અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

લોહી પાણી કરતાં પાતળું પણ હોઈ શકે છે!
અંગ્રેજી કહેવત Blood Is Thicker Than Water ગુજરાતીમાં ‘લોહી પાણી કરતા ઘટ્ટ હોય છે’ તરીકે જાણીતી છે. અન્ય સંબંધોની સરખામણીમાં પારિવારિક સંબંધો વધુ મજબૂત હોય છે એ એનો ભાવાર્થ છે.
જોકે, તાજેતરમાં બ્રિટિશ રાજ પરિવારની એક ઘટના જોતા લોહી પાણી કરતાં પાતળું પણ હોઈ શકે છે એવું કહેવાનો વારો આવ્યો છે.
વાત એમ છે કે રાણી એલિઝાબેથના પૌત્ર ડ્યુક ઓફ સસેક્સ હેરી અને તેની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કેલને બકિંગહામ પેલેસમાં રાણીના સન્માન માટે આયોજિત રાજકીય કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ નહોતું અપાયું.
વિશ્ર્વભરના ટોચના નેતા તેમજ વિદેશી રાજવી પરિવારના સભ્યોની હાજરી હતી, પણ આ પ્રસંગ કાર્યરત રાજવી પરિવારના સભ્યો (Working Royals) પૂરતો મર્યાદિત છે એવું કારણ આપવામાં આવ્યું હતું.
કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા જેના યજમાન છે એ કાર્યક્રમમાં આમંત્રણ નથી એની જાણકારી હેરી અને મેઘનને અખબાર વાંચીને થઈ હતી. કિંગ ચાર્લ્સ – ડાયેનાના બીજા પુત્ર હેરીએ ૨૦૧૮માં અમેરિકન એક્ટ્રેસ મેઘન મર્કેલ સાથે લગ્ન કર્યા અને ૨૦૨૦માં રાજવી આશ્રય અને સંરક્ષણ નહીં વાપરવાનો નિર્ણય જાહેર કરી રાજકમાઈને બદલે આપકમાઈને પ્રાધાન્ય આપ્યું છે.
આમ આ યુગલ હાલ રાજવી પરિવારનો કાર્યરત સભ્ય નથી. સ્વતંત્ર વિચારસરણી દાદીમાને અંતિમ વિદાય આપવામાં આડી આવશે એવી હેરીએ કલ્પના પણ નહીં કરી હોય.
———
થેમ્સ, તારાં વળતાં પાણી
રાણી એલિઝાબેથ – બીજાનો જન્મ થયો (૧૯૨૬) ત્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું.
જોકે, એલિઝાબેથ બ્રિટનના રાણી બન્યા (૧૯૫૨) ત્યારે ભારતને સ્વાતંત્ર્ય મળ્યું એને પાંચ વર્ષ થઈ ગયા હતા.
છેલ્લાં ૭૦ વર્ષના લેખાંજોખાં કરીએ તો આજની તારીખમાં બ્રિટન પહેલા જેટલું કદાવર કે જોરાવર નથી રહ્યું.
ભારતની વાત કરીએ તો આપણે દરેક દિશામાં પ્રગતિ કરતા આગળ વધી રહ્યા છીએ.
બ્રેક્ઝિટ, કોવિડ – ૧૯ અને યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનમાં મોંઘવારી સખત વધી
ગઈ છે.
ભારત સુધ્ધાં આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના તાજેતરના પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્ર્વની આર્થિક મહાસત્તાઓની યાદીમાં બ્રિટનને છઠ્ઠા ક્રમે ધકેલી ભારત પાંચમા ક્રમે આવી ગયું છે.
૨૦૩૦ સુધીમાં ભારત ત્રીજા ક્રમે પહોંચી શકે છે એવી રજૂઆત બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’માં તાજેતરમાં કરવામાં આવી છે.
૨૦૦૦માં બ્રિટનનું અર્થતંત્ર ભારત કરતાં ત્રણ ગણું હતું અને આજે ભારત એનાથી આગળ નીકળી ગયું છે.
એલિઝાબેથ રાણી બન્યા અને એમનું અવસાન થયું એ સાત દાયકામાં ‘ગંગા,
તારાં વહેતા પાણી અને થેમ્સ, તારાં
વળતા પાણી’ જેવો ઘાટ છે એમ આપણે ગર્વ સાથે કહી શકીએ. થેમ્સ બ્રિટનની પ્રમુખ નદી છે.
———
કોઈને દલ્લો, કોઈને ડિંગો
અસલના વખતમાં ગર્ભશ્રીમંત પરિવારના મોભીનું અવસાન થાય ત્યારે લીલી વાડી મૂકીને ગયા છે, એમ કહેવાતું. અલબત્ત બહોળા પરિવાર તરફ સંકેત હતો, પણ મુખ્ય ઈશારો મૂડી તરફનો હતો. રાણી એલિઝાબેથ બીજાના અવસાન પછી જે જાણકારી વહેતી થઈ છે (કે કરવામાં આવી છે) એમાં કિંગ ચાર્લ્સના જ્યેષ્ઠ પુત્ર પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટનની તિજોરીમાં રાતોરાત ૧.૧ બિલ્યન પાઉન્ડ ( ૧ પાઉન્ડ = ૯૨ રૂપિયા)ની તગડી રકમ છલકાઈ આવી પડી છે. રાણી લીલી નહીં લીલીછમ્મ વાડી મૂકી ગયા છે. ૮ સપ્ટેમ્બર પહેલા વિલિયમના નામ સામે ૩૪ મિલ્યન પાઉન્ડની મૂડી બોલતી હતી જે પણ ભવ્ય તો કહેવાય જ. હવે આંકડો વધીને કુલ ૧.૧૪ બિલ્યન પાઉન્ડ થઈ ગયો છે. આવું થવાનું કારણ એ છે કે પ્રિન્સ ચાર્લ્સ કિંગ ચાર્લ્સ બની ગયા હોવાથી હવે વિલિયમ – કેટ પ્રિન્સ અને પ્રિન્સેસ બની ગયા છે.
છોગામાં ડ્યુક અને ડચેસ ઓફ કોર્નવોલના ટાઈટલ તો ખરા જ. ડચેસ ઓફ કોર્નવોલના નામે આશરે સાવ લાખ એકરની એસ્ટેટ તેમ જ અનેક પ્રોપર્ટી છે જે ૧.૧ બિલ્યન પાઉન્ડના વારસામાં નિમિત્ત બની છે. હવે ચાર્લ્સ મોટા લાડુ જમશે અને દીકરો મેવા આરોગશે. આમ ચાર્લ્સના એક દીકરાને (હેરીને) ડિંગો તો બીજાને (વિલિયમને) દલ્લો જેવો ઘાટ થયો. હશે, જેવા જેના નસીબ.
———-
૮૦ વર્ષનાં રાણી, ૮૧ વર્ષનાં ફોટોગ્રાફર
રાજવી પરિવાર દ્વારા રાણી એલિઝાબેથનાં અવસાનની જાહેરાત એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ સાથે કરવામાં આવી હતી. તસવીરમાં રાણી સુંદર દેખાવાની સાથે જાજરમાન પણ લાગે છે. આ ફોટોગ્રાફની કથા જાણવા જેવી છે. આ ફોટોગ્રાફ આજથી ૧૫ વર્ષ પહેલા (ફેબ્રુઆરી, ૨૦૦૬માં) રાણીનાં ૮૦માં બર્થ ડે નિમિત્તે પાડવામાં આવ્યો હતો. તસવીર લેનાર ફોટોગ્રાફર જેન બ્રાઉન નામના મહિલા હતા. મજેદાર વાત એ છે કે જેન બ્રાઉન એલિઝાબેથ કરતાં ઉંમરમાં એક વર્ષ મોટાં હતાં. તેમનો જન્મ ૧૩ માર્ચ, ૧૯૨૫માં થયો હતો. આમ ૮૦ વર્ષનાં રાણીને ૮૧ વર્ષનાં તસવીરકારે કેમેરામાં આબાદ કેદ કરી લીધા. આ ફોટોગ્રાફ રાણીને અત્યંય પ્રિય હતો. શક્ય છે કે રાણીની જ અંતિમ ઈચ્છા હશે કે તેમના અવસાનની જાહેરાત આ ફોટોગ્રાફ સાથે કરવી. ૧૯૪૦ના દાયકાના અંત ભાગમાં પ્રોફેશનલ ફોટોગ્રાફી શરૂ કરનાર ૧૯૧૪માં અવસાન પામેલા જેન દાદીએ પ્રખ્યાત બ્રિટિશ અખબાર ‘ધ ઓબ્ઝર્વર’ માટે વર્ષો સુધી કામ કર્યું હતું. ૧૯૯૫માં ફોટોગ્રાફી ક્ષેત્રે અનન્ય યોગદાન બદલ તેમનું ‘કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’ના ઍવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
——-
વાત માત્ર કોહિનૂરની નથી
રાણી ગુજરી ગયાં એનું દુ:ખ આખા જગતને થયું હોય એવું માની લેવાની ભૂલ ન કરવી. બાતમી પ્રસરી એની થોડી જ વારમાં ભારતવાસી નેટીઝનોએ ‘અમારો કોહિનૂર પાછો આપો’ની ઝુંબેશ સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધી હતી.
૧૦૫.૬ કેરેટનો આ અદ્ભુત હીરો ૧૮૪૯માં બ્રિટને ઝૂંટવી લીધો હોવાનો આક્ષેપ જાણીતો છે. જોકે, ૨૦૧૬માં પ્રસિદ્ધ થયેલા એક અખબારી અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે પંજાબના મહારાજા રણજીતસિંહે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને આ મૂલ્યવાન હીરો આપ્યો હતો.
આ સત્તાવાર ખુલાસા પછી એ લૂંટવામાં આવ્યો છે કે આંચકી લેવાયો છે વગેરે દલીલનો કોઈ અર્થ નથી રહેતો. ખેર. અહીં એ વિવાદ છંછેડવાની કોઈ વાત નથી. વાત માત્ર કોહિનૂરની નથી.
એક યા બીજા કારણે ભારતથી બ્રિટન પહોંચી ગયેલી કલાકૃતિઓમાં બૌદ્ધ સ્મારક અમરાવતી સ્તૂપ, ટીપુ સુલતાનની રત્નજડિત વીંટી, શાહજહાંનો વાઈન કપ તેમ જ અન્ય દેશોની મૂલ્યવાન કલાકૃતિઓ બ્રિટનમાં છે એની વાત પણ થવી જોઈએ. એ બધી ભેટ તરીકે અપાઈ હતી કે હતી કે પછી આપણી પાસેથી કે અન્ય દેશો પાસેથી આંચકી લેવામાં આવી હતી એની ચર્ચા પણ કરવી જોઈએ. કોહિનૂરની માળા જપવી, પણ એ માળામાં બીજા મણકા પણ છે એ વિશે જાણવું – સમજવું જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.