Homeપુરુષકાના રામ મેવાડાની નાનકડી પહેલથી આવ્યું મોટું પરિવર્તન

કાના રામ મેવાડાની નાનકડી પહેલથી આવ્યું મોટું પરિવર્તન

રાજસ્થાનનો આ ચાવાળો એક કિલો પ્લાસ્ટિક વેસ્ટ જમા કરાવનારને સાકર, એક છોડ કે પછી રોકડા પચીસ રૂપિયા આપીને પ્લાસ્ટિકમુક્ત ગામના તેના સપનાને સાકાર કરવામાં યોગદાન આપે છે

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

પ્રદૂષણ અને પ્લાસ્ટિક એ એવી સમસ્યા બની ગઈ છે કે જો સમયસર તેનો ઉકેલ નહીં શોધવામાં આવે તો ભવિષ્યમાં માઠાં પરિણામો આવનારી પેઢીએ ભોગવવાં પડશે, પણ આપણે શું કરીએ છીએ, બસ આ સમસ્યા વિશે વાત કરીએ છીએ, તેને કઈ રીતે નાથી શકાય એની ચર્ચા કરીએ છીએ અને બસ ચિંતા વ્યક્ત કરીને બેસી જઈએ છીએ શાંતિથી એવું વિચારીને કે મારા એકલાથી શું થઈ શકવાનું છે? પણ આજે આપણે અહીં વાત કરીશું એક એવી પર્સનાલિટીની કે જેણે પોતાનો ધંધો સંભાળવાની સાથે સાથે જ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી પણ સારી પેઠે નિભાવી જાણી છે અને એ પણ એકલા હાથે. આ માટે આપણે પહોંચી જવું પડશે રાજસ્થાનના એક નાનકડા ગામ બિસલપુરમાં આવેલી ચાની ટપરી પર. ચાની આ ટપરી ચલાવે છે કાના રામ મેવાડા. તેમની દુકાનમાં સ્ટૂલથી લઈને ટેબલ સુધીની મોટા ભાગની વસ્તુઓ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલી ઈકો બ્રિકમાંથી બનાવવામાં આવી છે એટલું જ નહીં, દરરોજ આબાલ-વૃદ્ધો, અરે ગામની નજીક આવેલા જાવઈ ડેમ ફરવા આવેલા ટૂરિસ્ટ પણ તેમને પ્લાસ્ટિક વેસ્ટ આપવા માટે આવે છે, જેથી બધા સાથે મળીને એક પ્લાસ્ટિકમુક્ત ગામનું નિર્માણ કરી શકે.
છેલ્લા એક વર્ષથી કાના રામ પોતાના ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવા માટે આ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમની આ અનોખી પહેલનું જ પરિણામ છે કે આજે એમના ગામમાં લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકને અહીંયાં-ત્યાં ફેંકવાને બદલે રિસાઈકલ કરવા માટે આપે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના ૨૦૧૯-૨૦માં આવેલા એક અહેવાલ પર જો વિશ્ર્વાસ કરવામાં આવે તો આપણા દેશમાં આખા વર્ષ દરમિયાન ૩.૫ મિલિયન મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે, જે આવનારાં કેટલાંય વર્ષો સુધી લેન્ડફિલમાં પડ્યો રહેવાનો છે. એવામાં ભારત જ નહીં, પણ દુનિયાભરમાં ફેલાયેલી આ સમસ્યાનો ઉકેલ કોઈ બીજા પાસે જઈને શોધવા કે પછી સરકાર પર નિર્ભર રહેવાને બદલે કાના રામે ખુદ પોતાની જવાબદારી સમજીને પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું.
રાજસ્થાનના નાનકડા ગામમાં ચાની ટપરી ચલાવનારા કાના રામે પોતાના ગામમાં એ કરી દેખાડ્યું છે જે દેશનાં અનેક મોટાં મોટાં શહેરોની મહાપાલિકાઓ કરોડો રૂપિયાનું કેમ્પેઈન અને પ્લાનિંગ કરીને પણ નથી કરી શકી. પોતાના આ અનોખા પ્રોજેક્ટ વિશે વાત કરતાં કાના રામ જણાવે છે કે ‘અમારા ગામમાં દિલીપકુમાર જૈન રહે છે. આ દિલીપભાઈ મુંબઈમાં કોઈ એનજીઓ સાથે સંકળાયેલા છે અને તેમણે જ મને તેમની એનજીઓની મદદથી પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાની પહેલને શરૂ કરવાનો આઈડિયા આપ્યો હતો. અમે લોકોએ એક-બે કિલો પ્લાસ્ટિક એકઠા કરવાથી આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. પહેલાં હું મારી દુકાનમાં જ એકઠું થનારું સિંગલ યુઝ પ્લાસ્ટિક ભેગું કરતો હતો, પણ ધીરે ધીરે મેં ગામવાસીઓને અને શાળાનાં બાળકોને આવું કરવા માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો અને વધુમાં વધુ લોકો મારી સાથે જોડાવા લાગ્યા.’
વધુમાં વધુ લોકો પ્લાસ્ટિકમુક્ત ગામ બનાવવાની કાના રામની ઝુંબેશ સાથે જોડાતા ગયા અને એ જોઈને કાના રામે પણ એક અલગ પ્રકારની સ્કીમ બનાવવાનું નક્કી કર્યું. જે કોઈ પણ વ્યક્તિ તેમની પાસે પ્લાસ્ટિક વેસ્ટ લઈને આવે છે એના બદલામાં કાના રામ તેને કંઈ ને કંઈ ચોક્કસ આપે છે. એક કિલો પ્લાસ્ટિક વેસ્ટને બદલે કાના રામ લાવનારને સાકર, એક છોડ કે પછી ૨૫ રૂપિયા રોકડા આપે છે. કાના રામનું ગામ જાવઈ ડેમની નજીક આવેલું છે, જ્યાં આખું વર્ષ પર્યટકોની ભરમાર જોવા મળે છે, જે પોતાની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ લાવે છે. આમ ગામમાં કે આસપાસમાં ફેંકવામાં આવનાર પ્લાસ્ટિક વેસ્ટ સીધું રિસાઈકલ થવા માટે પહોંચી જાય છે કાના રામ પાસે.
એટલું જ નહીં, લોકો અહીંયાં-ત્યાં બેજવાબદારીપૂર્વક કચરો ફેંકતા હતા જે કારણસર ગામની આસપાસમાં આવેલાં વન-વગડા, જમીન અને નદીનું પાણી પ્લાસ્ટિક વેસ્ટને કારણે દૂષિત થતું હતું તે પણ અટકી ગયું. કાના રામની પ્લાસ્ટિકમુક્ત ગામની ઝુંબેશ એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે અહીંના બધા જ ટૂરિસ્ટ ગાઈડ, પર્યટકોને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકવાને બદલે જમા કરીને કાના રામને સોંપવા માટે પ્રોત્સાહિત કરે છે.
વાતનો દોર આગળ વધારતાં કાના રામ જણાવે છે કે ‘દર મહિને આશરે હું ૫૦ કિલો જેટલો પ્લાસ્ટિક વેસ્ટ જમા કરું છું અને તેને હું ખુદ રિસાઈકલ કરું છે અને શહેરમાં આવેલી રિસાઈક્લિગં કંપનીઓને પણ પહોંચાડું છું. જો હું એક અદનો ચાવાળો થઈને ગામમાં અને ગામવાસીઓની માનસિકતામાં પરિવર્તન લાવી શકતો હોઉં તો જરા વિચાર કરો કે જો આપણે બધા સાથે મળીને આ દિશામાં પ્રયાસ કરીશું તો આપણે આપણા લક્ષ્ય પ્લાસ્ટિક ફ્રી દેશના લક્ષ્યને ચોક્કસ જ હાંસિલ કરી શકીશું.’
કાના રામની વાતમાં દમ તો છે કે જો એક નાનકડા ગામમાં નાનકડી પહેલ કરીને તેઓ પરિવર્તન લાવી શકતા હોય તો પછી આપણા બધાના સહિયારા પ્રયાસમાં તો કેટલી બધી તાકાત હોવી જોઈએ? જરૂર છે બસ સાચા મનથી નિર્ધાર કરીને પહેલના શ્રી ગણેશ કરવાની… સલામ છે કાના રામ અને તેમની અનોખી વિચારધારાને, સમાજ પ્રત્યેની તેમણે સમજેલી જવાબદારીને…

RELATED ARTICLES

Most Popular