Homeદેશ વિદેશઈપીએફના વ્યાજદરમાં મામૂલી વધારો

ઈપીએફના વ્યાજદરમાં મામૂલી વધારો

દેશભરના કરોડો નોકરિયાતો નારાજ

નવી દિલ્હી: એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)ના વર્ષ ૨૦૨૨-૨૩ માટેના વાર્ષિક વ્યાજદરમાં માત્ર ૦.૦૫ ટકાનો વધારો કરીને ૮.૧૫ કરાતા કરોડો નોકરિયાતમાં નારાજગી જોવા મળી હતી. હાલના તબક્કે ઈપીએફના છ કરોડથી વધુ ખાતેદાર છે. રિઝર્વ બૅન્ક છેલ્લા થોડા સમયથી ઈપીએફના વ્યાજદરમાં ૦.૩૫ ટકાથી ૦.૨૫ ટકા જેટલો વધારો કરી રહી છે ત્યારે ઈપીએફના વ્યાજદરમાં માત્ર ૦.૦૫ ટકાનો કરાયેલો વધારો બહુ જ ઓછો ગણાય.
માર્ચ ૨૦૨૨માં ઈપીએફઓએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઈપીએફના વાર્ષિક વ્યાજદરમાં ઘટાડો કરતા વ્યાજદર વર્ષ ૨૦૨૦-૨૧ના ૮.૫ ટકાથી ઘટીને ચાર દાયકાની સૌથી નીચી સપાટીએ એટલે કે ૮.૧૦ ટકા પર પહોંચી ગયો હતો. આ વ્યાજદર વર્ષ ૧૯૭૭-૭૮ બાદનો સૌથી ઓછો વ્યાજદર હતો. વર્ષ ૧૯૭૭-૭૮માં
ઈપીએફનો વ્યાજદર આઠ ટકા હતો.
કેન્દ્રના શ્રમ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવના વડપણ હેઠળની ઈપીએફઓની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીસ (સીબીટી)એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઈપીએફની જમા થયેલી રકમ પર વાર્ષિક ૮.૧૫ ટકાના વ્યાજદરે વ્યાજની રકમ ઈપીએફના સભ્યોના ખાતામાં જમા કરવાની ભલામણ કરી હોવાનું શ્રમ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નાણા ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ત્યાર બાદ ઈપીએફઓ સભ્યોના બૅન્ક ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવશે.
ભલામણ કરવામાં આવેલો ૮.૧૫ ટકાનો વ્યાજદર ઈપીએફઓના સભ્યોની આવકમાં વધારો અને સરપ્લસ રકમની સુરક્ષા કરશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
વ્યાજદર અને રૂ. ૬૬૩.૯૧ કરોડની સરપ્લસ રકમ ગયા વરસની સરખામણીએ વધુ હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ઈપીએફઓના ઈન્કમ પ્રોજેક્શન મુજબ જો વર્ષ ૨૦૨૨-૨૩ માટે વ્યાજદર ૮.૨૦ ટકા કરવામાં આવ્યો હોત તો સંસ્થા પાસે રૂ. ૧૧૨.૭૮ કરોડ સરપ્લસ રહેત.
જો વ્યાજદર ૮.૨૫ ટકા કરવામાં આવ્યો હોત તો ખાધની રકમનો આંક રૂ. ૪૩૮.૩૪ કરોડ પર પહોંચ્યો હોત.
શ્રમ ખાતાના જણાવ્યા અનુસાર આ ભલામણને કારણે ઈપીએફના સભ્યોની કુલ રૂ. ૧૧ લાખ કરોડની મૂળ રકમ પર વ્યાજ પેટે રૂ. ૯૦,૦૦૦ કરોડ કરતા પણ વધુ રકમ જમા કરાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૧-૨૨માં ઈપીએફના સભ્યોની કુલ રૂ. ૯.૫૬ લાખ કરોડની મૂળ રકમ પર વ્યાજ પેટે રૂ. ૭૪,૪૨૪ કરોડ જમા કરાવવામાં આવ્યા હતા. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -