Homeઉત્સવએક સોલિડ સંગીતાત્મક સમસ્યા: ડાન્સ ચઢે કે કસરત?

એક સોલિડ સંગીતાત્મક સમસ્યા: ડાન્સ ચઢે કે કસરત?

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: આંખ મીંચીને નાચવું ને આંખ ખુલી રાખીને વાંચવું (છેલવાણી)
વરસો અગાઉ એક ફિલ્મી પાર્ટીમાં ૬૦ના દાયકાનો ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર અને જ્યુબિલી કુમાર- રાજેન્દ્રકુમાર ભેગા થઈ ગયા. શમ્મી કપૂર ડાન્સ માટે નંબર વન ગણાતા અને આજે ય ગણાય છે અને એની સામે રાજેન્દ્રકુમારનો ડાન્સ એકદમ હાસ્યાસ્પદ અને મેકેનિકલ..પણ કોણ જાણે શું થયું કે રાજેન્દ્રકુમારે એ પાર્ટીમાં શમ્મીકપૂરના કોઇ એક ડાંસની ભૂલો કહી બતાડી… આ સાંભળીને તોફાની શમ્મી કપૂરે રાજેન્દ્રને ચણાના ઝાડ પર ચડાવ્યા કે- ‘ચાલો, તો તમે મને કરીને બતાવો ને! તમારા જેવો ગુરુ મને ક્યાં મળશે? ’ હવે રાજેન્દ્રકુમારે એક બે સ્ટેપ કરીને બતાવ્યા. પછી તો શમ્મી કપૂરે કહ્યું, ‘હજુ બીજા બે-ચાર સ્ટેપ્સ કરીને બતાવો.’ રાજેન્દ્ર કુમારે એ પણ કર્યા. બધાંએ તાળીઓ પાડી. શમ્મી કપૂરે કહ્યું, ‘હજુ ફરી પેલા ગીતનો ડાન્સ કરીને બતાવોને..’ અને આમ એણે આખી રાત રાજેન્દ્ર કુમારને લોકો સામે નચાવ્યા ને લોકો હસી હસીને લોટપોટ! હવે આપણે જાણીએ છીએ કે રાજેન્દ્ર કુમારમાં ડાન્સની એવી કોઈ ટેલેન્ટ નહોતી જ. શમ્મી કપૂર માટે જે ડાન્સ હતો એ રાજેન્દ્ર કુમાર માટે કસરત હતી..
તો મૂળ સવાલ એ ઊઠે છે કે વધારે સારું શું? ડાન્સ કે કસરત ? ૧૯૪૧માં ‘ચરોતર’ નામના સામયિકમાં એ જમાનાના ગુજરાતીના બેસ્ટસેલર નવલકથાકાર શ્રી ર.વ. દેસાઈએ ગાંધીજીની અસરમાં આવીને કસરતની તરફેણ કરતાં લખ્યું કે- ‘યુવાનોએ ડાન્સને બદલે કસરત કરવી જોઈએ્ તો આઝાદી જલ્દી મળશે!’ બોલો! આ વાંચીને જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાએ ‘જ્યોતિર્ધર’ સમાયિકમાં એનો જવાબ આપતા લખ્યું કે- ‘ડાન્સ અને કસરત એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે અને કસરત કરવાથી આઝાદી જલ્દી કેવી રીતે મળે?’
લંડનમાં એક અંકલ-આંટી એક ડાન્સ પાર્ટીમાં ઇરોટિક કે માદક ડાન્સ જોવા ગયા હતા. ત્યાં એક પત્રકારે પૂછ્યું કે- ‘તમારા જમાનામાં આવા ડાન્સ જોવા મળતા હતા..?’ અંકલે કહ્યું, એકવાર હું જોવા ગયો હતો પછી ત્યાં પોલીસની રેડ પડી એટલે હું ભાગી છૂટ્યો! એટલે કે એ વખતે જે બંધબારણે પણ ગુનો ગણાતો, એ હવે ખુલ્લેઆમ થઈ શકે છે. શું છે કે સોસાયટીનાં મૂલ્યો બદલાતા રહે છે. આપણે ત્યાં ગરબા એ સામાયિક નૃત્ય છે ને! કોઇકને આખીરાત ખૂલ્લામાં નાચતી સ્ત્રીઓ વિવિત્ર પણ લાગી શકે! પણ ગુજરાતની એ અસ્મિતા છે. ભલભલી ગૃહિણીઓ વાતવાતમાં થાકી જતી હોય કે પછી સંધિવાથી પીડાતી હોય, પણ નવરાત્રિ આવે એટલે બધી બીમારીઓને હડતાલ ઉપર મોકલી દેવામાં આવે, દશેરા પછી એ બધી બીમારીઓ પાછી શરીરમાં અડ્ડો જમાવી દે. બીજી બાજુ, આપણે ત્યાં છોકરાઓ ગરબા કરતા એવા ઠેકડા મારતા હોય છે કે એને ડાન્સ કહેવો કે કસરત, એ તો ખુદ માતાજી પણ નક્કી ના કરી શકે!
ઇંટરવલ:
નાચ મેરી બુલબુલ કે પેશા મિલેગા
યહાં કદરદાન તુમહે ઐસા મિલેગા (રોટી-ફિલ્મ)
જોકે જંપિંગ સ્ટાર જીતેંદ્રના ધરતી પર આવતરણ પછી આજકાલનાં ફિલ્મી નૃત્યોમાં નૃત્ય કરતા કસરત વધારે હોય છે. હીરો-હિરોઈન નૃત્ય શરૂ કરે, ત્યાં અચાનક આસપાસથી ૧૦ છોકરા અને છોકરીઓ ટોળું ધસી આવે. હીરો-હિરોઈન આગળ નૃત્ય કરે ને પાછળ ટોળું કસરત કરે અથવા એનાથી ઊલટું પણ હોય. મોટા ભાગે તો આગળ કસરત થાય ને પાછળ નૃત્ય ચાલે.ફિલ્મોની ડિમાન્ડ તો એવી હોય છે કે અજય દેવગણ, સલમાન ખાન કે સુનીલ શેટ્ટી જેવા બોડી બિલ્ડરોએ પણ ડાન્સ કરવો પડતો હોય છે. ગોવિંદા જેવો ઉત્સુર્ફ અભિનેતા એક બે ડગલા ચાલે પછી એમાં થોડા નૃત્યના સ્ટેપ ઉમેરી લે. તેનામાં કસરત અને નૃત્યનું અજીબ મિશ્રણ હોય છે. હવે તો ડાન્સ ને કસરતના મિશ્રણવાળું એરોબિક્સ પણ આવી ગયું છે
એક નાટકમાં કોમેડી સીન પતાવીને હિરોઈનને એક્ઝિટ કરવાની હતી ને ત્યાં ઊડતો વાંદો આવ્યો અને તેના ડ્રેસમાં ભરાઈ ગયો. ને એ હિરોઈનની ચાલ, અચાનક ડાન્સ માં ફેરવાઈ ગઈ. લોકોને મજા પડી ગઈ.‘વન્સ મોર-વન્સ મોર’ની ફરમાઇશ આવી. આમ ક્યારેક એકની ગભરાહટ, બીજા માટે ડાન્સ એટલે કે મનોરંજન બની જાય છે.
એક ડાન્સ સ્પર્ધામાં જજે, ભાગ લેનાર કલાકાર ને પૂછ્યું ” તમે બહુ સારો ડાન્સ કરો છો તમે શાની અને ક્યાં ટ્રેનિંગ લીધેલી?
કલાકાર જવાબ આપ્યો- “મેં માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધી છે. બાય ધ વે, માર્શલ આર્ટનો જાણકાર અક્ષયકુમાર પણ ફિલ્મોમા અભિનય એકનો એક પણ ડાન્સ સરર કરતો જ હોય છે ને?
‘જ્વેલથીફ’ ફિલ્મના જાણીતા ગીત ‘હોઠો પે એસી બાત’ ના શુટિંગ અગાઉ નિર્દેશક વિજય અનંદની વિનંતીથી ત્યારની આસિસ્ટંટ ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાને સતત પાંચ મિનિટ સુધી એકધારું એ ગીત પર ડાન્સ કરી બતાવ્યો. દેવ આનંદ અને હિરોઇન બંનેના સ્ટરપ્સ એકલી છોકરીએ સતત ૫ મિનિટ અટક્યા વિના. આ જોઇને તો હીરોઇન વૈજન્તીમાલાના હાંજા ગગડી ગયા. તેણે શુટિંગ કેંસલ કરાવીને કહ્યું”મારે એવો ડાન્સ કરવા માટે ચાર પાંચ દિવસના રિહર્સલ્સ જોઈશે, તો જ હુ આવું કામ કરી શકું. એ જ વૈજયંતીમાલાએ ‘સૂરજ’ ફિલ્મના ગીત ‘કૈસે સમઝાઉ, બડી નાસમઝ હો’માં માત્ર એક જ ટેકમાં એટલે કે એક જ વારમાં આખું ગીત એક જ શોટમાં પરફોર્મ કરેલું.
ખરેખર તો આપણે સૌ મધ્યમ વર્ગના લોકો, મોંઘવારીના તંગ દોર પર ચાલીએ જ છીએને? એ નૃત્ય છે કે કસરત? નેતાઓ વારેવારે પક્ષપલટો કરે રાખે છે, એ ચાંસ પર ડાંસ છે કે કમીની કસરત? પણ વાસ્તવિકતામાં એ ‘લોગ જંપ’ અને ‘હાઈ જંપ’
હોય છે.
આપણે સહુ જીવનમાં પળપળ ડાંસ ને કસરત બેઉ કરતાં હોઇએ છીએ ને?- જાણે-અજાણે!
એંડ ટાઇટલ્સ
ઇવ: તેં પહેલાં કદી ગરબા કરેલા?
આદમ: હા, મનમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular