હેન્રી શાસ્ત્રી

અવસાન પામો, આશીર્વાદ આપો!
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, વિજ્ઞાન અને વહેમ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. ઍસિડ રેઈન એ વિજ્ઞાન છે, જ્યારે દેડકા-દેડકીના લગ્ન કરવાથી વરસાદ વરસે એ અંધશ્રદ્ધા છે. ઈશ્ર્વરના આશીર્વાદ હશે તો કામ વિનાવિઘ્ને પૂરું થશે એ શ્રદ્ધા છે, જ્યારે બે મૃત વ્યક્તિને પરણાવી દેવાથી દુષ્ટ આત્માનો પડછાયો પણ પરિવાર પર નહીં પડે અને જીવનમાં કંઈ અનિષ્ટ નહીં થાય એવું માની લેવું એ અંધશ્રદ્ધા છે. કેરળ અને કર્ણાટકમાં જોવા મળતી Pretha Kalyanam નામે ઓળખાતી પ્રથા એનું જીવંત ઉદાહરણ છે. તાજેતરમાં કર્ણાટકના એક ગામમાં ચડપ્પા અને શોભા વચ્ચે થયેલા લગ્નમાં મંડપ હતો, મહેમાન હતા, ગોર સુધ્ધાં હતા, નહોતા હાજર વર – ક્ધયા. હવે તમે સવાલ કરશો કે એ કેવી રીતે શક્ય છે? આ બે રાજ્યમાં એવી માન્યતા છે કે જેમનું અવસાન બાલ્યાવસ્થામાં થયું હોય કે ૧૮ વર્ષની ઉંમર પહેલા કિશોરાવસ્થામાં મૃત્યુ થયું હોય એવા સ્ત્રી – પુરુષનું ‘આત્મા મિલન’ આવા મેરેજમાં થાય છે અને તેમના ‘ઘડિયા લગ્ન’ લેવાયા પછી તેમને મોક્ષ મળતા આત્મા ભટકતા અટકી જાય છે. આ યુગલના ‘આશીર્વાદ’ સૌ સારા વાના કરે છે. આવા લગ્ન જો ન કરવામાં આવે તો પરિવારનું અનિષ્ટ થવાની સંભાવના હોય છે જેમાં હયાત દંપતીને સંતાન નથી થતું એવી અણઘડ માન્યતા છે. આ વિચિત્ર પ્રકાર ભારત ઉપરાંત ચીન, જાપાન અને ફ્રાંસ જેવા દેશોમાં પણ જોવા મળે છે. એકવીસમી સદીમાં ગાંડાના ગામ વસે છે!
———
મરેલાને મળવાની મેડનેસ
ગાંડપણ અને ઘેલછાને તર્કથી સમજી ન શકાય. યુકેના રહેવાસી માર્ક ડેબ્સના ‘પરાક્રમ’ જાણશો એટલે તમને આ વાત સમજાઈ જશે. આ ભાઈસાહેબને દુનિયાભરમાં રખડી પ્રખ્યાત લોકોની કબરની મુલાકાત લેવાનો ગાંડો શોખ છે. નામાંકિત લોકોના અવસાન પછીના ‘અંતિમ રહેઠાણ’ શોધી કાઢવાની ઘેલછાને પગલે માર્ક ભાઈ અત્યાર સુધીમાં રખડપટ્ટી કરી ૭૦૦૦ કબ્રસ્તાનની મુલાકાત લઈ ૧,૬૦,૦૦૦ પાઉન્ડ (આશરે દોઢ કરોડ રૂપિયા) વાપરી ચૂક્યા છે. આ અનોખા શોખે માર્કને ગ્લેમર વર્લ્ડની સેલિબ્રિટી અને ઈતિહાસની નામાંકિત વ્યક્તિઓની કબરના દર્શન કરાવી દીધા છે. ૪૯ વર્ષનો માર્ક ડેબ્સ એની અનોખી યાત્રા દરમિયાન યુએસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જોન એફ. કેનેડી, અત્યંત ચર્ચાસ્પદ ગ્લેમરસ અભિનેત્રી મેરેલિન મનરો તેમ જ માર્શલ આર્ટ્સના મહારથી બ્રુસ લીની કબરના દર્શન કરી ચૂક્યો છે. જેનો જોટો ન જડે એવી આ અનોખી ‘કબરયાત્રા’ થંભાવી દેવાની એની કોઈ ઈચ્છા નથી. આ ઘેલછા વિશે સવાલ કરવામાં આવતા માર્ક જણાવે છે કે ‘અત્યાર સુધીમાં યુકેની બસોથી વધુ નામાંકિત લોકોની કબરની મુલાકાત હું લઈ ચૂક્યો છું. બધા બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરની કબરની મુલાકાત લઈ લીધી છે, સિવાય ત્રણ પીએમ જેમની કબર જ નથી.’ અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું?
———-
ખૂનની સજા માફી! પિયેલા હૈ ક્યા?
‘સાત ખૂન માફ’ એ કાલ્પનિક કથાની ફિલ્મનું નામ હોય ત્યાં સુધી ઠીક છે. જોકે, અમેરિકાના ઈડાહો રાજ્યના યલોસ્ટોન નેશનલ પાર્ક વિસ્તારમાં ૫૦ ચોરસ માઈલનો ‘ઝોન ઑફ ડેથ’ તરીકે ઓળખાતો એક એવો વિસ્તાર છે જ્યાં ખૂન કરનારને કોઈ સજા નથી કરવામાં આવતી. અલબત્ત કોઈ પણ સંજોગોમાં ખૂન એ ગુનો છે જેની સજા મળે જ, પણ કાયદાકીય છટકબારીને કારણે ઝોન ઑફ ડેથમાં હત્યારો હેમખેમ રહી શકે છે. કાયદામાં છઠ્ઠી વાર કરવામાં આવેલા ફેરફાર અનુસાર ક્રિમિનલ કેસમાં જ્યુરીના સભ્યો જ્યાં ગુનો થયો હોય એ જિલ્લા અને રાજ્યના હોવા જોઈએ. હકીકત એ છે કે ઈડાહો રાજ્યના ઝોન ઑફ ડેથ વિસ્તારમાં માનવવસ્તી જ નથી. એટલે જો આ વિસ્તારમાં ખૂન થાય તો અમેરિકાની ન્યાય વ્યવસ્થાએ જ્યાં કોઈ રહેતું નથી એ વિસ્તારમાંથી જ્યુરીના સભ્યોની નિમણૂંક કરવી પડે જે અશક્ય બાબત છે. એટલે સૈદ્ધાંતિક રીતે આ વિસ્તારમાં હત્યા કરનાર પર ખટલો જ ન ચાલી શકે અને જો કેસ ન ચાલે તો સજા કેવી રીતે થાય? રાહત આપનારી વાત એ છે કે માનવ હત્યાનો કોઈ કેસ હજી નોંધાયો નથી. અલબત્ત જો ઝોન ઑફ ડેથમાં કોઈ ખૂન થશે તો ન્યાય વ્યવસ્થા સજા કરવા કોઈ રસ્તો જરૂર શોધી લેશે એવું કહેવાઈ રહ્યું છે રાહત આપનારી વાત છે.
———-
અને ‘મડદું બેઠું થયું’!
જગતમાં અજાયબ ઘટનાઓનો કોઈ તોટો નથી. મલયેશિયાના ૭૧ વર્ષના રહેવાસીને તાજેતરમાં થયેલો અનુભવ એ વાતની સાક્ષી પૂરે છે. બન્યું એવું કે પોતાનો કોઈ ડોક્યુમેન્ટ ગુમાઈ ગયો છે એની ફરિયાદ કરવા વડીલ પોલીસ સ્ટેશને ગયા ત્યારે એમને ખબર પડી કે તેમનું નામ અવસાન પામેલા લોકોની યાદીમાં છે. અંતિમયાત્રા માટે વપરાતી વેનના ડ્રાઈવર તરીકે કામ કરતા મુરબ્બી ‘પણ આપ તો ગુજરી ગયા છો’ એવી મતલબની વાત સાંભળી હેબતાઈ ગયા હતા. હસવું કે રડવું એ જ તેમને સમજાયું નહીં. આ વિચિત્ર વીતકકથા જનતા સુધી પહોંચાડવા વડીલે અખબારી પરિષદ બોલાવી અને જણાવ્યું કે ‘હું ઘણા વર્ષથી અંતિમયાત્રાની સર્વિસ આપતી સંસ્થા માટે કામ કરું છું. અનેક મૃતદેહોને મેં કબ્રસ્તાન પહોંચાડ્યા છે, પણ મારું જ નામ મૃતકોની યાદીમાં સામેલ થઈ જશે એવું તો મેં સપનામાં પણ નહોતું ધાર્યું.’ કાયદેસર રીતે આઠ મહિના પહેલા ‘મૃત્યુ’ પામેલા વડીલને ડોક્યુમેન્ટ્સ રિન્યુ કરાવતી વખતે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ ડ્રાઈવરની નોકરી કરે છે અને આ વર્ષે રોડ ટેક્સ સર્ટિફિકેટ રિન્યુ ન કરાવી શક્યા એ સૌથી મોટી તકલીફ સાબિત થઈ. અલબત્ત અનેક પ્રયત્નો – કોશિશો પછી રોડ ટ્રાન્સપોર્ટ ડિવિઝને એમની અરજી સ્વીકારી ૧૮ મહિના માટે સર્ટિફિકેટ રીન્યુ કરતા ‘મડદું બેઠું થયું’ એમ કહી શકાય.

Google search engine