદ-તારાની ઓઢણી ઓઢીને અઢળક વાતો કરી શકાય છે.
ધૂળ ખંખેરીને ફરી બેઠાં કરે છે એ સપનાંઓને… પાંખો આપી વિહરવા માટે નિર્માણ કરે છે એક નાનકડું આકાશ… કટાઈ ગયેલી આવડતનો ફરી પરિચય કરાવીને મહેકાવી ઊઠે છે આપણી જાતને… હાથમાં હાથ નાખીને લાંબી કરી આપે છે લથડિયાં ખાતી જીવનરેખાને…
કરચલીવાળા કપાળને ચૂમીને જતાવી દે છે એના માટે આપણું મહત્ત્વ… એ છે તો લાઈફમાં ભયનું કોઈ સ્થાન જ નથી. એ છે તો હાસ્યની હેલી હરેક પરિસ્થિતિમાં આવવાની જ છે. આ હૃદયના સ્ટેમ્પ પેપરે સ્વીકારેલું
સનાતન સત્ય છે.
મહત્ત્વની વાત એ છે કે એ માણસને પામવાના કોઈ જ પ્રયાસ થતા નથી. આવાં પાત્રો પોતપોતાની અલગ દુનિયામાં વ્યસ્ત હોવા છતાંય એકબીજા માટે નાનકડી દુનિયા ઊભી કરી દે છે જ્યાં એ બે સિવાય કોઈ હોતું નથી. એમની પર્સનલ લાઈફમાં દખલ કર્યા વગર માત્ર આપણને જીવતાં શીખવે છે. અહીં નથી કોઈ અપેક્ષા કે નથી કોઈ ડિમાન્ડ… અહીં સ્વાર્થ જેવા આવેગો હાંસિયામાં હોય છે ને એકબીજાની ખુશી માટે તેમ જ એકબીજાની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ અગ્રસ્થાને હોય છે. પરસ્પર શાબ્દિક હૂંફ આપીને તો ક્યારેક મૌનની ભીની વાતોથી આ માણસ આપણું એના જીવનમાં શું મહત્ત્વ છે તે જતાવી દે છે.
આ ભેટને ખોવામાત્રનો એહસાસ ધબકારો ચૂકવી જાય છે. જેનાથી જીવનમાં નવું જોમ આવ્યું હોય, જેના થકી જિંદગીની દિશાને ફરી વેગ મળ્યો હોય, જેણે આત્માના ઊંડાણમાં ઝાંકીને આપણી સાચી જાતને ઉલેચીને બહાર કાઢી હોય, જેણે આપણને અરીસો બતાવીને એના પર લાગેલા ડાઘ દેખાડ્યા હોય એ વ્યક્તિના દૂર થવાના ભયથી રીતસરનું નાસીપાસ થઈ જવું એ સ્વાભાવિક છે. આમ જોવા જઈએ તો આ સંબંધનો કોઈ જ ટેગ નથી હોતો. માત્ર અંદર થીજી ગયેલી ખાલીપાની ચાદરને ઓગાળીને સપનાંઓને વહેતાં કરી આપે છે. છતાં પણ એ સ્થિતિનું નિર્માણ થાય એ પહેલાં એ વ્યક્તિનો સાથ જેટલો માણી શકાય એટલો માણી લેવો જોઈએ. પાસે હોવા કરતાં સાથે હોવું અગત્યનું છે. કદાચ એ વ્યક્તિ આજીવન પાસે નહીં હોય, પણ એનો સાથ જીવનભર રહેશે એ વાત તો પાક્કી…
****************

ક્લાઈમેક્સ
આંખોની કમાલ કહે કે પછી તારી, તને નીરખું તો મારા શબ્દોય ગોથે ચડે અને જીભે લોચા વળે…! છે ઈલાજ તારી પાસે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular