અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

નવરા બેઠા નોટ ગણે
ગુજરાતી પ્રજા નોકરી માટે નો કરી (કરવી નહીં) એવી લાગણી ધરાવે છે, પણ ‘નવરા બેઠા નખ્ખોદ વાળે’ એ કહેવતમાં જરાય શ્રદ્ધા નહીં. જોકે, જેપનીઝ ગૃહસ્થ શોજી મોરિમોટોની કહાણી જાણ્યા પછી નવરા લોકો માટે પ્રીતિ જાગી શકે છે. કોઈ કલ્પનાશીલ ભેજું ‘નવરા બેઠા નોટ ગણે’ એવી કહેવત પણ બનાવી દેશે. આજની જનરેશન જેને ડ્રીમ જોબ ગણે એવી નોકરી શોજીભાઈ કરે છે. ગ્રાહકને કંપની આપવા માટે ભાઈસાહેબ એક બુકિંગના દસ હજાર યેન (આશરે ૫૬૦૦ રૂપિયા) ફી પેટે લે છે.
ક્લાયન્ટ જ્યાં જાય ત્યાં એની સાથે જવાનું અને માખી મારતા નવરા બેસી રહેવાનું એ એની ડ્યૂટી છે. છેલ્લા ચાર વર્ષમાં શોજી ૪૦૦૦ સેશન (વર્ષના ૧૦૦૦, મહિનાના આશરે ૮૦) કરી ચુક્યો છે. એકવડિયો બાંધો અને સાધારણ દેખાવ ધરાવતો ૩૮ વર્ષનો શોજીના ટ્વિટર પર અઢી લાખ ફોલોઅર્સ છે. ૨૫ ટકા ગ્રાહક તો વારંવાર એની સેવા લે છે અને એક ક્લાયન્ટે તો ૨૭૦ વખત એનો લાભ લીધો છે. ભાઈસાહેબ કરતા શું હોય છે? બાળકો સાથે પાર્કમાં જવાનું અને એ રમે એટલીવાર માખી મારવાની. સાવ અજાણી વ્યક્તિએ ટ્રેન ઉપડે ત્યારે ટાટા બાય બાય કરવા માટે પણ એની સેવાનો લાભ લીધો છે. અલબત્ત શોજીભાઈ નવરા હોય એટલે કંઈપણ કરવા તૈયાર થાય એવું નથી. ફ્રિજ ખસેડવાની કે પછી સેક્સુઅલ ફેવર માટેની ઓફર તેણે ઠુકરાવી છે. હા, સાડી પહેરેલી ૨૭ વર્ષની યુવતી સાથે ચા – નાસ્તો કરતા કરતા ગપાટા હાંકવાની વિશિષ્ટ ઓફર તેણે સ્વીકારી હતી.
———–
હનીમૂનનો ચસકો: આખેઆખો દસકો
વારાફરતી બધાનો સારો સમય આવતો હોય છે એ દર્શાવવા ‘સૌનો દસકો આવે’ એમ કહેવાય છે. જોકે, સ્પેનમાં લવ એટ ફર્સ્ટ સાઈટ થયા પછી સ્કોટલેન્ડમાં લગ્ન કરનાર યુગલે દસકાને એકદમ રોમેન્ટિક બનાવી દીધો છે. સિલ્કે માયસ અને કિરન સેનન વેડિંગ ફોટોગ્રાફર માટે મોડલિંગ કરતા હતા એ દરમિયાન એક ફોટોશૂટ વખતે સિલ્કેએ કિરનને ‘મારી સાથે લગ્ન કરીશ?’ એમ પૂછી લીધું. દોઢેક વર્ષ કામ અંગે હડિયાપાટી કર્યા પછી યુગલે ગયા વર્ષે ઑગસ્ટમાં મેરેજ કરી લીધા. છેલ્લું એક વર્ષ વિવિધ દેશમાં જાતજાતની નોકરી કરી અને પૈસાની કમી પૂરી કરવા પોતાના આર્ટિસ્ટિક ન્યૂડ ફોટોગ્રાફનું ઓનલાઈન વેચાણ કરે છે જેમાંથી તેમને મહિનેદાડે ૩૫૦ પાઉન્ડ (આશરે ૩૨૦૦૦ રૂપિયા) મળે છે. મધુરજની માટે અત્યાર સુધીમાં આઇસલેન્ડ, નેપાળ અને એક મહિનાનો ભારતના પ્રવાસનો અનુભવ લીધા પછી હવે યુગલ હનીમૂન ૧૦ વર્ષ સુધી લંબાવવા માગે છે. અત્યારે જોડકું થાઈલેન્ડમાં છે અને રોજના ૬૪૦ રૂપિયા ખર્ચી જલસા કરે છે. પર્વતની ટોચે અને પાણીના ધોધમાં રોમેન્સ કરનાર હૂતો-હૂતી એશિયા (મ્યાનમારથી મોંગોલિયા) અને અમેરિકા (ચીલીથી અલાસ્કા) ખૂંદવા માગે છે. તેમની સાહસકથા સાંભળી હૉટેલોએ એકપણ પૈસો લીધા વિના રહેવા દીધું હોવાના પણ દાખલા છે. અછત વચ્ચે આનંદ કરતા યુગલને
આવડે છે.
——-
ચાના કપમાં ચાહતનું તોફાન
‘પ્રેમ આંધળો છે’ એ સુફિયાણી ઉક્તિ તમે અનેક વાર સાંભળી હશે અને ઘણા ઉદાહરણ પણ જોયા જાણ્યા હશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પાકિસ્તાની કિસ્સો તમને પહેલા ગમ્મત લાગશે અને પછી કદાચ અચરજ થશે કે ‘પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ’. ફિલ્મમેકરને ચિત્રપટ બનાવવાની ઈચ્છા થઈ આવે એવી આ હૃદયસ્પર્શી લવ સ્ટોરીમાં એમબીબીએસ મહિલા ડૉક્ટર કિશ્ર્વર સાહિબાએ પોતાની જ હૉસ્પિટલના સફાઈ કામદાર અને ચા બનાવતા યુવક શેહઝાદ સાથે નિકાહ કરી લીધા છે. કોઈ ચેનલ પર પર આ યુગલનો ઈન્ટરવ્યૂ રજૂ થયો હતો જેમાં તેમની લવ સ્ટોરીની મજેદાર વાત લોકોને જાણવા મળી હતી. શેહઝાદને પહેલી વાર જોયો ત્યારે કિશ્ર્વરને એ ચા બનાવનાર કે સફાઈ કામદાર છે એવું લાગ્યું જ નહોતું. એ તો એના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ હતી. એની સાદગી પર ઓવારી ગઈ હતી. દિલ ચોરાઈ ગયું છે એનો ખ્યાલ આવી જતા કિશ્વરે ‘મુજસે શાદી કરોગે?’ એમ પૂછી જ લીધું અને બે આંખ ચાર થઈ અને ‘કુબૂલ, કુબૂલ, કુબૂલ’ સાથે આ અનોખી લવ સ્ટોરીમાં મધ્યાંતર પડી ગયો. હવે જોવાનું એ છે કે આ લવ સ્ટોરી જીવનમાં આવનાર વળાંકો વચ્ચે કઈ રીતે આગળ વધે છે. આ પ્રકારની સ્ટોરી જાણ્યા પછી ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ જેવા અસંખ્ય પ્રેમગીત માટે શ્રદ્ધા વધી જાય, બરોબર ને!
———-
પાસપોર્ટ વિના પરદેશ પ્રવાસ
આપણા દેશના દરેક નાગરિકે પરદેશ પ્રવાસ (અપવાદ બાદ કરતા) માટે પાસપોર્ટ અને વિઝા મેળવવા કડાકૂટ કરવી પડે છે. જોકે, ગયા અઠવાડિયે અવસાન પામેલા બ્રિટનના રાણી એલિઝાબેથને પરદેશ પ્રવાસ કરતી વખતે પાસપોર્ટની જરૂર જ નહોતી પડતી, કારણ કે બ્રિટિશ પાસપોર્ટમાં લખ્યું હોય છે કે “”Her Britannic Majesty’s Secretary of State requests and requires in the name of Her Majesty all those whom it may concern to allow the bearer to pass freely without let or hindrance and to afford the bearer such assistance and protection as may be necessary.” આમ પાસપોર્ટ જ રાણીના નામથી તૈયાર થતો હતો એટલે પાસપોર્ટ તેમના માટે જરૂરી નહોતો. તેઓ પોતે જ પાસપોર્ટ હતા. બ્રિટિશ રાજઘરાનાની સત્તાવાર વેબસાઈટ પર આ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી. પાસપોર્ટ ન હોય એટલે વિઝા મેળવવાની માથાકૂટ પણ ન જ હોય ને. ૭૦ વર્ષના શાસનકાળમાં રાણીએ પાસપોર્ટ વિના વિશ્ર્વ ભ્રમણ કર્યું. અલબત્ત સુરક્ષા અંગેની દરેકે દરેક ગતિવિધિમાંથી તેમણે પસાર થવું પડતું હતું. આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગતી વખતે પોતાનું આખું નામ, સરનામું, જન્મ સ્થળ વગેરે વિશે માહિતી આપવી ફરજિયાત હતું. અલબત્ત રાજવી પરિવારના અન્ય સભ્યોને આ છૂટ નથી મળતી. ગયા વર્ષે અવસાન પામેલા રાણીના પતિ ડ્યુક ઑફ એડિનબર્ગ અને પ્રિન્સ ઑફ વેલ્સ (પ્રિન્સ ચાર્લ્સ) માટે પાસપોર્ટ ફરજિયાત હતો. અલબત્ત ચાર્લ્સ હવે રાજા બની ગયા હોવાથી પાસપોર્ટ પર હર મેજેસ્ટીની બદલે હિસ મેજેસ્ટી આવ્યા પછી તેમને પણ પાસપોર્ટની જરૂર નહીં પડે.
———
આ કાકડી છે કે કાકડો!
વિક્રમ તોડવા માટે જ હોય છે એ ઉક્તિનું સમર્થન કરતા અનેક પ્રસંગો દુનિયાભરમાં ઠેકઠેકાણે વિવિધક્ષેત્રમાં જોવા મળે છે. જોકે, ખેલકૂદ સિવાય બીજી કોઈ બાબતના વિક્રમ તૂટે કે રચાય ત્યારે કુતૂહલનું કે આશ્ર્ચર્યનું પ્રમાણ જરા વધારે જ હોય છે. સેબેસ્ટિયન નામના એક ફોરેનરે લાંબી કાકડી ઉગાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા લોકોને બહુ અચરજ થયું છે અને એ માટે માત્ર કાકડીની લંબાઈ જવાબદાર નથી. વાત એમ છે કે પોલેન્ડમાં જન્મેલા અને હવે બ્રિટનમાં સ્થાયી થયેલા સેબાસ્ટિયનને શાકભાજી ઉગાડવાનો શોખ છે. ઘરના બગીચામાં તેણે કાકડી વાવી અને દિવસે ન વધે એટલી રાતે વધે એ ન્યાયે તો જોતજોતામાં એ ૩ ફૂટ અને ૮.૬ ઈંચ લાંબી થઈ ગઈ. આ લંબાઈ અગાઉની સૌથી લાંબી કાકડી કરતા અઢી ઈંચ વધુ લાંબી હતી. વચ્ચે થોડા દિવસ સેબાસ્ટિયનને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ત્યારે કાકડીનો વિક્રમ નોંધાવા અંગે શંકા ઊભી થઈ હતી. જોકે, સાંસારિક જીવનમાં પરિવારનું જતન કરતી પત્નીએ કાકડીની યોગ્ય દેખભાળ કરી અને વિક્રમને વધાવી લીધો. લાંબી કાકડી ખાવામાં મજા આવતી હશે, પણ એ ઉગાડવી એ ખાવાના ખેલ નથી. યુકે, જર્મની અને પોલેન્ડની લાંબી કાકડીઓનો વિગતે અભ્યાસ કરી યોગ્ય બિયા મેળવ્યા પછી આ વિશ્ર્વ વિક્રમ થયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.