હેન્રી શાસ્ત્રી
વરઘોડિયા ફસાણા, મહેમાનો વિમાસણમાં
લગ્ન ઉજવણીનો અવસર છે એ ખરું, પણ જે પરિવારમાં લગ્ન હોય એ પરિવારમાં વરઘોડિયા સહિત અંગત સભ્યો છેલ્લી ઘડી સુધી વ્યવસ્થામાં અટવાયેલા રહેતા હોવાથી મહેમાનો જેટલો આનંદ નથી લઈ શકતા. સૌથી મોટું કામ વિના વિઘ્ને પાર પડે અને સૌથી મામૂલી કામ ભુલાઈ જાય અને છેલ્લી ઘડીએ દોડાદોડ થાય એના કિસ્સા તમે સાંભળ્યા હશે. જોકે, અમેરિકાના નોર્થ કેરોલીનામાં થયેલા મેરેજ દરમિયાન દરેક બાબતે ચીવટ રાખી હોવા છતાં એવો ગોટાળો થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. થયું એવું કે પ્રણવ ઝા અને વિક્ટોરિયા ઝાનું રિસેપ્શન એક શાનદાર હોટેલમાં રાખવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો, નિકટના સગા – સંબંધીઓ અને પરિવારના મોટાભાગના સભ્યો સમયસર પહોંચી ગયા પણ રિસેપ્શનના દોઢ કલાક પછી પણ યુગલની પધરામણી ન થવાથી ‘શું થયું, ક્યાં, અટવાણા, બધું ઓલરાઇટ તો છે ને’ જેવી વાતો વહેતી થવા લાગી. છેવટે વરઘોડિયા વિના જ પ્રસંગ પૂરો કરવો પડ્યો. દંપતીને હનીમૂનની ઉતાવળ હતી એટલે પલાયન થઈ ગયું હતું એવી અટકળ ન બાંધી લેતા. હુતો અને હુતી સાજ સજાવટ કરી હોટેલના ૧૬મા માળે જવા લિફ્ટમાં દાખલ થયા અને નસીબે એવો દગો દીધો કે ભોંયતળિયેથી શરૂ થયેલી લિફ્ટ હજી પહેલા માળે પહોંચે એ પહેલા કોઈ ખરાબીને લીધે અટકી ગઈ.
ટેક્નિશિયનો અને ત્યારબાદ અગ્નિશમન દળના કર્મચારીઓની બે કલાકની જહેમત પછી પણ કંઈ ન વળ્યું ત્યારે દોરડાની મદદથી યુગલને અને અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા. એ લોકો રિસેપ્શન સ્થળે પહોંચ્યા ત્યારે મોટાભાગના લોકોએ વિદાય લઈ લીધી હતી. વરઘોડિયાએ એકબીજાને શુભેચ્છા આપી મન વાળી લીધું.
—————
પત્ની પ્રેમી સાથે, પતિ પ્રેમીની પત્ની ભેગો: હિસાબ ચૂકતે
પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં, પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં. પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. લગ્ન કર્યા પછી પ્રેમ થાય તો પ્રેમમાં ગળાડૂબ થયા પછી લગ્ન જીવનમાં તરવાની તમન્ના જાગે. પ્રેમમાં ભૌતિકશાસ્ત્ર હોય અને રસાયણશાસ્ત્ર પણ હોય અને ક્યારેક ગણિત પણ જોવા મળે. કોઈનું મીંઢળ કોઈના હાથેનો એક ક્લાસિક કિસ્સો બિહારમાં બન્યો છે જે મેરેજમાં પણ તર્કશાસ્ત્ર અને ગણિત કેવા કામ કરી જાય છે એના પર પ્રકાશ ફેંકે છે. પ્રેમના મેઘધનુષમાં આઠમો રંગ ઉમેરતી આ લવસ્ટોરીમાં મજેદાર વાત એ છે કે ખેલમાં સહભાગી થયેલી બન્ને સ્ત્રીનું નામ રુબી છે. વાત એમ છે કે રુબી દેવી નામની ક્ધયા ૨૦૦૯માં નીરજ નામના પુરુષ સાથે પરણી હતી. વરઘોડિયાને ત્યાં વારાફરતી ચાર સંતાનોનો જન્મ થયો. જોકે, નીરજને એક દિવસ જાણ થઈ કે તેની પત્ની મુકેશ નામના પુરુષ સાથે વિવાહ બાહ્ય સંબંધ ધરાવે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રુબી દેવી ચુપચાપ મુકેશને પરણી ગઈ. ફટાકડો ફૂટ્યાની જાણ થતા રૂબીના પતિ નીરજે મુકેશે તેની પત્નીનું અપહરણ કર્યું હોવાની પોલીસમાં ફરિયાદ કરી. ગૂંચ ઉકેલવા ગ્રામ પંચાયતની બેઠક મળી પણ મુકેશ એમાં હાજર ન રહ્યો અને રુબી દેવી સાથે નાસી ગયો. રસપ્રદ વાત એ છે કે મુકેશ પણ પરિણીત છે, એને બે બાળકો છે અને એની પત્નીનું નામ પણ રુબી જ છે. બદલાની ભાવનાથી ભડભડ બળતો નીરજ ગયા મહિને મુકેશની પત્ની રુબીને પરણી ગયો. આમ નીરજની રુબીને મુકેશ ભગાડી ગયો તો મુકેશની રુબી સાથે નીરજે ઘર માંડી દીધું. રુબી ગુમાવી, રુબી મેળવી લીધી, હિસાબ બરાબર.
—————
ધાર્મિક લાગણી – પ્રાણીપ્રેમનો અનોખો સંગમ
કેરળની કમાલ ઘટના જોઈ ધર્મમાં આસ્થા – શ્રદ્ધા ધરાવતા લોકો તો હરખાયા છે જ, પણ સાથે સાથે પ્રાણીપ્રેમીઓ અને એમની સંસ્થા પણ રાજીના રેડ થઈ ગયા છે. આપણા દેશમાં ધર્મ અને ધર્મ સ્થાનક તેમજ આસ્થાના પ્રતીક માટે લોકોની તીવ્ર લાગણી જગજાહેર છે. પ્રાણીમાં પ્રભુના દર્શન એ આપણા માટે અચરજની ઘટના નથી. ‘પરથમ પહેલા પૂજીએ ગણેશજી’ને એ ભાવનાને કારણે ગજરાજ – હાથી માટે ગજબની શ્રદ્ધા દેશવાસીઓમાં જોવા મળે છે. ગજરાજની હાજરીથી, એના દર્શનથી જીવનમાં સુખ – સમૃદ્ધિ આવે એવી માન્યતા છે. દક્ષિણ ભારતમાં અનેક મંદિરોમાં હાથીની હાજરી હોય છે અને તેમની પૂજા કરવામાં આવે છે. જોકે, એકવીસમી સદીમાં માનવી બુદ્ધિથી વધુ વિચારતો થયો હોવાથી અંગત આસ્થા કે આનંદ માટે પ્રાણીઓને કષ્ટ ન પડવું જોઈએ એવું વિચારતો થયો છે. સર્કસમાંથી પણ પ્રાણીઓ ગાયબ થઈ ગયા છે અને વાત એક ડગલું આગળ વધી છે કે કેરળમાં પહેલી વાર ધાર્મિક વિધિ માટે જીવતાજાગતા હાથીને બદલે એટલા જ ઊંચા અને કદાવર બાંધાના મશીનથી ઓપરેટ કરી શકાય એવા યાંત્રિક ગજરાજની મંદિરમાં સ્થાપના થઈ છે. સાડા દસ ફૂટ ઊંચા અને ૮૦૦ કિલોના આ ગજરાજનું નામ રામન છે અને એની પર એક સાથે ચાર વ્યક્તિ બિરાજમાન થઈ શકે છે. વીજળીની મદદથી હાથી માથું ડોલાવે તેમજ એની આંખો, મોઢું , કાન અને પૂંછડીની હલનચલન થઈ શકે છે. હવેથી પ્રાણી વિના પુણ્યના કાર્ય થશે એ અંગે મંદિરના પૂજારી અને ‘પેટા’ નામની પ્રાણીઓના હિતનું રક્ષણ કરતી સંસ્થાએ રાજીપો વ્યક્ત કર્યો છે.
——————
ચાઈના ચાઈના, ગજબ હુઈ ગવા રે
ચીન એક એવી મહાસત્તા છે જ્યાંથી આવતી બાતમી ક્યારેક તમને અચંબિત કરી દે, ક્યારેક ક્રોધિત કરી મૂકે તો ક્યારેક ‘યે ક્યા હો રહા હૈ’ની ટીકુ તલસાણિયા સ્ટાઈલમાં બૂમ પણ પડાવી દે. વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતી આ દેશની સરકાર અચાનક એવો કાયદાકીય બદલાવ લાવી દે કે તમે મોઢું વકાસી જોતા જ રહી જાઓ. એડવર્ટાઈઝિંગ – વિજ્ઞાપનમાં સ્ત્રીને ચમકાવવાથી એને વ્યુઅરશીપ વધુ મળે અને એને પગલે પ્રોડક્ટની ખપત પણ વધે એવી સર્વસામાન્ય માન્યતા છે. જો પ્રોડક્ટ માત્ર સ્ત્રીના વપરાશની જ હોય તો એના વિજ્ઞાપનમાં મહિલા જ હોય એ એક ને એક બે જેવી સીધી ને સટ વાત થઈ. જોકે, અગાઉ પ્રસિદ્ધ થતા સ્ત્રીઓ માટેના ‘ફેમિના’ મેગેઝિનના વાચકોમાં સ્ત્રી કરતાં પુરુષની સંખ્યા વધુ હતી એ અલગ વાત છે. ચીનમાં બન્યું છે એવું કે બીભત્સ રજૂઆતનું કારણ આપી સ્ત્રીના આંતરવસ્ત્રો માટે ઓનલાઇન મોડલિંગ કરવા માટે મહિલા મોડલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટે પાયે પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હોય એટલે એનું વેચાણ કર્યા વિના તો છૂટકો જ ન હોય. એટલે ચીનની ફેશન કંપનીઓ દિમાગ લડાવી સ્ત્રીના કોર્સેટ, નાઈટ ગાઉન અને આંતરવસ્ત્રોના વેચાણ માટે પુરુષ મોડલનો ઉપયોગ કરી રહી છે. ઇન્ટરનેટ પર આ વિજ્ઞાપન વાઈરલ થતા જાતજાતની પ્રતિક્રિયા આવી છે. કોઈકે આ નવા વિચારને આવકાર્યો છે તો આશ્ર્ચર્ય વ્યક્ત કરનારા પણ છે અને આને કારણે મહિલા મોડેલ માટે કામની એક તક બંધ થઈ ગઈ એવી રજૂઆત પણ થઈ છે. ટૂંકમાં એક આંખ હસે અને એક આંખ રડે જેવો હિસાબ જોવા મળ્યો છે.