અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

મચ્છરની મદદ, ગુનેગાર અંદર
એકવીસમી સદીમાં વિજ્ઞાનની મદદ માનવ જીવનમાં ક્રાંતિ લાવી રહી છે. દૈનિક જીવનમાં તો ફેરફાર જોવા મળી જ રહ્યા છે, પોલીસ-ગુનેગારની દુનિયામાં પણ એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારના અહેવાલ મુજબ પોલીસ મચ્છરની મળેલી મદદને કારણે ગુનેગારનું પગેરું શોધી એને પકડવામાં સફળ રહી હતી. બન્યું એવું કે ઘરફોડી કરી ચોર કીમતી માલસામાન ઉઠાવી પલાયન થઈ ગયો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે હાથસફાઈ કરી લીધા પછી ભૂખ્યા-થાક્યા ચોરે નૂડલ્સ બનાવી ખાધા અને મચ્છરથી રક્ષણ મેળવવા મોસ્કિટો કોઈલ સળગાવી બ્લેન્કેટ ઓઢી ઊંઘી ગયો હતો. પોલીસને બે મચ્છર મરેલા અને રૂમની ભીંત પર લોહીના ડાઘ નજરે પડ્યા. ડાઘ તાજા હોવાથી એ લોહી ચોરનું હોવાનું અનુમાન બાંધી પોલીસે એને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું. રિપોર્ટમાં જાણવા મળ્યું કે એ લોહી નામચીન ગુનેગારનું હતું અને પોલીસે એની ધરપકડ કરી. પૂછતાછમાં ગુનેગારે એ અને અન્ય ચાર ઘરફોડીની કબૂલાત કરી. આમ મચ્છરે પાંચ ઘરફોડીનો ભેદ ઉકેલી નાખ્યો. ‘યશવંત’ ફિલ્મનો નાના પાટેકરનો ડાયલોગ નવેસરથી લખી શકાય કે ‘એક અચ્છા મચ્છર, ગુનેહગાર કો પકડવા સકતા હૈ.’
——–
સવા મિનિટની હવાઈ મુસાફરી

વિમાનમાં બેઠા પછી એકથી સો ગણો ત્યાં ઊતરવાનો સમય આવી જાય એવું જો તમને કહેવામાં આવે તો તમે એ વાતને જરૂર હસી કાઢો. જોકે આ હકીકત છે. બ્રિટનમાં વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે નામના બે ટચૂકડા ટાપુ છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્ર્વની સૌથી ઓછા સમયની હવાઈ યાત્રા આ બે સ્થળ વચ્ચે છે. વેસ્ટ્રેથી ઊપડેલા વિમાનને ૧.૭ માઈલ (૨.૭૨ કિલોમીટર)નું અંતર કાપી પાપા વેસ્ટ્રે સુધી પહોંચતાં માત્ર એક મિનિટ અને ૧૪ સેક્ધડનો સમય લાગે છે. અનુકૂળ પવન હોય અને વિમાનમાં લગેજ ઓછો હોય તો આ યાત્રા ૫૩ સેક્ધડમાં પૂરી થઈ જાય છે. આટલી ટૂંકી હવાઈ મુસાફરી માટે વિમાનનો ઉપયોગ કરવા બદલ ટાપુના રહેવાસીઓની ટીકા થઈ છે, પણ તેમની પાસે રહેલો વીસ મિનિટનો નૌકા સવારીનો પર્યાય જોખમી હોવાથી જરૂરી આવન-જાવન માટે ઉડ્ડયન સિવાય છૂટકો નથી. બે ટાપુ વચ્ચે બ્રિજ બાંધવા વિશે ચર્ચા ઘણી થઈ છે, પણ એ દિશામાં કોઈ નક્કર કામ નથી થયું. હવાઈ યાત્રામાં વપરાતા ટચૂકડા વિમાનમાં પાયલટ અને આઠ મુસાફર ખીચોખીચ બેસી શકે એટલી જ જગ્યા હોય છે. આ વિમાનમાં કોઈ ફેસિલિટી નથી એનો તો તમને ખ્યાલ આવી જ ગયો હશે અને જરૂર પણ શું છે? આ બેઠા અને આ ઊતર્યા.
———
લેન્ડલોક્ડ અને ડબલ લેન્ડલોક્ડ ક્ધટ્રી

સ્વિટ્ઝર્લેન્ડ એક લેન્ડલોક્ડ ક્ધટ્રી (ગુજરાતી શબ્દ છે ભુવેષ્ટિત દેશ) છે. જે દેશ ચારે બાજુએથી જમીનથી ઘેરાયેલો હોય અને સમુદ્ર માર્ગ સાથે સીધું જોડાણ ન ધરાવતો હોય તે દેશ લેન્ડલોક્ડ ક્ધટ્રી તરીકે ઓળખાય છે. વિશ્ર્વમાં આવા ૪૯ દેશ છે જેમાં સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે. આ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે આવા દેશો દરિયાઈ માર્ગે વેપાર કરવાથી વંચિત રહે છે જેની માઠી અસર દેશના અર્થતંત્ર પર પડતી હોવાનું ઈતિહાસ કહે છે.
જોકે જાણવા જેવી વાત એ છે કે એવા મુઠ્ઠીભર દેશો છે જે લેન્ડલોક્ડ ક્ધટ્રી હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ધરાવે છે અને એમાં સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે. ૧૯૯૦ પહેલાં વિશ્ર્વમાં લેન્ડલોક્ડ ક્ધટ્રીની સંખ્યા ૩૦ હતી. ત્યાર બાદ સોવિયેત યુનિયન, ચેકોસ્લોવેકિયા અને યુગોસ્લાવિયામાં થયેલા ભૌગોલિક ફેરફારને પગલે આ પ્રકારના દેશની સંખ્યામાં વધારો થયો. આ યાદીમાં લિચટનસ્ટાઇન (મધ્ય યુરોપ) અને ઉઝબેકિસ્તાન (મધ્ય એશિયા) એ બે દેશ ડબલ લેન્ડલોક્ડ ક્ધટ્રી છે. મતલબ કે આ બંને દેશની ફરતે પણ લેન્ડલોક્ડ દેશ આવેલા છે અને અહીંથી દરિયાકિનારે પહોંચવા બે દેશની સરહદ પાર કરવી પડે.
——–
મીની માસીને મૌજા હી મૌજા!

‘મેં એક બિલાડી પાળી છે જે રંગે બહુ રૂપાળી છે’ પંક્તિથી શરૂ થતી કવિતાનો આનંદ તમે બાળપણમાં લીધો હશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મનુષ્યના પ્રાણીપ્રેમમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. મીની માસી તરીકે ઓળખાતી બિલાડી પાળી એના લાલનપાલનનો ક્રેઝ પણ વધી રહ્યો છે. યુએસએના વર્જિનિયા રાજ્યની રહેવાસી ૩૩ વર્ષની સેલી નામની મહિલા તો પ્રાણીના ઉછેરમાં એક મિસાલ બની છે. રસ્તે રઝળતી ત્રણ બિલાડીને ઘરે લાવી પોતાના ઘરમાં રાજવી ઠાઠથી રાખે છે. શોપિંગ કરવા નીકળે ત્યારે મીની માસીઓ માટે એકાદ વસ્તુ તો અચૂક ઉપાડી લાવે. એક લાઉન્જ, નાનકડી ખુરશી જેવી વસ્તુ ખરીદી તેમના માટે ખાસ ફર્નિચરની વ્યવસ્થા કરી રહી છે. આ બિલાડીઓ માટે અલાયદો બેડરૂમ બનાવ્યો છે અને ઘરમાં અલગ અલગ જગ્યાએ તેઓ આરામ ફરમાવી શકે એવી વ્યવસ્થા પણ કરી છે. આ ઉપરાંત બિલાડીઓના ભોજન માટે અને તેમના આરોગ્યની જાળવણી માટે પણ સેલી વિશેષ તકેદારી રાખે છે. રસપ્રદ વાત તો એ છે કે આ બિલાડીઓની દૈનિક ક્રિયાઓ પાર પાડવામાં પતિ એને મદદરૂપ થાય છે. પત્નીનો પ્રેમ મળતો રહે એ માટે બિલાડીને ચાહવી જરૂરી છે એ વાત ભાઈ સમજી ગયા છે.
———-
માથા પર લાલ વાળ છે? તો ફિલ્મ મફત જુઓ

વાત યુકેની છે એ પહેલાં જાણી લો. અહીં અને યુરોપમાં આ વર્ષે ગરમીએ માઝા મૂકી છે. આ અઠવાડિયે ગરમીનો પારો ૨૦૧૯ના ૩૮.૭ ડિગ્રી સેન્ટિગ્રેડના વિક્રમને તોડી ૪૦ ડિગ્રી સુધી પહોંચશે એવો વરતારો વેધશાળાએ વ્યક્ત કર્યો છે. કાળઝાળ ગરમી એટલે માંદગીને આમંત્રણ. આ વાતાવરણમાં બ્રિટિશરો ઠંડક મેળવવા નુસખા અજમાવી રહ્યા છે. દેશમાં ઠેર ઠેર થિયેટર ધરાવતી એક કંપની દ્વારા ગરમીથી બચવા ઓડિટોરિયમમાં પૈસા વિના પ્રવેશ – ફ્રી એન્ટ્રીની ઓફર મૂકવામાં આવી છે. અલબત્ત એક શરત એ છે કે માથા પરના વાળ લાલ રંગના હોવા જોઈએ. લાલ રંગના વાળ ધરાવતી વ્યક્તિને સૂર્યનાં કિરણોની માઠી અસર અન્ય લોકોની સરખામણીમાં વધુ થતી હોય છે. એટલે આવા લોકો સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ થિયેટરમાં બેસી લેટેસ્ટ ફિલ્મ જોઈ આનંદ અને રાહત બંને માણી શકશે. અલબત્ત માથા પર લાલ રંગનો કલપ લગાવી આ સગવડનો લાભ મેળવવા માગતા લોકોને ઝડપી લેવા કોઈ વ્યવસ્થા છે કે નહીં એ વિશે કોઈ પણ જાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી.ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.