Homeવેપાર વાણિજ્યડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વિવિધ ધાતુઓમાં જળવાતી પીછેહઠ

ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે વિવિધ ધાતુઓમાં જળવાતી પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે એકમાત્ર લીડ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના અંતે એકમાત્ર ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની માગને ટેકે કિલોદીઠ રૂ. ૧૩નો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય એલ્યુમિનિયમમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૪૭ સુધીનો ઘટાડો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલમાં ૨.૮ ટકાનો, એલ્યુમિનિયમના ભાવમાં ૨.૪ ટકાનો, ઝિન્કમાં ૨.૩ ટકાનો, કોપરમાં ૨.૧ ટકાનો અને ટીનમાં બે ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર લીડના ભાવ એક ટકા વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં પણ આજે સપ્તાહના અંતે મુખ્યત્વે નિકલ અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪૭ ઘટીને રૂ. ૨૧૮૮ અને રૂ. ૧૦ ઘટીને રૂ. ૭૯૦ના મથાળે રહ્યા હતા.
વધુમાં અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૬૬૦, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને અનુક્રમે રૂ. ૭૪૫, રૂ. ૭૩૫, રૂ. ૪૭૫ અને રૂ. ૨૬૮ના મથાળે, કોપર આર્મિચકના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૭૧૫ અને બ્રાસ શીટ કટિંગ્સ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૫૨૦ અને રૂ. ૧૯૩ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૮ અને રૂ. ૨૨૧ના મથાળે ટકેલા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular