વ્યાજદર વધારવામાં ફેડરલ આક્રમક વલણ નહીં અપનાવે એવો સંકેત

વેપાર વાણિજ્ય

સોનું ₹ ૩૮૦ ઉછળીને ₹ ૫૧,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૧૩૨ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ નહીં અપનાવવામાં આવે એવો નિર્દેશ આપતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯થી ૩૮૦નો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા મજબૂત થયો હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૧૩૨નો ચમકારો આવ્યો હતો. આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૯ વધીને રૂ. ૫૧,૦૧૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮૦ વધીને રૂ. ૫૧,૨૨૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૩૨ની તેજી સાથે રૂ. ૫૫,૯૭૨ના મથાળે રહ્યા હતા.
વધતા ફુગાવાને ડામવા માટે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે સતત બીજી વખત વ્યાજદરમાં અપેક્ષાનુસાર ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ફેડરલના અધ્યક્ષે વ્યાજદરમાં વધારો કરવામાં આક્રમક વલણ અપનાવવામાં નહીં આવે એવો સંકેત આપતા આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૧૭૪૫.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૪ ટકા વધીને ૧૭૪૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. એકંદરે ફેડરલ રિઝર્વના અધ્યક્ષે વ્યાજદરની સમીક્ષા કરવા માટેનો માર્ગ ખુલ્લો રાખ્યો હોવાથી આગામી વર્ષમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા ધૂંધળી હોવાનું વિશ્ર્લેષક એડવર્ડ મેઈરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતા આગામી ટૂંકા સમયગાળા અર્થાત્ એકાદ મહિના સુધી સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૭૮૦થી ૧૮૦૦ ડૉલરની રેન્જમાં અથડાતા જોવા મળે તેવી શક્યતા જણાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.