Homeવીકએન્ડસાપની ગંધ પારખવાની કામગીરી નાક વડે નહીં, પરંતુ તેની જીભ દ્વારા થાય...

સાપની ગંધ પારખવાની કામગીરી નાક વડે નહીં, પરંતુ તેની જીભ દ્વારા થાય છે

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

આ કોલમ લખવાનું ઈજન મને મુંબઈથી મળ્યું ત્યારે મનમાં ઘણી અવઢવ હતી. એક તો મારી એક કોલમ ગાંધીનગર સમાચારમાં ચાલુ જ હતી, બીજો મુદ્દો એ કે મારી છાપ પ્રકૃતિપ્રેમીની અને એમાં પણ ખાસ કરીને સર્પપ્રેમીની. આ કોલમ અંગે ચર્ચા થઈ ત્યારે મારા લીડ કરતા વડીલ મહોદયે મને સ્પષ્ટ કહેલું કે ‘ધર્મેન્દ્રભાઈ, તમે સાપ અંગે બહુ લખો છો, પરંતુ આપણે પર્યાવરણ પર કોલમ કરવાની છે, સાપ પર નહીં.’ મને સારી રીતે ઓળખતા લોકો કલ્પી જ શકે કે મારી ઈગુડી કેટલી હર્ટ થઈ હશે… પરંતુ દરેક વર્તમાનપત્રની પોતાની એક નીતિ હોય અને મારે જો ખરેખર મોટા વર્તમાનપત્રમાં લખવું જ હોય તો આ એક ચેલેન્જ હતી. એમણે મોટે મને કહેલું પણ ખરું કે ‘વન્સ ઈન અ વ્હાઈલ… તમે સાપ પર પણ લખી શકો છો.’
તો આજે ‘વન્સ ઈન અ વ્હાઈલ’ વટાવવાનો સમય પાકી ગયો છે. સર્પો અંગેની મારી પ્રવૃત્તિને દાયકાઓ થઈ ગયા. નામ કમાવા શરૂ કરેલી સર્પ બચાવની ઝુંબેશ ક્યારે વૈચારિક પ્રક્રિયામાં બદલાઈ ગઈ અને એક ચળવળ બની ગઈ તેનું ભાન મને નથી રહ્યું, પરંતુ સર્પ સાથેના મારા આ પ્રલંબ સબંધ દરમિયાન એક સુંદર પરિવર્તનનો સાક્ષી બની શક્યાનો ઘણો જ હરખ છે. હૈયું ખોલીને કહું તો મારી સર્પ બચાવની આ પ્રવૃત્તિની શરૂઆત ગ્લોરી, નેઈમ અને ફેઈમની લાલચથી થયેલી, પરંતુ એમ કરતા કરતા સર્પો અંગેનો મારો અભ્યાસ પણ વધ્યો, જેમ જેમ ‘સર્પ કરડે તો મરી જવાય’ એવા એકવાક્યના મારા જ્ઞાનના અંધકાર પર સર્પોની શરીર રચનાની જટીલતાઓનો પ્રકાશ પડતો ગયો તેમ તેમ અજવાસ ફેલાતો ચાલ્યો. ધીમે ધીમે સર્પો પ્રત્યેનો મારો નજરિયો બદલાતો ગયો અને સર્પો માટેનો મારો ડર આદરમાં પરિણમ્યો.
મને અચરજ એ થયું કે સર્પો પૃથ્વી પર માનવ કરતાં વહેલા આવ્યા, તેની શરીર રચનામાં અનેકાધિક ખામીઓ હોવા છતાં તેણે ‘સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટ’ અને ‘અનૂકૂલન’ ના માધ્યમથી પોતાની જાતને કેટલી ઢાળી છે.
વિશ્ર્વની કોઈ પણ સંસ્કૃતિ લઈ લ્યો, અને જો તમને તેમાં સર્પ ન મળે તો જ આશ્ર્ચર્ય. હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ કે ક્રિશ્ર્ચિયન સંપ્રદાયના સ્પિરિચ્યુઅલ વિશ્ર્વમાં ક્યાંય ને ક્યાંય સર્પ મળી આવશે. મનોવિજ્ઞાનના માનવ ચેતનાના વિવિધ સ્તરો જેવા કે કોન્સિયસ અને સબકોન્સિયસ વર્તનોમાં પણ સર્પના અનુસંધાનો મળી આવે છે. સર્પના શરીરમાં છુપાયેલી એક અજાયબ ખામી અંગે, અને આપણા નાગદેવતાએ તે ખામીનો કેવો અજબ વૈકલ્પિક ઉપાય શોધ્યો છે તે અંગે.
આજે વાત કરવી છે. સાદી ભાષાનું એક વાક્ય લઈએ તો ‘સાપ આ દુનિયાનો નાક વગરનો અથવા તો નકટો જીવ છે.’ હાયલા, સાપ અને નકટો? આપણને થાય કે હા માણસ અને અન્ય જાનવરોને જેવું નાક છે એના જેવું નાક એને નથી, પરંતુ નાકની મુખ્ય ભૂમિકા તો શ્ર્વાસોશ્ર્વાસ લેવાની છે.
બીજી ભૂમિકા સુગંધ પારખવાની છે અને ત્રીજી સામાજિક ભૂમિકા છે. આપણે પ્રતીકાત્મક રીતે નાકને માણસની આબરૂ સાથે જોડી દીધું છે. કોઈને નકટો કહીએ એ તેનું અપમાન થયું ગણાય. હવે વાત આવે છે કે આ સાપ નકટો કેવી રીતે ?
વૈજ્ઞાનિક હકીકત એવી છે કે સર્પનું નાક કુદરતે માત્ર
શ્ર્વાસ લેવા માટે જ બનાવ્યું છે અને આપણી જેમ સાપ નાક વડે સુગંધ પારખી શકતો નથી.
થોડું ઘણું જાણતા લોકો તરત કહેશે કે ‘બે ક્યા ફેંક રહા હૈ?’ કારણ કે સાપ ઉંદરની ગંધ પારખીને તેની પાછળ પાછળ આપણા ઘર સુધી આવી ચડે છે એ સૌ જાણે છે. તો પછી સાપના નાકમાં જો ગંધ પારખવાની ક્ષમતા નથી, તો એ પોતાના શિકારની ગંધ કેવી રીતે પારખતો હશે? આ બાબત ઝૂલોજીના વિદ્યાર્થીઓ અથવા તો પોતાની જાતને ‘હર્પિટોલોજિસ્ટ’ એટલે કે સર્પવિજ્ઞાની ગણાવતા મારા જેવા લોકો સુપેરે જાણતા હોય છે. આપણે કોઈ સાપ જાઈએ એટલે તેનું વર્ણન કરતા ચોક્કસ કહીએ છીએ કે ‘બે યાર એ સાપ તો ફેણ ફુલાવીને કેવા ફુંફાડા મારતો હતો, અને હા… જીભ તો એવી લબલબાવે કે જેવા તેવા તો ડરી જ જાય!’
સાપની ગંધ પારખવાની કામગીરી નાક વડે નહીં, પરંતુ તેની જીભ દ્વારા થાય છે. છે ને અચરજ ? હા, કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને પરિવર્તનોના અંતે આજે આપણી પાસે જે સાપ નામનું પ્રાણી છે તેણે પોતાના નાકની ગંધ પારખવાની ખામીને પહોંચી વળવા માટે અનુકૂલન સાધીને પોતાના તાળવામાં એક ‘જેકબસન ઓર્ગન’ વિકસાવ્યું છે જે સુક્ષ્મમાં સુક્ષ્મ ગંધ પારખવા સક્ષમ છે. પરંતુ આ ઓર્ગન તો તેના મોંની અંદર તાળવામાં છુપાયેલું છે. એના ઉપાય તરીકે સાપે પોતાની જીભને બે ફાંટાવાળી બનાવી છે અને આ બે ફાંટાવાળી જીભને વારંવાર બહાર કાઢીને આસપાસની ગંધના કણોને હવામાંથી આ જીભ પર પકડી પાડે છે.
તેની જીભ અંદર લઈને સાપ આ જેકબસન ઓર્ગનમાં નાખે છે અને તે આ ગંધનું વિશ્ર્લેષણ કરીને તેનો ડેટા તેના અલ્પ વિકસિત દિમાગ સુધી પહોંચાડે છે. ત્યાર બાદ તેનું મગજ આ ડેટાનું એનાલિસીસ કરે છે અને નક્કી કરે છે કે આસપાસ કેવું વાતાવરણ છે, સબ સલામત છે કે નહીં, ખતરો છે કે નહીં . . . અથવા પોતાના શિકારની ગંધને આ રીતે જીભ લબલબાવીને તેની ગંધને અનુસરતો અનુસરતો તેની પાછળ મૃગયા કરવા નીકળી પડે છે.
જો નજર અને જાણવાની ઈચ્છા હોય તો કુદરત આવી તો અનેક અજાયબીઓથી ભરેલું છે. ‘નિસર્ગનો નિનાદ’ની આગામી આપણી સહયાત્રામાં આપણે આવા નાના પણ અજાયબ કરી દેતા આશ્ર્ચર્યોની સન્મુખ થઈશું.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular