Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

બિલાડા માટે બેબાકળા
‘ગાંડાના ગામ ન વસે’ કહેવતનું વિલક્ષણ ઉદાહરણ બ્રાઝિલના પાડોશી દેશ બોલિવિયામાં તાજેતરમાં જોવા મળ્યું છે. બોલિવિયાના એક શહેરથી બીજા શહેરમાં જતા વિમાનમાં મુસાફરી કરનાર ટિટો નામનો બિલાડો અચાનક લાપત્તા થઈ જતાં જાણે કે દેશ આખામાં હાહાકાર મચી ગયો છે. ટિટોની માલકણ એન્ડ્રિયાએ સમગ્ર રાષ્ટ્રને બાનમાં લીધું હોય એવી અવસ્થા છે. વિમાન બીજા શહેરમાં પહોંચ્યું ત્યારે છેક ખબર પડી કે એ આવ્યો જ નથી. ફાયર ફાઈટર્સ, વિમાન ઉડ્ડયન ખાતાના અધિકારીઓ બિલાડાની શોધમાં હાંફળા ફાંફળા થઈ ગયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગ્રાહક હકના પ્રધાને જાહેર નિવેદન બહાર પાડી બિલાડાને શોધી કાઢવા કેવી કોશિશ થઈ રહી છે એની વિગતવાર માહિતી આપવા માટે એક અખબારી પરિષદ બોલાવી આપી. એક એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે એરપોર્ટથી વિમાન ઉપડ્યું ત્યારે એમાં બિલાડો સવાર નહીં થયો હોય અને આસપાસ ક્યાંક ભમતો હશે. પ્રાણીપ્રેમીઓ પણ આ ઘટના જાણી વ્યથિત થઈ ગયા છે અને તેમણે ઍરલાઇન્સને આડે હાથ લીધી છે. શરૂઆતના પ્રયાસ સફળ ન રહેતા છેલ્લે પ્રાણીઓના સાયકોલોજીસ્ટને પણ શોધકાર્યમાં સામેલ કરવામાં આવ્યા છે.
——–
કેકનો સ્ટન્ટ, બ્રેક અપનો ઘંટ
આજના યંગસ્ટર્સની રિલેશનશિપમાં બ્રેકઅપ, પેચઅપ, મેકઅપ સહજ ગણાય છે. ક્યારે કોનું કયા કારણસર ફટકે અને સંબંધ પર સટાક કરતી કાતર ફરી બ્રેકઅપ થઈ જાય ખબર જ ન પડે. જોકે, કલ્પના ન કરી હોય એવા સમયમાં કે એવા કારણથી પેચઅપ પણ થઈ જાય. જોકે, યુએસના કિસ્સામાં બોયફ્રેન્ડે મજાકમાં કરેલો કેકનો સ્ટન્ટ બ્રેકઅપનો ઘંટ સાબિત થયો છે. ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ ગણગણ્યું હોય એની સાથે લગ્નના ૨૪ કલાકમાં જ છૂટાછેડા લેવાનો નિર્ણય ‘યે ક્યા હો રહા હૈ’ની વ્યાખ્યામાં ફિટ બેસે છે. નવવધૂએ જ જાહેરમાં પોતાનો ઉકળાટ વ્યક્ત કર્યો છે. એનું કહેવું છે કે ‘લગ્ન કરવાની મારી જરાય ઈચ્છા નહોતી. જોકે, મારો વિરોધ પણ નહોતો. મારા બોયફ્રેન્ડે ૨૦૨૦માં પ્રપોઝ કર્યું એટલે હું પરણવા તૈયાર થઈ ગઈ. લગ્નની તૈયારી અમે અડધી અડધી વહેંચી લીધી. મારા કોઈ દુરાગ્રહ નહોતા, પણ એક આગ્રહ કે વિનંતી હતી કે મારા મોઢા પર કેક ચોપડવી નહીં. તેણે વિનંતી માન્ય રાખી, પણ મારી ગરદન ઝાલી મારું આખું મોઢું કેકમાં ખૂંપી દીધું. આ સ્ટન્ટ કરવાનું એ નક્કી કરીને આવ્યો હતો, કારણ કે ‘કેક નષ્ટ થઈ પણ તેણે વિકલ્પ તરીકે કપકેક તૈયાર રાખી હતી.’ ક્રોધથી રાતી પીળી થયેલી ક્ધયા તરત લગ્ન સ્થળ છોડી નીકળી ગઈ અને ડાઈવોર્સની વાત કરતી ગઈ. મિત્રો અને પરિવારના સભ્યોએ એને બહુ સમજાવી કે માણસ માત્ર ભૂલને પાત્ર, પણ ક્ધયા ટસની મસ થવા તૈયાર નથી. આ મહિનાના અંત સુધીમાં છૂટાછેડા મંજૂર થઈ જશે એવી એને આશા છે.
———
મૌત તૂ એક કવિતા હૈ!
જન્મનો ઉત્સવ અને મોતનું માતમ એ સમાજની પ્રથા છે. જોકે, કાકાસાહેબ કાલેલકર ‘પરમ સખા મૃત્યુ’ અને ગુલઝાર ‘મૌત તૂ એક કવિતા હૈ’ જેવી વાત કરી મૃત્યુને આક્રંદ નહી પણ આવકાર હોય એવો ભાવ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક તસવીર કાકાસાહેબને સમર્થન આપનારી છે. કેરળની આ તસવીરમાં પરિવારના દાદીમાનો મૃતદેહ વચ્ચોવચ છે અને કુટુંબના બાકીના સભ્યો એની ફરતે બેઠા છે અને અનેક લોકોના ચહેરા પર સ્મિત જોવા મળે છે. તસવીર વાયરલ થવાનું કારણ પણ આ જ છે. ‘હાય હાય આ શું’ એવી પ્રતિક્રિયા આપતા પહેલા પરિવારના બાબુ નામના સભ્યની કેફિયત જાણવી જરૂરી છે. બાબુ જણાવે છે ‘અમે નહોતા ઈચ્છતા કે આ ફોટોગ્રાફ વાયરલ થાય. બીજી વાત એ કે દાદીમા છેવટ સુધી સુખે જીવ્યા. એમના બાળકો અને પ્રપૌત્ર – પ્રપૌત્રીને એમના માટે અનહદ પ્રીતિ હતી. અમે સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય કાયમ સ્મૃતિમાં સચવાય એ ઇરાદે આ તસવીર લેવામાં આવી હતી.’ પરિવારના અન્ય સભ્યએ ખુલાસો કર્યો કે ‘આ ફોટોગ્રાફ પાછળની ભાવના દરેકને સમજાય એ જરૂરી નથી. મૃત્યુ પછી આંસુ સારતા લોકોનું દ્રશ્ય સ્વાભાવિક મનાય છે. મૃત્યુ તો વિદાય છે. વિદાય આપતી વખતે આંખમાં અશ્રુ જ શું કામ હોવા જોઈએ? ચહેરા પર સ્મિત સાથે પણ આવજો કરી શકાય અને અમે એ જ કર્યું.’ વાત અહીં પૂરી નથી થતી. કેરળના શિક્ષણ પ્રધાન વી. સીવનકુટ્ટીએ પણ આ જ વાત કરી. એમના શબ્દો હતા ‘મૃત્યુ દુ:ખદ ઘટના છે પણ સાથે એ વિદાય આપવાની વેળા પણ છે. તસવીરમાં નજરે પડતા પરિવારે ઘણો સમય આનંદથી પસાર કર્યો હોય તો અશ્રુભીની વિદાય જ આપવી જરૂરી નથી. આ તસવીર પર કોઈએ કટાક્ષ કરતી કોમેન્ટ પાસ કરવી નહીં.’ મૃત્યુ એક પડાવ છે એ સમજણ કેળવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular