ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે ગઈ કાલે જૈન શ્રાવક શ્રાવિકાઓને અલૌકિક ઘટના જોવા મળી હતી. વર્ષમાં એક જ વાર જોવા અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વર્ષમાં એકવાર જોવા મળતી આ ખગોળીય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં બિરાજેલી પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જિનાલય પ્રશાસન દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટના ક્લોઝ સર્કિટ કેમેરાથી જોઇ શકાય તેવી પણ ગોઠવણ પણ કરવામાં આવી હતી.
અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે. 22મીમેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે અહીં ભક્તો ભાવપૂર્વક મહાવીર પ્રતિમાને વંદન કરીને ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી…’ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે અચાનક ગર્ભગૃહમાં મહાવીરસ્વામીના લલાટ પર સૂર્યકિરણો પથરાતાં દેરાસરનો પરિસર ઘંટનાદથી ગાજી ઊઠ્યું હતું. સ્વયં સૂર્યદેવ મહાવીરસ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સૂર્યતિલક તરીકે ઓળખાય છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું એક અજોડ પ્રતીક બની છે. જોકે આ કોઈ ચમત્કાર નહીં પરંતુ સાયન્ટિફિક યોગ છે. કૈલાશ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની યાદમાં શિષ્યએ જૈન આરાધના કેન્દ્ર બનાવ્યું છે, જ્યાં ગઈ કાલે બપોરે 2 વાગીને 7 મિનિટે ભગવાન મહાવીરસ્વામીના લલાટ પર સૂર્ય તિલક થાય છે.
આ અલૌકીક ઘટના છેલ્લાં 33 વર્ષથી જોવા મળે છે. આ અદભૂત સૂર્ય તિલક કોબાના જૈન મંદિરમાં 22મી મેના દિવસે જ જોવા મળે છે. પહેલી વખત આ ઘટના 1987માં બની હતી. ત્યાર બાદથી દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે મહાવીરસ્વામીના ભાલ પર સૂર્ય તિલક દેખાય છે. 3થી 4 મિનીટ સુધી ભક્તોને આ અદભૂત નજારો માણવા મળે છે, જે જોઈને ભાવિકો ધન્યતા અનુભવે છે. અહીં ઘણીવાર એવા ચમત્કાર પણ સર્જાયા છે, વાદળો ઘેરાયા હોય, તો પણ આ સમયે સૂર્ય દેખાઈને સૂર્ય તિલક સર્જાય છે.
હવે તમને થશે કે આખરે કેમ દર વર્ષે 22મી મેના રોજ જ આ સૂર્ય તિલક દેખાય છે? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. આ કોઇ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બનતી એક ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા. અને અજયસાગરજી મ.સા.એ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર આ દિવસે અને સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે. 33 વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજુ સુધી કોઇ વાદળ કે કોઇપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. આ ઘટના થાય છે, તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ર્વિત છે અને જયોતિષ શાસ્ત્ર મુજબ પણ સૂર્ય કયારેય વક્ર ગતિ નથી કરતો, જેને ધ્યાનમાં રાખીને આ દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે પ્રતિમાના કપાળ પર સૂર્ય તિલક થાય છે અને દેશભરમાંથી લોકો આ નજારો જોવા કોબા આવે છે.
દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાને માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યારે દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં દર વર્ષે આ અલૌકિક દ્રશ્ય જોવા મળે છે.