એક એવું રાજ્ય જ્યાંથી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને એક પણ મત નહીં મળે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

18મી જુલાઈએ 16મી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીનું આયોજન છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે ટકરાશે.
દ્રૌપદી મુર્મુ એક મહિલા છે જે નમ્ર આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. હવે તેમના માટે વિવિધ પક્ષો પાસેથી તેમની તરફેણમાં સમર્થન મેળવવા માટે રાજ્યોનો પ્રવાસ કરવાનો સમય આવી ગયો છે. રાજકીય નિષ્ણાતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે વિવિધ પક્ષોના સમર્થનને ધ્યાનમાં રાખીને દ્રૌપદી મુર્મુને યશવંત સિંહા કરતાં ચૂંટાવાની વધુ તક છે.
જોકે, વિરોધ પક્ષોએ તેમના રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર યશવંત સિંહાના રાષ્ટ્રવ્યાપી અભિયાનને ચલાવવા માટે 11 સભ્યોની પ્રચાર સમિતિની રચના કરી છે.વિપક્ષી પાર્ટીઓના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે 29 જૂને કેરળ પહોંચશે. તેઓ વિધાનસભાની મુલાકાત લેશે અને ધારાસભ્યોને મળશે.
અટલ બિહારી વાજપેયી કેબિનેટમાં સેવા આપી ચૂકેલા ભૂતપૂર્વ અમલદાર અને કેન્દ્રીય મંત્રી સિંહા કેરળથી તેમના પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ સિંહા વિપક્ષમાં સામેલ થઇ ગયા હતા.
કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં NDAને શૂન્ય મત છે. તેઓ કેરળથી તેમના અભિયાનની શરૂઆત એવી આશા સાથે કરી રહ્યા છે કે તેમને રાજ્યના 140 ધારાસભ્યો, 20 લોકસભા સાંસદો અને 9 રાજ્યસભા સાંસદોનું સમર્થન મળશે. કેરળ વિધાનસભામાં 21,280 મતો સાથે 140 ધારાસભ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં કુલ 20,300 મતો સાથે 29 સાંસદો છે. તેનો અર્થ એ છે કે યશવંત સિંહા રાજ્યમાંથી 41,580 મત મેળવવાની આશા રાખી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનો કાર્યકાળ 21 જુલાઈએ સમાપ્ત થશે. તેમના ઉત્તરાધિકારીને ચૂંટવા માટે 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈના રોજ યોજાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.