ગીતા-મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં આપણે ગીતાના બુદ્ધિયોગને સમજ્યા. આ અંકમાં ભગવાન અને ગુરુ કેવી રીતે એક કુશળશિલ્પીની જેમ આપણને બુદ્ધિયોગ આપીને આપણું ઘડતર કરે છે તે સમજીએ.
ગમે તેવી ફળદ્રુપ જમીન હોય, સારું બિયારણ, ગુણવત્તા સભર ખાતર
અને પાણી હોય, પરંતુ જો ખેડૂત જ ન હોય તો ?
આધુનિક સાધનોથી સુસજજ મલ્ટિનેશનલ હૉસ્પિટલ હોય, પણ ડોક્ટર જ ન હોય તો ?
સુંદર કોલેજ હોય, સુવિધા હોય, સારા વર્ગખંડો અને પ્રયોગશાળા હોય, પરંતુ આચાર્ય જ ન હોય તો ? તેમ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા મુમુક્ષુઓ પાસે શાસ્ત્ર, મંદિર, તીર્થ બધું જ હોય પણ જો સાચા ગુરુ ન હોય તો કાંઈ કામ ન થાય. કારણ…આ લોકની સામાન્ય વિદ્યા શિખવા માટે પણ ગુરુની જરૂર પડે છે તેવી જ રીતે ભગવાનને પામવા માટે પણ ગુરુની જરૂર પડે છે. જેમ ધાતુ, કાષ્ઠ, પાષાણ અને માટી તેમાં આપણને કોઈ ઘાટ નથી દેખાતો, પરંતુ કુશળ શિલ્પી તેમાં અનેક ઘાટ રચે છે એવો એનો પ્રતાપ છે. તેમ ગુરુ પોતાનાં શિષ્યનાં અણઘડ જીવનને પોતાના અનુભવ રૂપી ટાંકણાથી અને જ્ઞાનરૂપી હથોડાથી એવું ઘડતર કરે છે કે શિષ્યનું જીવન સુંદર મૂર્તિ સમાન નિખરી ઊઠે છે. શાસ્ત્રની કથા છે. એક બાળક ગુરુ પાસે જઈને કહે છે : ભગવન્ ! હું મારા કુળ અને ગોત્ર જાણતો નથી, પરંતુ મારી માતાના નામ પરથી મને લોકો સત્યકામ જાબાલ કહે છે.
બ્રહ્મવિદ્યા ભણવાના આશયથી આવેલા આ બાળકને ગૌતમ ઋષિ ૪૦૦ કૃશ ગાયો આપી કહે કે, ‘આ ગાયો લઈને વનમાં ચરાવવા જા અને ૧૦૦૦ ગાયો થાય ત્યારે પાછો આવજે !’ કોઈ માર્ગદર્શન નહિ, કોઈ મદદ કે સલાહ નહિ ફક્ત ગુરુ આજ્ઞાનાં બળે સત્યકામ વનમાં જાય છે. વર્ષો પછી ૧૦૦૦ ગાયો લઈને જ્યારે પાછો ફરે છે ત્યારે બ્રહ્મજ્ઞાન તેના મુખ પર ઝળહળતું હોય છે.
ગુરુની મરજીમાં યા હોમ થઈ જવું એ જ જ્ઞાન પ્રાપ્તિનો સર્વોચ્ચ ઉપાય છે. સાગરમાંથી મોતી મેળવવા માટે મરજીવા થવું પડે તેમ ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુવચને ચુરેચુરા થઈને તેમની મરજીના મરજીવા થવું પડે છે. ગુરુ દિન કહે તો દિન અને રાત કહે તો રાત. હવાઈ ટાપુનાં શૈવ સંપ્રદાયના ધર્મગુરુ સ્વામી શિવાય સુબ્રહ્મણ્યમજી આ પૃથ્વી પર વસતા દરેક શિષ્યને કથીરમાંથી કુંદન બનવા માટે અને ગુરુને પ્રસન્ન કરવાની ગુરુચાવી બતાવતા જણાવે છે કે , ઘબયુ ુજ્ઞીિ લીિી, જ્ઞબયુ ુજ્ઞીિ લીિી, જ્ઞબયુ ુજ્ઞીિ લીિી અર્થાત્ તમારા ગુરુની આજ્ઞા પાળો, આજ્ઞા પાળો આજ્ઞા પાળો.
ધૌમ્ય મહર્ષિનો આજ્ઞાપાલક શિષ્ય આરુણિ હોય કે પછી માટીમાંથી નિર્માણ કરેલી ગુરુમૂર્તિમાંથી પ્રેરણા મેળવીને શ્રેષ્ઠ ધનુર્ધર થયેલ એકલવ્ય હોય, તેઓ પોતાના ગુરુદેવ પ્રત્યેની ગુરુભક્તિ અદા કરીને તેમનાં વચનને પોતાનાં જીવનનો મંત્ર અને સિદ્ધાંત બનાવ્યો. અને તે પ્રમાણે પોતાનું આયખું ઓગાળ્યું તો ઇતિહાસનાં પૃષ્ઠો પર અમર થઈ ગયા.
જ્યારે કોઈ સાધક ગુરુની આજ્ઞામાં સમિધ થઇને હોમાઈ જાય, ત્યારે જ તેના શિર પર ગુરુકૃપાનો અભિષેક થાય છે.ખરેખર, ભારતીય સંસ્કૃતિ બ્રહ્મનિષ્ઠ ગુરુઓ અને આત્મનિષ્ઠ અને આજ્ઞાપાલક શિષ્યોનાં સ્નેહ સંબંધોથી સુવાસિત રહી છે. ગુરુને રાજી કરવા માટે હથેળીમાં મસ્તક રાખી ગુરુ વચને પોતાનાં દેહનાં ચુરે ચુરે કરી પોતાના અસ્તિત્વને ગુરુ આજ્ઞામાં વહેતુ મૂકનાર શિષ્યો આ ભૂમિમાં અનેક થયા છે અને થતા રહેશે.
પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર પોતાના ગુરુની સ્મૃતિ કરતાં પ્રસંગ કહેતા કે ગુરુ શાસ્ત્રીજી મહારાજે પોતાના અનુગામી શિષ્ય યોગીજી મહારાજને એકવાર મુસાફરી દરમિયાન સહજમાં કહ્યું કે ‘જોગી તમારે મુસાફરી દરમિયાન કંઈ ના લેવું’ આવી સામાન્ય આજ્ઞા, છતાં પોતાના ગુરુની પ્રસન્નતા ખાતર યોગીરાજે આજીવન અર્થાત્ ૪૦ વર્ષ સુધી એ નિયમ પાળ્યો. પાળ્યો એટલું જ નહિ ગમે તેટલી લાંબી મુસાફરી હોય છતાં જળનું ટીપું સુધ્ધાં ગ્રહણ નથી કર્યું.
અને હા, પ્રમુખસ્વામી મહારાજને એક ક્ષણ માટે ગુરુ શાસ્ત્રીજી મહારાજે એકવાર છબિ પડાવતી વખતે હાથ જોડવાની આજ્ઞા કરી તો ૯૫ વર્ષનાં જીવનકાળમાં છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે દરેકને હાથ જોડ્યા છે. તે પછી નાનો હોય કે મોટો ગરીબ હોય કે તવંગર અરે ગમે તે ધર્મના કે જ્ઞાતીનાં હોય, છતાં હાથ જોડીને પોતાની ગુરુ ભક્તિ અદા કરી છે. ખરેખર એવો જીવન મંત્ર ધરાવનારા આદર્શ અને આજ્ઞાંકિત શિષ્યોનાં ચરણોમાં કોટી કોટી વંદન.