શક્તિ કપૂર ‘તૂ જૂઠી મૈં મક્કાર’ પાટનગરમાં જોવા તલપાપડ છે, કારણ કે દીકરીની માન્યતા છે કે જો ડેડી દિલ્હીમાં એની નવી ફિલ્મ જુએ તો એ હિટ થાય
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
શાહરુખ ખાનની ‘પઠાન’ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે અને હિન્દી ભાષાની સર્વાધિક કમાણી કરનારી ફિલ્મ સાબિત થયા પછી હવે એની કુલ કમાણીનો આંકડો ૧૦૦૦ કરોડને ક્યારે પાર કરે છે એની ઉત્સુકતા યશરાજ ફિલ્મ્સને જ નહીં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પહેલા બે દિવસમાં જ બ્લોકબસ્ટર સાબિત થવાના એંધાણ આપનારી આ ફિલ્મના કલેક્શન વિશે એક મજેદાર વાત જાણવા મળી છે. ખબરીએ આપેલી માહિતી અનુસાર ફિલ્મનું કલેક્શન ૫૫૫ કરોડ ક્યારે થાય છે એ જાણવાનો ખાસ આગ્રહ કિંગ ખાને રાખ્યો હતો. વાત એમ છે કે શાહરૂખને આંકડાઓ પ્રત્યે ખાસ્સો લગાવ છે. એની કારની નેમપ્લેટમાં તેમજ મોબાઈલ ફોનના નંબરમાં ૫૫૫નો આંકડો હોય એની તકેદારી રાખવામાં આવે છે. લેટેસ્ટ માહિતી અનુસાર ભારતમાં હિન્દી વર્ઝનની કમાણી ૫૦૦ કરોડને પહોંચી જશે એવું માનવામાં આવે છે ત્યારે ૫૫૫ કરોડનું કલેક્શન થાય ત્યારે કિંગ ખાન એક સ્પેશિયલ પાર્ટી આપશે એવી ચર્ચા સાંભળવા મળી છે. મનોરંજનની દુનિયામાં અને ખાસ કરીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંધશ્રદ્ધા કોઈ નવી વાત નથી. ‘પઠાન’ ઉપરાંત હોળીના તહેવાર વખતે રિલીઝ થનારી ‘તૂ જૂઠી મૈં મક્કાર’ના સંદર્ભમાં પણ શ્રદ્ધા કપૂરની અંધશ્રદ્ધાની વાત ચર્ચાઈ રહી છે.
લવ રંજન દિગ્દર્શિત ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર પહેલી વાર હીરો – હિરોઈન તરીકે જોવા મળશે. ફિલ્મ રસિયાઓમાં આ ફિલ્મ અંગે કેટલું કુતૂહલ છે એ તો ભગવાન જાણે, પણ શ્રદ્ધા કરતાં વધુ તલપાપડ એના પિતાશ્રી શક્તિ કપૂર છે. તેમણે અત્યારથી જ દિલ્હીમાં પહેલે જ દિવસે દીકરીની નવી ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવા કહી દીધું છે. વાત એમ છે કે શક્તિ કપૂર શ્રદ્ધાની જે ફિલ્મ દિલ્હીમાં જુએ છે એ બોક્સ ઑફિસ પર હિટ થાય છે એવી શ્રદ્ધાની માન્યતા બંધાઈ ગઈ છે. ‘આશિકી ૨,’ ‘હૈદર’, ‘એક વિલન’, ‘એબીસીડી ૨’ એના ઉદાહરણ છે. આ ચારેચાર ફિલ્મ શક્તિ કપૂરે દિલ્હીમાં જોઈ હતી અને એને સફળતા મળવાને કારણે શ્રદ્ધાની અંધશ્રદ્ધા બંધાઈ ગઈ કે જે ફિલ્મ ડેડી દિલ્હીમાં જુએ એ હિટ થાય. શ્રદ્ધાને બીજું પણ એક વળગણ છે. પહેલી બે ફિલ્મ ’તીન પત્તી’ અને ‘લવ કા ધ એન્ડ’ને મોળો પ્રતિસાદ મળ્યા પછી શ્રદ્ધાની ‘આશિકી ૨’ અને ‘એક વિલન’ને બોક્સ ઑફિસ પર સારી સફળતા મળી હતી. આ બંને ફિલ્મમાં શ્રદ્ધાના પાત્રના નામ અંગ્રેજી અક્ષર એથી શરૂ થાય છે – ‘આશિકી ૨’માં આરોહી અને ‘એક વિલન’માં આયેશા. બંને પાત્ર દર્શકોની સ્મૃતિમાં જડાઈ ગયા. પરિણામે ‘હૈદર’ માટે જ્યારે શ્રદ્ધાની પસંદગી થઈ ત્યારે તેણે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજને પોતાના પાત્રનું નામ એ પરથી રાખવા વિનંતી કરી હતી. દિગ્દર્શકે એ વિનંતી માન્ય રાખી એનું નામ આર્શીયા રાખ્યું હતું. એ પરથી શરૂ થતા ત્રણેય પાત્રવાળી ફિલ્મ શ્રદ્ધાની કારકિર્દીમાં ત્રણ એક્કા જેવી સાબિત થઈ.
‘તૂ જૂઠી મૈં મક્કાર’ શ્રદ્ધા માટે મહત્ત્વની ફિલ્મ છે, કારણ કે ‘સ્ત્રી’ (૨૦૧૮) અને ‘છિછોરે’ (૨૦૧૯)ને બોક્સ ઑફિસ પર મળેલી જ્વલંત સફળતા પછી શ્રદ્ધા કપૂરની પાટી લગભગ કોરી છે. વચ્ચે તો આ હિરોઈન ક્યાં ખોવાઈ ગઈ એવી ગુસપુસ પણ સાંભળવા મળી હતી. શાહિદ કપૂર સાથેની ‘બત્તી ગુલ મીટર ચાલુ’ (૨૦૧૮), પ્રભાસ સાથેની
‘સાહો’ (૨૦૧૯), વરુણ ધવન સાથેની ‘સ્ટ્રીટ ડાન્સર ૩’ (૨૦૨૦) અને ટાઇગર શ્રોફ સાથેની ‘બાગી ૩’ (૨૦૨૦) વળતરની દ્રષ્ટિએ નબળી ફિલ્મ સાબિત થઈ હોવાથી શ્રદ્ધાને સાઈન કરવા ફિલ્મમેકરો ઉત્સુક નહોતા કે અભિનેત્રી ચૂઝી થઈ ગઈ હતી કે કેમ પણ એના નામ સામે ફિલ્મો નથી બોલતી એ હકીકત છે. આ પરિસ્થિતિમાં ‘તૂ જૂઠી મૈં મક્કાર’ એને માટે કેવું મહત્ત્વ ધરાવે છે એ સમજાય છે.
‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી વખણાયેલી ફિલ્મો આપનાર લવ રંજનએ પાંચ વર્ષ પછી ફિલ્મ ડિરેક્ટ કરી છે. લવ રંજનની ફિલ્મોની એક ખાસિયત એ રહી છે કે એની ફિલ્મમાં નેગેટિવ કેરેક્ટર – વિલન હંમેશાં સ્ત્રી પાત્ર હોય છે. એની છેલ્લી ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં નુસરત ભરૂચા વિલન હતી. આ વિશે ડિરેક્ટર ખુલાસો કરે છે કે ‘લડકી સીધી, લડકા ચાલુ’ ફોર્મ્યુલાને વળગી ઘણા લોકો સરસ મજાની ફિલ્મ બનાવે છે. મને ફિલ્મોમાં નોવેલ્ટી આપવાનો શોખ છે. મારી ફિલ્મ જોનારા દર્શકોને આનંદ થાય એ સાથે તેમને હેરત પણ થવી જોઈએ એવું મારું માનવું છે. ફિલ્મમાં એક પોઝિટિવ પાત્રની સામે એક નેગેટિવ પાત્ર ન હોય તો એ ફિલ્મ દર્શકોને જકડી ન રાખે. મારી ફિલ્મમાં નેગેટિવ કેરેક્ટર સ્ત્રી હોય છે એ સમજી વિચારીને લીધેલો નિર્ણય છે. પુરુષ પાત્રને જ નઠારું જોવા ટેવાયેલા દર્શકોને એવું નારી પાત્ર વિસ્મય પમાડે છે અને એટલે એના કુતૂહલમાં વધારો થાય છે.’ તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલું ફિલ્મનું ટ્રેલર જોતા શ્રદ્ધાનું પાત્ર નેગેટિવ છાંટ ધરાવતું હોય એવું લાગે છે. રણબીર કપૂરે કરેલા ખુલાસા મુજબ શ્રદ્ધા સાથેની પહેલી ફિલ્મ એની છેલ્લી લવ સ્ટોરી છે અને એને કેવો આવકાર મળે છે એ તો આવનારો સમય જ કહેશે. ‘પઠાન’ને મળેલી ભવ્ય સફળતા બાદ હિન્દી ફિલ્મો નિષ્ફળતાના ગ્રહણમાંથી બહાર આવશે એવી આશા જાગી છે. વેઈટ એન્ડ વોચ.