શ્રદ્ધાનો સમંદર

ધર્મતેજ

પ્રમુખ ચિંતન – સાધુ આદર્શજીવનદાસ

પ્રિય વાચકો ! અત્યારે ચાલી રહેલા શ્રાદ્ધ પર્વ માટે કહેવાયું છે : श्र अस्ति अस्मिन् इति श्राम् અર્થાત્ શ્રદ્ધા સહિત જે કરવામાં આવે તે શ્રાદ્ધ.
આમ, શ્રાદ્ધનો સંબંધ શ્રદ્ધા સાથે છે. આવી શ્રદ્ધાને ‘સત્સંગિજીવન’ ગ્રંથ સદ્ગુણોની જનની ગણાવતાં કહે છે :ते श्रद्धा मातेय सर्वेषाम्। ભગવદ્ગીતા પણ કહે છે : श्रद्दामयोऽयं पुरुषो यो यच्छूद्द्धः स एव सः।’ અર્થાત્ દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી એની શ્રદ્ધા તેવો તે હોય છે.
આમ, મનુષ્યના ઘડતરનો મોટો આધાર શ્રદ્ધા પર અવલંબિત છે. આવી શ્રદ્ધા પ્રથમ તો ભગવાન પર રાખવાની છે. સ્વામી વિવેકાનંદ કહેતા : ‘વિશ્ર્વની કોઈપણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્રોત, તેમની ભગવાન પરની શ્રદ્ધા રહેલી છે.’ આ શ્રદ્ધાના સહારે મનુષ્ય વિઘ્નોની વૈતરણીને સહેલાઈથી પાર કરી જાય છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે પાંડવો. તેઓનો શ્રીકૃષ્ણ પરનો અતૂટ વિશ્ર્વાસ તેઓને મુશ્કેલીઓમાંથી માર્ગ દર્શાવતો ગયેલો.
તા. ૧૦/૭/૧૯૮૫ની રાત્રે ઍર ઈન્ડિયાના વિમાન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ લંડન જવાના હતા. પરંતુ જૂનના ત્રીજા અઠવાડિયામાં ત્રાસવાદીઓએ કેનેડાથી આવતા ઍર ઈન્ડિયાના એક વિમાનને બૉમ્બ દ્વારા આકાશમાં જ ફૂંકી મારેલું. તેથી લંડનના હરિભક્તો ફોન દ્વારા વિનંતી કરી રહેલા કે ‘સ્વામી ! આપ ઍર ઈન્ડિયાને બદલે બીજી ઍર લાઈન્સમાં પધારો.’ કારણ કે ‘આતંકવાદીઓએ ધમકી ઉચ્ચારેલી કે ઍર ઈન્ડિયાનું દરેક પ્લેન જોખમમાં છે.’
આ દમદાટીને કારણે ઍર ઈન્ડિયાના બુકીંગો ધડાધડ રદ થવા લાગેલા. પરંતુ સ્વામીશ્રીએ જણાવ્યું કે ‘તમને ભગવાન પર વિશ્ર્વાસ નથી? ભગવાન ઉપર વિશ્ર્વાસ રાખો. કાંઈ ચિંતા કરવા જેવી નથી.’
ભગવાન પરની આવી અટલ આસ્થાના બળે તેઓએ ઍર ઈન્ડિયાના જ વિમાનમાં બેસી પ્રયાણ કરેલું.
આ સાથે પ્રમુખસ્વામી મહારાજને માનવમાત્ર પર પણ અપાર શ્રદ્ધા હતી. એકવાર ખેડા પધારેલા તેઓનાં દર્શન માટે આવેલા સમાજસેવક અયાન બુગ્ગારમ નશાબંધી, ચારિત્ર્ય-નિર્માણ વગેરે પ્રવૃત્તિઓ ચલાવી રહેલા. તેઓએ વાત કરી કે ‘સ્વામી ! મેં પીઢ સમાજસેવકો સાથે પચીસ વર્ષ કામ કર્યું છે. પરંતુ તેઓ બધા કંટાળીને, સમાજમાં કંઈ સુધારો ન જોતાં, નાસીપાસ થઈને આ કાર્ય છોડી ગયા છે; પણ મેં આ કાર્ય ચાલુ રાખ્યું છે.’
આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા : ‘તમે છોડતા નહીં. અમે પકડી રાખ્યું છે અને અમે પણ છોડવાના નથી. આપણે આ જ કરવાનું છે.’
સંસ્કાર-દાનની સમાજસેવા ભલભલા સમાજસેવકો માટે પાણીપત જેવી પુરવાર થઈ છે. આ રણમેદાનમાં કેટલાય યોદ્ધાઓ પલાયન થઈને અરણ્ય-રુદન કરવા લાગ્યા છે, તો કેટલાકે પોતાના પ્રયત્નોની વિફળતાથી હતાશ થઈને જિંદગીઓ ટૂંકાવી દીધી છે. ‘પોતાની હાર પચાવી ન શકનારા કેટલાક સમાજ સુધરે એમ નથી’ કહી સમાજને ભાંડવા લાગ્યા છે. આવા હતાશોની હરોળથી પ્રમુખસ્વામી મહારાજ તદ્દન જુદા હતા.
તેથી તેઓએ તા. ૨૭/૪/૧૯૯૧ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી સિતાંશુ યશશ્ર્ચન્દ્રને કહેલું કે આપણે થાય એ કરવાનું. શ્રદ્ધા ન ગુમાવવી. ‘આજે કોઈ સુધરે એમ જ નથી, માટે મૂકો આ માથાકૂટ’ એ ન થવું જોઈએ. ‘૧૦૦ જણને વાત કરીએ એમાં એક સુધરે એનેય અમારું કામ સાર્થક થયું એમ અમે માનીએ છીએ.’
જન-જનના ઉદ્ધારની આવી અસીમ શ્રદ્ધા સાથે ઘૂમતા પ્રમુખસ્વામી મહારાજે તા. ૫/૯/૧૯૮૯ની સવારે દક્ષિણ ગુજરાતના સાંકરી ગામે એક સ્થાનિક રહીશને જોતાં જ પૂછેલું : ‘કાલે તમને યાદ કર્યા’તા. કેમ આવ્યા નહીં ?’
‘સ્વામી ! બહાર ગયેલો.’
‘અમે અહીં આવીએ ત્યારે તમારે બહાર ન જવું. સુખિયા કરવા છે.’ આમ કહેતાં સ્વામીશ્રીએ તેઓને દારૂનું વ્યસન છોડવા વાત કરેલી – સાતમી વખત !
આ જ રીતે તા. ૧૫/૧૧/૧૯૮૯ના રોજ તેઓ પાસે આવેલા ખંભાતના એક સામાન્ય ભક્તે ધા નાંખેલી કે ‘સ્વામી ! દીકરો દારૂની લતે ચડી ગયો છે. તેની ઉપર દયા કરો.’
‘અહીં લઈ આવજો ને !’
‘એકવાર લાવ્યો છું, પણ મૂક્યું નથી.’
‘ફરીવાર લાવજો. એકવાર કહીએ ને થોડા દિ’ મૂકે ને પાછું ચાલુ કરે તો બીજીવાર વાત કરીએ. એમ બે-પાંચ વાર વાત કરીએ એટલે મૂકી દેશે.’ સ્વામીશ્રીએ કહેલું.
તેઓ અનિષ્ટ સામેની લડાઈમાં કદી નિરાશ થયા નહોતા, કારણ કે તેઓ પાસે શ્રદ્ધાનું શસ્ત્ર હતું. તે વડે તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૪૦ લાખથી વધુ વ્યક્તિઓને વ્યસનમુક્ત કરેલા. તેઓના આવા જીવનપ્રસંગો શ્રદ્ધાના શિખર પર ફરકતી ધજા જેવા છે. તે આપણને સમજાવે છે કે ‘ શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય…’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.