અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

દિલ દેણા દિલ લેણા, સૌદા ખરા ખરા
ઢાઈ અક્ષર પ્રેમ કા છે તો દોસ્તી પણ અઢી અક્ષરના પ્રેમનું જ પ્રતીક છે. માનવ જીવનમાં દોસ્તીની દિલેરીની અનેક કથા સુંદર રીતે વણાઈ ગઈ છે. આજકાલ તો માણસ – પ્રાણી યારીના અનેક કિસ્સા જોવા અને સાંભળવા મળે છે. આમ પણ શ્ર્વાન વર્ષોથી મનુષ્યજાતનો વફાદાર મિત્ર ગણાયો છે. મૈત્રીભાવનું આ પવિત્ર ઝરણું મુજ હૈયાથી વિસ્તરી પ્રાણીજગત સુધી ફેલાયું હોવાના હેરત પમાડનારી ઘટના બનતી હોય છે. એ જોઈને ખાતરી થાય કે દોસ્તી દીદાર જોઈને નહીં, દિલ જોઈને થાય છે. યુએસના ઓક્લાહોમા રાજ્યમાં ડોગ – ડક (શ્ર્વાન અને બતક)ની દોસ્તીની કથા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. બેઉની મૈત્રી માલિકના શોપિંગ સમયે કે સૂર્યાસ્ત વખતે ફરવા નીકળતી વખતે હમ બને તુમ બને એક દુજે કે લિયે જેવી બની ગઈ છે. હેરત તો એ વાતનું છે કે હવે શ્ર્વાનને અન્ય શ્ર્વાન સાથે રમવું નથી ગમતું અને બતકને બીજા બતક સાથે નથી ગોઠતું. બંને એકબીજા સાથે સ્વિમિંગ પૂલમાં જલસા કરતા નજરે પડે છે તો ક્યારેક બતક શ્ર્વાનના માથે ચડી રમત કરતું હોય છે. યે દોસ્તી હમ નહીં છોડેંગેનો ભાવ છલકાય છે.
———
જાપાનમાં પ્રાણીઓના પંખા
યુરોપમાં આ વખતે ગરમીએ થોડા સમય માટે લોકોને ત્રાહિમામ પોકારાવી દીધા. કાળઝાળ ગરમીથી પરેશાન મનુષ્ય તો પંખા, કૂલર કે એસીની મદદથી રાહત મેળવી લે પણ મૂંગા પ્રાણીનું શું? જંગલમાં ફાટી નીકળેલી આગમાં પ્રકૃતિ સાથે પ્રાણીના પણ બેહાલ થયા. અનેક જગ્યાએ લોકોએ સ્થળાંતર કર્યું અને જાપાનમાં તો લોકોની સાથે પાળેલા શ્ર્વાન અને બિલાડીને પણ રાહત મળે એવા ઉપાય વિચારી કાઢી અમલમાં મૂકી દીધા. આ પાળેલા પ્રાણીઓને શરીર પર પહેરાવી શકાય એવા ખાસ પંખા તૈયાર કરવામાં આવ્યા છે. આ ‘સગવડ’ને કારણે પાળેલા જાનવરોને રાહત જરૂર મળી છે. માત્ર ૮૦ ગ્રામ વજનનો બેટરી પર ચાલતો જાળીદાર પાંખો પ્રાણીને શરીર પર પહેરાવી શકાય છે. અસહ્ય ગરમીને કારણે પ્રાણીઓને બહાર ફરવા લઈ જવાનું ઓછું થઈ જવાથી આ પાળેલા પ્રાણી આક્રમક બની હેરાન કરતા હતા. જોકે, હવે કપડાના આ નાનકડા પાંખને કારણે ઉકળાટ – અકળામણમાં થોડી રાહત જરૂર મળી છે. જાપાનના આ પ્રાણી-પ્રેમની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
——-
નોકરી માટે જ્ઞાન નહીં, દામ કામ લાગે!
એક ટાઈમ હતો જ્યારે પાણીના લીકેજની ફરિયાદ માટે પ્લમ્બર બોલાવવા પડતા. પછી એવો વખત આવ્યો કે ગેસ ગળતરની સમસ્યા માટે ફાયર બ્રિગેડને કોલ જવા લાગ્યા. હવે તો પેપર લીકેજના પ્રસંગમાં જબરજસ્ત ભરતી જોવા મળી રહી છે. વાંચનથી મહેનત કરીને સારા માર્ક નથી લાવવા, પણ વાંચ્યા વગર પૈસાથી પેપર ખરીદી સારા માર્કે પાસ થવાનો સમય પુરજોશમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં ઉત્તરાખંડની સ્ટેટ સબોર્ડિનેટ સર્વિસ કમિશનની પરીક્ષાનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઉમેદવાર દીઠ ૧૫ લાખ રૂપિયામાં પેપર વેચાયા હોવાની માહિતી મળી છે. સર્વિસ કમિશનની આ પરીક્ષા રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની ૯૧૬ જગ્યા ભરવા માટે લેવામાં આવી હતી અને આ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારની સંખ્યા ૧.૬૦ લાખ હતી. ૨૦૦ ઉમેદવારોએ આ પેપર ખરીદ્યા હોવાનું માનવામાં આવે છે અને અંદાજે ત્રીસેક કરોડ રૂપિયાનો ખેલ થયો હોવાનું કહેવાય છે. ખરીદદારને પેપર સોશિયલ મીડિયા દ્વારા પહોંચતું કરવામાં આવ્યું હતું . સિવાય હોટેલ અને ગેસ્ટ હાઉસ પર પણ ડિલિવરી આપવામાં આવી હતી. આટલા પૈસા ખર્ચી નોકરી મેળવનાર ઉમેદવાર ‘ભગવાન સૌનું ભલું કર ને શરૂઆત મારાથી કર’ એવી માળા ન જપે તો બીજું શું કરે?
——–
પોલેન્ડમાં પોપ્યુલેશન પ્રોબ્લેમ
આશરે ચાર કરોડની જનસંખ્યા ધરાવતો યુરોપિયન દેશ પોલેન્ડ વસતિ ઘટાડાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તાજેતરના સેન્સસ રિપોર્ટ અનુસાર છેલ્લા દાયકામાં દેશની વસતીમાં ૩,૩૨,૦૦૦નો ઘટાડો થયો છે જે લગભગ એક ટકા જેટલો છે. આ માહિતી ચિંતાજનક લાગતા સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા એક વીડિયો તૈયાર કરીને જનસંખ્યા વધારવા માટે અપીલ કરવામાં આવી છે. એ વીડિયોમાં લોકોને સસલાનું ઉદાહરણ આપીને બહોળા પરિવારની શીખ આપવામાં આવી છે. આ દેશના લોકોને કલા અને સંસ્કૃતિ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. લોકોને વિશિષ્ટ પ્રકારના હેડ ડ્રેસનું વિશેષ આકર્ષણ હોય છે. આ તેમનો રાષ્ટ્રીય પહેરવેશ છે અને લગ્ન, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કે પારંપરિક મેળાવડામાં આ ડ્રેસીસ પહેરવામાં આવે છે. આ દેશમાં શિક્ષણનું મહત્ત્વ છે અને ૯૦ ટકા લોકોએ શાળા શિક્ષણ પૂરું કર્યું છે. દેશના ૧૮ લોકોએ નોબેલ પુરસ્કાર મેળવ્યો છે. અહીં કપડાંની ઢીંગલી તૈયાર કરવાની અનોખી પરંપરા છે. આ ઢીંગલીઓ શિયાળાનું પ્રતીક હોય છે અને બરફ પીગળવા લાગતા લોકો આ ઢીંગલીઓ નદીમાં ફેંકવા લાગે છે જે શિયાળો પૂરો થવાની નિશાની ગણાય છે.
———
એક બિલ્ડિંગમાં આખેઆખું શહેર
રૂઢિચુસ્ત દેશની છાપ ધરાવતા સાઉદી અરેબિયામાં છેલ્લા કેટલાક વર્ષથી ક્રાંતિનો નવો પવન ફૂંકાઈ રહ્યો છે. સામાજિક સ્તરે ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને નાગરી સુવિધાઓમાં પણ જબરજસ્ત બદલાવ આવી રહ્યો છે. નવીનક્કોર બાતમી અનુસાર પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રણપ્રદેશમાં એક બિલ્ડિંગના શહેરના વિશિષ્ટ પ્રોજેક્ટની ઘોષણા કરી છે.૧૦૬ માઈલ (આશરે ૧૭૦ કિલોમીટર) લંબાઈના વિસ્તારમાં ફેલાયેલી આ ઈમારતમાં ૯૦ લાખ લોકોનો વસવાટ હશે. સમુદ્રની સપાટીથી ૧૬૪૦ ફૂટ ઊંચાઈએ બંધાનાર આ શહેર સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર ચાલશે. અહીં સડક નહીં હોય અને વાહન પણ નહીં દોડે અને સમગ્ર વિસ્તાર હાઈ સ્પીડ રેલવેથી જોડાયેલો રહેશે. આ ટ્રેનની ઝડપ એવી હશે કે શહેરના એક છેડેથી બીજે છેડે પહોંચતા માત્ર ૨૦ મિનિટનો સમય લાગશે. ૨૦૩૦ સુધીમાં સપનાના આ શહેરનું બાંધકામ પૂર્ણ કરવા પાછળ અબજો ડોલર ખર્ચાઈ જશે જેનો અંદાજ બાંધવો પણ મુશ્કેલ છે. પૃથ્વી પર રહેઠાણની સમસ્યા દિવસે દિવસે વધુ વિકટ બની રહી હોવાથી સાઉદી અરેબિયાનું આ સ્વપ્નવત્ શહેર મંગળના ગ્રહ પર રહેવાનો અનુભવ કરાવશે. અલબત્ત કાગળ પર અદ્ભુત લાગતી આ યોજના સાકાર થવા વિશે કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુબઈ, મ્યાનમાર, ચીન તેમ જ કોરિયા દ્વારા જાહેર કરાયેલા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું બાળમરણ થયું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.