અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

મેકઅપ સાથે મમ્મી બનવાનું ગાંડપણ

દરેક પ્રકારના દુખાવા પીડાદાયક છે, પણ લેબર પેઇન એવો દુખાવો છે જે દરેક સ્ત્રી અંતરના આનંદ સાથે હોંશે હોંશે સહન કરી લે છે. નવ મહિના ગર્ભમાં ઊછરેલા બાળકને જગત સાથે જોડાઈ જવાની તાલાવેલી હોય એનાથી અનેક ગણી તીવ્ર ઈચ્છા માને પોતાના બાળકને નીરખવાની હોય છે. કાયમ ચહેરાને ચાર વાર નીરખીને જ ઘર બહાર પગ મૂકતી નારીને લેબર પેઇન વખતે તો ગમ્મે એવા મોઢે હોસ્પિટલ પહોંચી જવાની ઉતાવળ હોય. જોકે જેન ઓલિવિયા નામની વિદેશી વામા અપવાદ સાબિત થઈ છે. આક્રંદ સાથે જન્મતું બાળક જીવનમાં કિલકિલાટ લાવે એ પહેલાં આખા ચહેરા પર મેકઅપ કરીને પછી જ બાળકને આવકારવાનો અનોખો નિર્ણય તેણે લીધો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં જેનબહેન ગ્લેમરસ મેકઅપ કરી લિપ ગ્લોસ કરતાં નજરે પડે છે. આ એવો મેકઅપ હતો જે મોટા ભાગની સ્ત્રીઓ શાનદાર પાર્ટીમાં જતી વખતે પણ કરવાની હિંમત ન કરે. મેકઅપ કરતી વખતે જેને એવી ચીવટ રાખી છે કે જાણે મેકઅપ આર્ટિસ્ટ સામે કલાકો સુધી ખુરશી પર બેઠી હોય. એની આંખો કામણગારી લાગે છે અને કેશગૂંથણીમાં પણ ગજબની કલાત્મકતા જોવા મળે છે. વિડિયો સાથે જેનનું લખાણ છે કે ‘બાળકને જન્મ આપવા હોસ્પિટલ જતાં પહેલાં હેર સ્ટાઇલિંગ અને મેકઅપ કરી રહી છું. આવી રીતે તૈયાર થઈને જવાની મજા અલગ જ હોય છે.’ તમારું શું
માનવું છે?
———
સંશોધન, સાવચેતી, સજાગતા
ખરડો અને કાયદો (BILL and ACT) એ બે બાબત લોકશાહી દેશ માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. સંસદમાં ખરડો રજૂ થાય અને બહુમતીથી પસાર થઈ સહીસિક્કા થયા બાદ એ કાયદો બને. તાજેતરમાં લોકસભામાં એક એવો ખરડો પસાર થયો જે જાણી તમને હેરત ચોક્કસ થશે.Indian Antarctica Bill, ૨૦૨૨ તરીકે ઓળખ મેળવનાર આ ખરડો પસાર થવાને કારણે દક્ષિણ ધ્રુવમાં (એન્ટાર્કટિકા દક્ષિણ ધ્રુવમાં આવેલો પ્રદેશ છે) ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવતા સંશોધન કે અન્ય કોઈ પ્રવૃત્તિને કારણે કોઈ આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ નહીં થાય. ૧૯૮૧માં ભારતે એન્ટાર્કટિકામાં હેતુપૂર્વક પ્રવાસ શરૂ કર્યા પછી ૪૧ વર્ષમાં કોઈ ચોક્કસ કાયદો અસ્તિત્વમાં નહોતો. આ ખરડાનો ઉદ્દેશ એન્ટાર્કટિકાનાં સંશોધન કેન્દ્રો ભારતના અધિકારક્ષેત્ર હેઠળ આવી જાય એ છે. ખરડાને કારણે એ વિસ્તારમાં થતી પ્રવૃત્તિઓનું નિયમન તો થશે જ, એન્ટાર્કટિકાના અસલ વાતાવરણને પ્રદૂષણ, રેડિયો એક્ટિવ પ્રયોગ અને અન્ય બાહ્ય સમસ્યાથી રક્ષણ મળશે. આ ખરડો એન્ટાર્કટિકા પરના કોઈ પણ ભારતીય સાહસ સાથે સંલગ્ન વ્યક્તિ, જહાજ કે વિમાનને લાગુ પડશે. ટૂંકમાં આ પ્રદેશ હવે બોડીબામણીના ખેતર જેવો નહીં રહે જેનું કોઈ ધણીધોરી ન હોય. પ્રત્યેક દેશવાસીએ સજાગ રહેવું પડશે.
———
પરંપરાને આધુનિક સ્પર્શ
એકવીસમી સદીના યંગસ્ટર્સમાં ગઈ કાલ, આજ અને આવતી કાલનો ત્રિવેણી સંગમ રચવાની ગજબની ઘેલછા જોવા મળે છે. તાજેતરમાં આંધ્ર પ્રદેશથી વિખૂટા પડેલા તેલંગણામાં જોવા મળેલી ‘પોઠરાજુ’ પ્રથા આનું આગવું ઉદાહરણ છે. બ્રાહ્મણ ન હોય એવા પુરોહિત ગ્રામ્ય મહોત્સવ અને તાંત્રિક વિધિ પાર પાડતા હોય છે. આ સિવાય તાવીજ કે માદળિયું આપવું, મૃત શરીર ફરતે નૃત્ય કરવું અને યુવતીઓને જોગણીયું બનાવી દેવી જેવી વિચિત્ર ફરજ તેઓ બજાવે છે. જોકે આ પ્રથામાં વધી રહેલી જુવાનિયાની હાજરી આશ્ર્ચર્ય પમાડનારી હોય છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે માત્ર ભક્તિભાવથી નહીં, પણ જીવનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતા ફગાવી દેવા યુવાનો હિસંક લાગતા નૃત્યમાં સહભાગી થાય છે. બેરોજગારી, સમાજ તરફથી સ્વીકૃતિની ઈચ્છા, સોશિયલ મીડિયાની ઘેલછા અને શારીરિક સૌંદર્ય દેખાડવાની તમન્ના યુવાનોને પોઠરાજુ પ્રથા પ્રત્યે આકર્ષિત કરે છે. પરંપરા અને આધુનિકતાના હસ્તમેળાપમાં દેખાવ જેટલો વધુ બિહામણો એટલું વધુ બહેતર એવા હિસાબકિતાબ જોવા મળે છે. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું!
———-
લગ્નના આમંત્રણમાં મિનિટોની મોકાણ
‘મમ્મી, હું મોડી કેમ જન્મી?’ એવી ફરિયાદ એક દીકરીએ જાહેરમાં ભલે નથી કરી, પણ એના દિલમાં એ ચીસનો પડઘો પડી રહ્યો છે અને પરિવારને વ્યથિત કરી રહ્યો છે. બન્યું છે એવું કે વિદેશમાં વસતા બહોળા પરિવારના એક શખસે લગ્નની તારીખ નક્કી કરી આમંત્રણ આપવાની શરૂઆત ઘરના સભ્યોથી કરી. વરરાજાની એક વિચિત્ર શરત હતી કે ૧૮ વર્ષથી નીચેની ઉંમરના લોકોને મેરેજમાં નો એન્ટ્રી. તકલીફ એવી થઈ કે એના એક ભાઈની દીકરી લગ્નના દિવસે ૧૮ વર્ષની થાય છે, જ્યારે બીજી ૧૭ વર્ષની જ રહે છે અને એ પણ જોડિયા બહેન હોવા છતાં. વિચિત્ર લાગે છેને. વાત એમ છે કે જેના નામની દીકરી મધરાત પહેલાં જન્મી છે, જ્યારે બીજીનો જન્મ મધરાત પછી થયો હોવાથી દિવસ બદલાઈ ગયો. લગ્નની તારીખ જેનાના બર્થડેને દિવસે છે. એટલે ૧૮ વર્ષની થવાથી એ લગ્નમાં હાજરી આપી શકશે અને નાની બહેન હાથ ઘસતી રહી જશે. આંચકો આપનારી વાત એ છે કે નિયમ એટલે નિયમની હઠ પકડી બેઠેલા વરરાજા ભત્રીજી માટે બાંધછોડ કરવા તૈયાર નથી. આખી વાત જાણ્યા પછી પરિવારના કેટલાક સભ્યોએ વરરાજાની ટીકા કરી છે તો અમુક ચિબાવલા વળી નિયમને વળગી રહેવા બદલ પીઠ થાબડી રહ્યા છે. આગ્રહ સમજી શકાય, પણ હઠાગ્રહ નહીં સારો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.