અજબ ગજબની દુનિયા

ઇન્ટરવલ

હેન્રી શાસ્ત્રી

કમાલ કરે છે, એક યુગલ બસને વહાલ કરે છે!

સાંસારિક જીવનમાં પતિ-પત્ની એકબીજાને બસ કર, બસ કર એમ કહી લગામ બાંધવાની કોશિશ કરતાં હોય છે. જોકે કેરળના અલપ્પુઝા જિલ્લાનાં દંપતીએ અંગત લાગણીઓ પર લગામ તાણી એવી બસ કરી છે કે રહેવાસીઓ એના પર મોહી પડ્યા છે. કેરળ રાજ્ય સડક પરિવહન નિગમની બસમાં એલઈડી લાઇટ્સ, મ્યુઝિક સિસ્ટમ ને સીસીટીવી જેવાં આકર્ષણોને કારણે તો ઉતારુઓને પ્રિય થઈ પડી છે અને સોનામાં સુગંધ નહીં પણ સુગંધમાં સોનું ભળે એવો ઘાટ થયો છે, કારણ કે પતિ ગિરિ ગોપીનાથ બસના ડ્રાઈવર છે તો ટિકિટ આપતી કંડક્ટર થારા પત્ની છે. પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે એટલું જ વહાલ બંને બસ પર પણ વરસાવે છે. મળસકે બે વાગ્યે જાગી નિત્યકર્મથી પરવારી બસની સાફસફાઈ જાતે કરે અને સવારે સાડાપાંચે સવારી ઊપડે અને રાત્રે સાડાદસે પાછાં ફરે. વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ સુધ્ધાં આ બસની મુસાફરીના ચાહક બની ગયા છે. બસની સ્ટોરી જેવી અનોખી પતિ-પત્નીની લવ સ્ટોરી છે. બાવીસ વર્ષ પહેલાં પ્રેમમાં પડેલું આ યુગલ પરિવારના વિરોધને કારણે છેક ૨૦૨૦માં લગ્ન કરી શક્યું. જોકે આ પ્રતીક્ષાના સમયનો બંનેએ સદુપયોગ કરી લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ નિગમની પરવાનગી લઈ બસની સજાવટમાં અંગત આર્થિક રોકાણ કરી એને લોકપ્રિય બનાવી. આ બસ અનેક હોંશીલા લોકો માટે વિશિષ્ટ ઉદાહરણ બની બસ ઈતના સા ખ્વાબ જાણે કે બની ગઈ છે.
———
અશ્ર્વને અણવર કીધો, હનીમૂનમાં ભેગો લીધો!

લગ્નની ઉજવણીમાં ધરમૂળથી ફેરફાર ભલે આવી ગયા, પણ પરંપરાગત વિધિની કેટલીક બાબત અનોખી છે અને આજે પણ જળવાઈ છે.
હસ્તમેળાપ અને સપ્તપદીના ફેરા વગેરે વિધિ વખતે વરરાજાની સેવામાં ખડે પગે હાજર રહેતા અણવરની હાજરીની મજા મોડર્ન મેરેજમાં પણ
લેવાય છે.
વિદેશનાં લગ્નમાં અણવર બેસ્ટ મેન તરીકે ઓળખાય છે. મોટે ભાગે આ બેસ્ટ મેન વરરાજાનો ક્લોઝ ફ્રેન્ડ હોય છે.
જોકે તાજેતરમાં યુકેમાં થયેલા એક મેરેજમાં તો બેસ્ટ મેન તરીકે ફેવરિટ ફ્રેન્ડની જગ્યાએ અશ્ર્વને જોઈને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. પોતે લગ્ન મંડપમાં આવ્યા છે કે રેસકોર્સ પર એવી હળવી મજાક પણ કેટલાકે કરી.
રોમન બાદશાહ કેલિગુલાએ ઘોડાને મંત્રીપદ આપ્યું હોવાની નોંધ છે. જોકે ૪૭ વર્ષના વરરાજા પોલ બોયલે ‘ક્રાંતિકારી પગલું’ ભરી પોતાના માનીતા અશ્ર્વ એરિકને બેસ્ટ મેન તો બનાવ્યો, પણ આ આંચકાને લોકો હજી પચાવે ત્યાં હનીમૂન પર અશ્ર્વને સાથે લઈ જવાની જાહેરાત પણ કરી.
વિધિ દરમિયાન પત્નીને પહેરાવવાની વીંટી વરરાજાએ ઘોડાની પલાણ પર એક ખાસ પાઉચમાં રાખી અશ્ર્વપ્રેમનું જાણે કે જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું. પોલ-એરિક એવા લાગણીના તંતુએ બંધાઈ ગયા છે કે બેસ્ટ મેન તરીકે બીજા કોઈનો વિચાર પણ નહોતો કરવામાં આવ્યો.
જોકે પોલની દુલ્હન અશ્ર્વની હાજરીથી
હેબતાઈ ગઈ હતી. અગાઉ હનીમૂન માટે ઈટલી જવાની યોજના હતી, પણ અશ્ર્વની હાજરીને પગલે નજીક આવેલા વેલ્સ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હનીમૂનમાં પોલની ખરી કસોટી થશે. પત્નીને લાડ કરવાના અને ઘોડાને ઘાસ ખવરાવવાનું.
——–
પૈસા સામે પ્રેમનું પલડું ભારે

‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, બેઠો બેઠો ટહુક્યા કરે’ એ વાર્તા તમે બાળપણમાં સાંભળી હશે. મનુષ્યનો પોપટપ્રેમ મશહૂર છે. એમાંય પાંજરામાં પૂરેલા પોપટ પાસે ‘મીઠું મીઠું’ બોલાવવાની ઘેલછા જાણીતી છે. અલબત્ત, કર્ણાટકનાં એક દંપતીનો પોપટ માટેના લગાવનો કિસ્સો જાણશો તો હેરત થશે. પૈસા સામે પ્રેમનું પલડું ભારે એ ભાવનાનો એહસાસ થશે. થયું એવું કે અર્જુન-રંજના પતિ-પત્નીએ એક પોપટ પાળ્યો છે જેને પાંજરામાં નહોતાં રાખતાં. ૧૯ જુલાઈની સવારમાં એ બહાર નીકળ્યો અને સાંજ સુધી ઘરે પાછો ન ફરતાં દંપતીને ચિંતા થઈ. પોપટ ખોવાયો છે. શોધી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરતાં અને ફોટોગ્રાફ સાથે વિગતો આપતાં ફરફરિયાં વહેંચ્યાં. ૨૪ જુલાઈએ શ્રીનિવાસ નામના એક શખસે અર્જુનનો સંપર્ક કર્યો અને ‘પોપટ મારા જ ઘરની સામે એક ઝાડ પર બેઠો છે’ એમ જણાવ્યું. ચારેક કિલોમીટર દૂર દંપતી પહોંચ્યાં ત્યારે તો સાહેબ વટથી ઝાડની ડાળીએ બેઠા હતા. અર્જુને હંમેશની સ્ટાઈલમાં એને બોલાવ્યો તો પોપટ ઝાડ પરથી નીચે ઊતરી એના ખભે બેસી ગયો. અર્જુન-રંજના હરખાઈ ગયાં અને જાહેર કરેલી ૫૦,૦૦૦ રૂપિયાની ઈનામની રકમમાં બીજા ૩૫,૦૦૦ ઉમેરી શ્રીનિવાસને ૮૫,૦૦૦ આપી દીધા. પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ…
———
ચડી ગઈ તો ખોટી હોટેલે ચડી ગયો

કેટલાક લોકો રણમાં શૂરા હોય તો કેટલાક લોકો ક્યાંય પણ સુરા હોય. મતલબ કે સાંજ પડી નથી કે બોટલ ખોલી નથી ને પેગ ભરાયા નથી. જોકે ક્યારેક પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે જેવી મહેફિલમાં ચડસાચડસીમાં અને બોટલ ખાલી કરવાની જીદમાં એવા ટાઈટ થઈ જવાય કે ભાન ભૂલી જવાય. પશ્ર્ચિમ ઈંગ્લેન્ડની ડોર્સેટ નામની કાઉન્ટીમાં બુકિંગ હોવા છતાં હોટેલમાં પ્રવેશ ન આપ્યો એની સામે વિરોધ કરવા ફૂટપાથ પર સૂઈ ગયેલા યુવકને પોલીસ ખસેડી બીજી હોટેલ સામે મૂકી આવી. તમે ચકરાવે ચડી જાઓ એ પહેલાં સ્પષ્ટતા કરી દઈએ કે ભાઈસાહેબને એટલી ચડી ગઈ હતી કે વિરોધ સામે પોલીસને કોઈ કરતાં કોઈ વિરોધ નહોતો.
વાત એમ હતી કે પિયક્કડ ખોટી હોટેલ સામે વિરોધ નોંધાવી રહ્યો હતો અને એની સામે હોટેલ મેનેજમેન્ટને વાંધો હતો કે ભાઈ વિના કારણ અમને બદનામ કરી રહ્યો છે.
પછી પોલીસ પીધેલાની ટીંગાટોળી કરીને જે હોટેલમાં બુકિંગ હતું એની સામે મૂકી આવી. જોકે પછી તારે વિરોધ કરવો હોય તો અહીં કર એવું કીધું કે નહીં એ ખબર નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.