હેન્રી શાસ્ત્રી
કરચલાના કોચલાની કરામત
ચીની લોકોને પ્રાણી જગત પ્રત્યે અનોખો લગાવ હોય છે. પાળેલા પ્રાણીઓ રાખવાનો ગજબનો શોખ અહીંયા લોકોમાં જોવા મળે છે. પાળવા ઉપરાંત ચીની લોકોના ભોજનમાં પણ પ્રાણીઓ અને કીટકોનો બહોળા પ્રમાણમાં સમાવેશ હોય છે. આ પ્રેમ હવે વધુ પાંગરી રહ્યો છે. સુઝોઉ નામના શહેરમાં કરચલાના આકારનું અને એને સમર્પિત મ્યુઝિયમ બાંધવામાં આવ્યું છે. ૫૨ ફૂટ ઊંચું એવું આ ત્રણ માળનું
મ્યુઝિયમ પ્રખ્યાત ચાઈનીઝ કરચલા મિટન ક્રેબ જેવું (બોક્સિંગનાં ગ્લોવ્ઝ જેવા દેખાવનું) છે. આ મ્યુઝિયમ જે સરોવરને કાંઠે ઊભું થઇ રહ્યું છે ત્યાં વિશાળ માત્રામાં મિટન ક્રેબનો (દર વર્ષે ૧૫૦૦ ટન) ઉછેર થાય છે. આ કરચલાના પગલાં ૨૪૬ ફૂટ લાંબા છે. સહેલાણીઓ માટે આ અનેરું આકર્ષણ બની રહેલા આ મ્યુઝિયમની મુલાકાત લેવા સમગ્ર ચીનમાંથી લોકો ઉત્સાહથી આવે છે. આ ઇમારતમાં પ્રવેશવા માટે તમારે એના મોઢા વાટે દાખલ થવું પડશે. મતલબ કે એ તમને ઓહિયાં કરી જશે. અહીં ૩૦૦થી વધુ પ્રકારના કરચલા જોવા મળે છે અને કોચલામાં રહેતો હર્મિટ ક્રેબ કોચલાનું આવરણ બનાવી દે છે અને માણસ જયારે ઘર બદલે ત્યારે પોતાનું ફર્નિચર સાથે ફેરવે એમ આ કરચલો કોચલા સાથે જ હરફર કરે છે.
————-
શરીર છે કે પાસપોર્ટ: સ્ટેમ્પનું ચિતરામણ!
‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ એ બહુ જાણીતી કહેવત છે. જોકે, જગતમાં એવા કેટલાક લોકો હોય છે જેને જોયા પછી ‘એક નૂર આદમી, હજાર નૂર શોખ’ એવી નવી કહેવત બનાવવી પડે. લેટેસ્ટ શોખ છે શરીર પર ટેટૂ (છૂંદણાં) કરવાનો. મૂળ તો આ આપણી પરંપરા છે અને છૂંદણું, ત્રાજવું, ટોચણું, શરીર પર છૂંદીને પાડેલું ટપકું, ચાઠું કે આકૃતિ તરીકે પણ ઓળખાય છે. કેવળ શરીર શણગારવા ફૂલ, પાંદડી કે પક્ષીના આકાર છૂંદાવવા પૂરતો જ એ શોખ નહોતો, પણ ઈશ્ર્વર અથવા ઇષ્ટ દેવ કે દેવીનાં નામ તેમ જ આકૃતિ વગેરે છૂંદાવવા સુધીનો ધર્મભાવ પણ એમાં હતો. વિદેશીઓને પણ ટેટૂનું ઘેલું લાગ્યું છે અને અનેક લોકો આખા શરીરને શણગારવાનો મનસૂબો ધરાવતા નજરે પડે છે. ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ફેન ૫૪ વર્ષના ઇયાન ઓજર્સ તો જ્યાં જ્યાં મેચ જોવા જાય ત્યાંની જૂની સ્ટેમ્પના છૂંદણાનું ચિતરામણ શરીર પર કરાવતા રહે છે. હાલ એના શરીર પર ૩૨ દેશના ટેટૂ છે અને એની ખાસિયત એ છે કે એના બધા જૂના પાસપોર્ટ પર રહેલી વિવિધ દેશની ટ્રાવેલ સ્ટેમ્પનું ચિતરામણ જોવા મળે છે. એરપોર્ટ પર ક્યારેક મજાકમાં અધિકારીને પાસપોર્ટની બદલે પોતાના હાથ પરના ટેટૂ દેખાડી તેમનું મનોરંજન કરે છે. ૨૦૧૭માં પહેલી વાર છૂંદણું મુકાવનાર ઇયાન ભાઈના શોખે ૨૦૨૨માં ઉછાળો માર્યો. પહેલી સ્ટેમ્પ મલેશિયાની છૂંદાવી અને લેટેસ્ટ વર્લ્ડ ફૂટબોલ ચેમ્પિયનશિપ દરમિયાન કતારની કરાવી. જોકે, કતારની સ્ટેમ્પનું છૂંદણું જોતા ઇંગ્લેન્ડના પરાજયનું સ્મરણ થતા ઇયાન વ્યથિત થઈ જાય છે.
————
જા ફ્લેકો, જી લે અપની જિંદગી
કાયમ દાબમાં રાખેલી દીકરી માટે ઉમળકો જાગતા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પિતાશ્રી ‘જા સિમરન, જી લે અપની જિંદગી’ કહી પુત્રીને આઝાદી બક્ષે છે ત્યારે અનેક આંખના ખૂણા ભીના થાય છે. ‘કેદ’માંથી નાસી છૂટવાને કારણે અચાનક સેલિબ્રિટી બની ગયેલા ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્ક પ્રાણીસંગ્રહાલયના ઘુવડને અધિકારીઓએ સિમરન જેવી આઝાદી આપી હોવાથી અનેક પક્ષી પ્રેમીઓની આંખના ખૂણા ભીના થયા છે. વાત એમ છે કે દેખાવને કારણે Eagle Owlતરીકે ઓળખાતું આ ઘુવડ ગયા અઠવાડિયે ‘કેદ’માંથી નાસી છૂટ્યું હતું. એને પાછા ફરવા લલચાવવા માટે એની બોલીના રેકોર્ડિંગ વગાડવાના તેમજ અન્ય અખતરા પણ નિષ્ફળ નીવડ્યા પછી સંગ્રહાલયના અધિકારીઓએ એની સ્વતંત્રતા માન્ય રાખવાનું નક્કી કર્યું છે. આઝાદી મળ્યા પછી ફ્લેકો નામના ઘુવડને પાર્કમાં ભોજન માટે શિકાર સહેલાઈથી મળી જતા હોવાથી એ લહેરમાં છે પેલા ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ વાર્તાની જેમ. અલબત્ત જો ફ્લેકો કોઈ પણ પ્રકારની તકલીફ અનુભવે છે એવું લાગશે તો પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ એને યેનકેન પ્રકારે ફરી ‘કેદ’ કરીને ક્ષેમકુશળ રાખવાના બધા જ પ્રયત્ન કરશે. ત્યાં સુધી જા ફ્લેકો, જી લે અપની જિંદગી.
————
આમ કે આમ, ગુટલિયો કે જ્યાદા દામ
પંદરેક વર્ષ પહેલા ઝિમ્બાબ્વેના ચલણના કેવા બેહાલ થયા હતા એ વાત જાણીતી છે. ૨૦૨૦માં ફુગાવો ૭૦૦ ટકાથી ઉપર જતા ઝિમ્બાબ્વેના પાંચ અબજ ડૉલરનું મૂલ્ય યુએસના ૩૩ સેન્ટ (આશરે ૨૦ રૂપિયા) જેટલું થઈ ગયું હતું. ગયા વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર લિયોનલ મેસીના આર્જેન્ટિનામાં પણ ચલણની બેહાલી બેકાબૂ બની ગઈ છે. વાત એ હદે વણસી ગઈ છે કે સર્જિઓ ડિયાઝ નામના આર્ટિસ્ટને દેશના ચલણ પેસોની નોટ પર પેઈન્ટિંગ કરવું વધારે લાભદાયક લાગે છે. ગયા વર્ષના અંતમાં ફુગાવો લગભગ ૧૦૦ ટકાની સપાટીએ પહોંચી જતા ૧૦૦૦ પેસોની નોટના માત્ર ૫ ડૉલર ઊપજે છે. ભાઈ સર્જિઓ એ નોટ પર પેઈન્ટિંગ કરે છે અને એ પેઈન્ટિંગ ચલણના મૂલ્ય કરતાં અનેક ગણા વધુ દામમાં વેચાય છે. આર્જેન્ટિનાના આ પેઇન્ટર બાબુ ફુગાવો અને ચલણ પેસોના અવમૂલ્યનની થીમ કેન્દ્રમાં રાખી ચિત્ર બનાવે છે. ચલણી નોટ પર સર્જિઓએ વર્લ્ડ કપ ટ્રોફી સાથેના મેસીનું ચિત્ર બનાવ્યું છે તો પેસોના અવમૂલ્યનને પણ વાચા આપી છે. સ્પીલબર્ગની શાર્કને કેન્દ્રમાં રાખી બનેલી ‘જોઝ’નું પેઈન્ટિંગ કરી ફુગાવાની પેરડી કરી છે. આ સિવાય હેરી પોટરનાં પાત્રો અને ‘સ્ટાર વોર’ના પાત્રને પણ ચમકાવ્યા છે. આને કહેવાય આમ કે આમ લેકિન ગુટલિયો કે જ્યાદા દામ, ખરું ને!