એક ચડિયાતો સિનેમેટિક સંબંધ: ભાઈ-બહેન

મેટિની

ભાઈ-બહેનની જોડીની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કમાલ

શો- શરાબા -દિવ્યકાંત પંડ્યા

એક છોકરીને તેની ઓફિસમાં કામ કરતો એક છોકરો બહુ ગમે છે. પોતાના તરફ તેનું ધ્યાન ખેંચવા માટે છોકરી ખૂબ કોશિશ કરે છે, પણ પેલો છોકરો એ છોકરીના પ્રયત્નોને અવગણે છે. છોકરી એકલી એકલી ધૂંધવાય છે. ઓફિસથી છૂટ્યા પછી તે છોકરા સાથેના બનાવોની વાતો કોઈને કરે છે, પણ કોને? તેની ફ્રેન્ડ્ઝને? ના, તેના ભાઈને. હમણાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નાડીદોષ’માં ભાઈ-બહેનનાં આ પાત્રો ખૂબ મજાનાં છે.
સામાન્ય રીતે છોકરી કે છોકરો પોતાની લવ લાઈફની વાત ફ્રેન્ડ્ઝને કરતાં હોય છે, પણ વાસ્તવમાં ભાઈ-બહેન વચ્ચે પણ આવી વાતો શેર કરવાનો હૂંફાળો સંબંધ ઘણી જગ્યાએ હોય છે. ઘણી ફિલ્મ્સમાં ભાઈ-બહેનનાં યાદગાર પાત્રો આપણે જોયાં છે. ૨૦૦૮માં આવેલી અબ્બાસ ટાયરવાલા દિગ્દર્શિત ‘જાને તૂ યા જાને ના’ ફિલ્મમાં ભાઈ-બહેનની રિલેશનશિપ સુંદર રીતે બતાવાઈ છે. ફિલ્મમાં અદિતિ (જેનેલિયા ડિસોઝા-દેશમુખ) અને અમિત (પ્રતીક બબ્બર)નો મસ્તી-મજાકવાળો નટખટ પ્રેમ જોવા મળે છે. બચપણથી જોડાયેલાં બહેન-ભાઈના સંબંધમાં નવા કોલેજ ફ્રેન્ડ્ઝ આવવાથી થોડી દૂરી વધી જાય છે અને સંબંધમાં રહેલી મિત્રતા ઓછી થઈ જાય છે. એક દૃશ્યમાં અમિત તેના એક પાલતુ ઉંદરને રમાડતાં રમાડતાં તેને પોતાનો દોસ્ત કહે છે ત્યારે અદિતિ તેને પૂછે છે કે ‘આપણે પણ દોસ્ત હતાંને, શું થયું અમિત?’ ત્યારે અમિત બચપણથી લઈને ત્યાર સુધી બનેલા અદિતિના દોસ્તોની એક પછી એક વાત કરે છે ને એ યાદ કરતાં અદિતિ ખુશ થઈને હસે છે, પણ પછી અમિત સહજતાથી પૂછે છે કે ‘તને મારો કોઈ દોસ્ત યાદ છે?’ ત્યારે અદિતિના હોઠ પર એકપણ નામ નથી આવતું અને અચાનક તેને પોતાના જ સવાલમાં રહેલું દોષીપણું સમજાઈ જાય છે. અમિત બહુ જ ઓછા શબ્દોમાં તેને કહે છે કે ‘બહેન, મારે તો પહેલેથી એક જ દોસ્ત છે. હું તારાથી દૂર નથી ગયો, પણ બીજા લોકો તારી વધુ નજીક આવી ગયા છે.’ ફિલ્મમાં આ દૃશ્ય ખૂબ મસ્ત રીતે ઊભરી આવ્યું છે. જોકે પછી એ જ અમિત અદિતિને તેના બેસ્ટ ફ્રેન્ડ જય માટેની અંદર પડી રહેલી પ્રેમની લાગણીની ઓળખ કરવામાં મદદ કરે છે.
૨૦૧૨માં આવેલી કરણ મલ્હોત્રા દિગ્દર્શિત ‘અગ્નિપથ’માં વિજય (રિતિક રોશન) અને તેની બહેન શિક્ષા (કનિકા તિવારી)ના સંબંધથી પણ ફિલ્મમાં એક અલગ જ મીઠાશ ઉમેરાઈ છે. વિજય અને શિક્ષાની ઉંમરમાં ઘણો તફાવત છે. વિજય એ કારણે પોતાની નાની બહેન બાબતે વધુ જ કાળજીથી વર્તે છે. તેની બહેનની સુરક્ષા માટે તે ભલભલા સાથે લડી પડે છે. ‘જોશ’ (૨૦૦૦), ‘કાઈ પો છે’ (૨૦૧૩) જેવી ફિલ્મ્સના અનુક્રમે મેક્સ (શાહરુખ ખાન)-શર્લી (ઐશ્ર્વર્યા રાય) અને ઈશાન (સુશાંત સિંહ રાજપૂત)-વિદ્યા (અમૃતા પુરી)ની જોડીમાં પણ મોટા ભાઈની આવી જ પ્રોટેક્ટિવનેસ દેખાઈ આવે છે. તો બીજી બાજુ એનાથી ઊલટું, ફિલ્મ ‘ક્વીન’ (૨૦૧૩)માં જોવા મળે છે. વિકાસ બહલ દિગ્દર્શિત આ ફિલ્મમાં રાની (કંગના રનૌત) અને ચિન્ટુ (ચિન્મય અગ્રવાલ)ની ઉંમરનો તફાવત વિજય અને શિક્ષાની જેમ જ છે, પણ અહીં રાની મોટી અને ચિન્ટુ નાનો છે. રાખડીના તાંતણે બંધાયેલી રક્ષા સામે પોતે નાનો હોવા છતાં ફરજરૂપે મોટી બહેનની જિંદગીની ઘટનાઓ બાબતે તે પ્રોટેક્ટિવ વર્તન કરે છે. સામે મોટી બહેન પણ ઓછી પ્રોટેક્ટિવ કે બલિદાનની ભાવનાવાળી નથી હોતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘ભાગ મિલ્ખા ભાગ’ (૨૦૧૩)માં ઈસરી સિંહ (દિવ્યા દત્તા) મિલ્ખા સિંહ (ફરહાન અખ્તર)નું સૌથી મોટું પ્રેરકબળ બને છે અને તેના માટે બલિદાન પણ આપે છે.
ભારતની ઉમદા ફિલ્મ્સની યાદીમાં વટથી સ્થાન પામતી નાગેશ કુકુનૂર દિગ્દર્શિત સ્પોર્ટ્સ ડ્રામા ‘ઈકબાલ’ (૨૦૦૫)માં ક્રિકેટર બનવા માગતા એક બહેરા અને મૂંગા યુવાન ઈકબાલ (શ્રેયસ તલપડે)ની કહાણી છે. તેનો બાપ ખેડૂત છે અને ક્રિકેટના બદલે ખેતી પાછળ જ ધ્યાન આપવા ઈકબાલને કહે છે, પણ તેની ક્રિકેટિંગ સ્કિલ્સની સૌથી મોટી પ્રશંસક અને સાથી બને છે તેની નાની બહેન ખાદિજા (શ્ર્વેતા બાસુ પ્રસાદ). અમુક ફિલ્મ્સ તો આખી જ ભાઈ માટે બહેનની અને બહેન માટે ભાઈની લડત પર આધારિત હોય છે. ૨૦૧૬માં આવેલી ઓમંગ કુમાર દિગ્દર્શિત ફિલ્મ ‘સરબજીત’માં એક નિર્દોષ ભારતીયની પાકિસ્તાની જેલમાં ત્રાસવાળી જિંદગી એક બહેનની નજરથી દેખાડાઈ છે. એ બહેન જે પોતાનું આખું જીવન ભાઈને વતન પાછો લાવવા અને તેની નિર્દોષતા પુરવાર કરવામાં સમર્પિત કરી દે છે. એ જ રીતે છેક ૧૯૭૧માં આવેલી દેવ આનંદ દિગ્દર્શિત મ્યુઝિકલ ડ્રામા ‘હરે રામા હરે ક્રિષ્ના’માં પણ એક ભાઈની પોતાની બહેનને શોધવાની એક લાગણીસભર સફર બતાવાઈ છે.
૨૦૧૫માં આવેલી ઝોયા અખ્તર દિગ્દર્શિત ફિલ્મ ‘દિલ ધડકને દો’માં કબીર (રણવીર સિંહ) અને આયેશા (પ્રિયંકા ચોપરા-જોનાસ)ની પોતાનાં જ મા-બાપ સામે પોતાના માટે નહીં, પણ એકબીજાના હિત માટે બોલતાં નજરે પડે છે. ભાઈને પાઈલટ બનવું છે એ વાતે આયેશા સ્ટેન્ડ લે છે. સામે કબીર પણ બહેન આયેશા મહેરા પરિવારનો બિઝનેસ સંભાળવા માટે પોતાના કરતાં વધુ લાયક છે તેવું બેધડકપણે બોલી નાખે છે.
ફક્ત ઓનસ્ક્રીન જ નહીં, પણ ઓફસ્ક્રીન રિયલ ભાઈ-બહેનની જોડીની પણ ફિલ્મમેકિંગ સાથે જોડાયેલી વાતો ખૂબ જ રસપ્રદ છે. ‘દિલ ધડકને દો’નાં જ ડિરેક્ટર અને એક્ટર બહેન-ભાઈની જોડી ઝોયા અને ફરહાન આ સિવાય પણ ઘણી ફિલ્મ્સમાં અનેક રીતે સંકળાયેલી છે. ઝોયા અખ્તરની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘લક બાય ચાન્સ’ (૨૦૦૯) અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ (૨૦૧૧)માં પણ ફરહાન અખ્તરે એક્ટિંગ કરી છે. જ્યારે ફરહાને આ બધી જ ફિલ્મ્સનું નિર્માણ કાર્ય પણ સંભાળ્યું છે. ઉપરાંત આપણે ‘સૂરથી શીર્ષક સુધી’ સિરીઝમાં જોયું હતું તેમ ઝોયાએ પોતાની અને ફરહાનની ફિલ્મ્સનાં ગીતોના શબ્દોને જ પોતાની એ પછીની ફિલ્મ્સના શીર્ષક તરીકે પણ વાપર્યા છે.
ફરહાન-ઝોયા જ નહીં, પણ અનુષ્કા શર્મા અને તેનો ભાઈ કર્નેશ પણ મળીને ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ નામના બેનર હેઠળ ફિલ્મ્સ બનાવે છે. ‘એનએચટેન’ (૨૦૧૫), ‘ફિલૌરી’ (૨૦૧૭), ‘પરી’ (૨૦૧૮), ‘પાતાલલોક’ (૨૦૨૦), ‘બુલબુલ’ (૨૦૨૦), ‘માઈ’ (૨૦૨૨) વગેરે ફિલ્મ્સ અને વેબ સિરીઝ આ ભાઈ-બહેનને જ આભારી છે.
અને હા, તમને ખબર છે?
શાહિદ કપૂરના ભાઈ ઈશાન સિવાય તેની બહેન સના કપૂરે પણ ફિલ્મમાં એક્ટિંગ કરી છે? અને એ પણ શાહિદ સાથે? જી, હા! ૨૦૧૫માં આવેલી વિકાસ બહલ દિગ્દર્શિત ‘શાનદાર’માં જે છોકરીના ડેસ્ટિનેશન વેડિંગ આસપાસ આખી વાર્તા ઘડાઈ છે એ ઈશા એટલે જ સના કપૂર, પણ ફિલ્મમાં તે શાહિદના પાત્રની નહીં, પણ આલિયા ભટ્ટના પાત્ર આલિયાની બહેનનું પાત્ર ભજવે છે અને ઈન્ટરેસ્ટિંગલી, ઈશાના પિતાનું પાત્ર સનાના રિયલ લાઈફ પિતા પંકજ કપૂરે ભજવ્યું છે. જોકે શ્રદ્ધા કપૂર અને તેના એક્ટર ભાઈ સિદ્ધાંત કપૂરે ફિલ્મમાં પણ ભાઈ-બહેન બનવાની તેમની અબળખા પૂરી કરી લીધી છે. ૨૦૧૭માં આવેલી અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ‘હસીના પારકર’માં શ્રદ્ધાએ હસીના અને સિદ્ધાંતે તેના ડોન બ્રધર દાઉદનું પાત્ર ભજવ્યું છે. છેને ભાઈ-બહેનની જોડીઓનો ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન મનોરંજક ખજાનો!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.