ટીન અને નિકલ સહિતની ચોક્કસ ધાતુઓમાં જળવાતી પીછેહઠ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ લંડન મેટલ એક્સચેન્જ ખાતે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૩૩નો ઘટાડો આગળ વધ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૩ ઘટીને રૂ. ૧૮૬૭ અને રૂ. ૧૫ ઘટીને રૂ. ૧૭૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ વધુ ભાવ ઘટે તેવા આશાવાદે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી પાંખી રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૬૨૩ અને રૂ. ૫૭૫, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને અનુક્રમે રૂ. ૬૩૬ અને રૂ. ૬૩૧, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૪૫૫, બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૫૦૫ અને રૂ. ૨૯૫ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૬૬૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૫૭, રૂ. ૨૧૧ અને રૂ. ૧૯૦ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.