નવી દિલ્હી: કેન્દ્રના ઊર્જા ખાતાના પ્રધાન આર. કે. સિંહે સોમવારે વીજપુરવઠાના ગ્રાહકોને સ્માર્ટ પ્રિ-પેઇડ મીટરના ઉપયોગની ભલામણ કરતાં જણાવ્યું હતું કે એ સાધનથી ઇલેક્ટ્રિસિટી સપ્લાયર્સની ‘ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ કોસ્ટ’ ઘટે છે. કારણ કે એ પદ્ધતિમાં ગ્રાહકો તેમના એકાઉન્ટમાં ઍડવાન્સમાં રકમ ભરે છે. આ મીટરથી બિલની રકમમાં સરેરાશ ૨-૨.૫ ટકાનો ઘટાડો થાય છે.
આર. કે. સિંહે સોમવારે ‘એનેબલિંગ એ ક્ધઝ્યુમર-સેન્ટ્રિક સ્માર્ટ મીટરિંગ ટ્રાન્ઝિશન ઇન ઇન્ડિયા’ શીર્ષક હેઠળનો રિપોર્ટનું પ્રકાશન કરતાં જણાવ્યું હતું કે તમારી પાસે સ્માર્ટ પ્રિ-પેઇડ મીટર હોય તો તમને અપાતા વીજપુરવઠાની કિંમત બે થી અઢી ટકા ઘટી જશે. આ પ્રકારના મીટરથી ગ્રાહકોને લાભ થશે. સ્માર્ટ મીટરના વપરાશથી સિસ્ટમ્સના ડિજિટાઇઝેશન અને ઑટોમેશનથી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરી શકાશે. એ મીટર એનર્જી એકાઉન્ટિંગની પડકારરૂપ કામગીરીમાં મદદરૂપ થશે. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ૯૨ ટકા ગ્રાહકોએ ઇન્સ્ટૉલેશનમાં સરળતા અને ૫૦ ટકા ગ્રાહકોએ બિલિંગમાં સુધારો થયો હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટ માટે ૬ રાજ્યોના ૧૮ જિલ્લામાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં આવરી લેવાયેલાં રાજ્યોમાં આસામ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ છે. (એજન્સી) ઉ