અમેરિકાના વર્જિનિયામાં ફાયરીંગની ચોંકાવનારી ઘટના બની છે. શુક્રવારે બપોરે વર્જિનિયાની એક સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતા છ વર્ષના વિદ્યાર્થીએ શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં શિક્ષિકાને ગંભીર ઈજા પહોંચી છે. ફાયરિંગની ઘટના બાદ સ્કૂલમાં અંધાધૂંધી મચી ગઈ હતી અને બાળકો ગભરાઈ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે વર્જિનિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ વિસ્તારની રિક્નેક એલિમેન્ટરી છ વર્ષના વિદ્યાર્થીએ 30 વર્ષીય શિક્ષિકા પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ પોલીસે બાળકને કસ્ટડીમાં લીધો હતો. શિક્ષિકાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સ્થિતિમાં થોડો સુધારો થયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે કે આ આકસ્મિક ગોળીબારનો મામલો નથી. બાળકે જાણી જોઇને શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. અધિકારીએ કહ્યું કે શિક્ષિકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો જેને કારણે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ બંદૂકથી શિક્ષિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ સામેલ નથી. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ આ કેસમાં મદદ માટે કોમનવેલ્થ એટર્ની અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે.