એવું એક સમૃદ્ધ ગામ જ્યાં બધા લોકો કપડાં વગર રહે છે…

દેશ વિદેશ સ્પેશિયલ ફિચર્સ

આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં ઘણા વિચિત્ર કિસ્સા જોવા મળે છે, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એક એવા જ ગામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કારણ કે અહીંના લોકો કપડાં જ પહેરતા નથી. તેમના જન્મ સમયના વસ્ત્રોમાં (બર્થ-ડે સ્યૂટ) જ રહે છે. એવું નથી કે તેઓ બધા ગરીબ છે અથવા તો તેમની પાસે પહેરવા માટે કપડાં નથી. પરંતુ આ ત્યાંની વર્ષો જૂની પરંપરા છે. ગામના લોકોને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને રહેવું ગમે છે.
આ ગામ યુકેના હર્ટફોર્ડશાયરમાં આવેલું છે. ગામનું નામ છે સ્પીલપ્લાટ્ઝ. આ ગામના લોકો લગભગ 85 વર્ષથી કપડા વગર જીવે છે. તેઓ બહાર જાય કે કોઇને ઘરે જાય તો પણ કપડા વગર જ જાય છે. આ ગામના લોકો ભણેલા, ગણેલા સંપૂર્ણ શિક્ષિત છે. તેમની પાસે સંપત્તિ પણ છે, પરંતુ, તેમ છતાં, બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો બધા જ કપડા વિના જીવે છે. મોટી વાત એ છે કે આમ રહેવામાં કોઈને શરમ, અસહજતા કે અસ્વસ્થતા નથી લાગતી.
આ ગામમાં પબ, સ્વિમિંગ પૂલ, ક્લબ જેવા મોજશોખના તમામ સાધનો ઉપલબ્ધ છે, પણ દરેક વ્યક્તિ અહીં નગ્ન અવસ્થામાં જ રહે છે. જ્યારે આ ગામના લોકો બીજા ગામમાં કે કશે બહાર સામાન લેવા જાય ત્યારે કપડાં પહેરીને જાય છે, પણ ગામમાં પ્રવેશતા પહેલા પાછા કપડા ઉતારી નાખે છે. આ સિવાય જ્યારે ઠંડી હોય ત્યારે લોકોને કપડાં પહેરવાની છૂટ હોય છે. અથવા જો કોઈ અન્ય કારણોસર કપડાં પહેરવા માંગે છે, તો તે પહેરી શકે છે. જ્યારે પણ કોઈ પ્રવાસી અહીં રહેવા માટે આવે છે ત્યારે તેણે પહેલા પોતાના કપડા ઉતારવા પડે છે.
આ ગામમાં કપડાં વગર ફરવું સામાન્ય છે. લોકો તેમના રોજીંદા કામ કપડા વગર કરે છે. અહીં દરેક વ્યક્તિ નગ્ન રહે છે, તેના કારણે કોઈને અજુગતું નથી લાગતું. અગાઉ આ ગામ લોકોની નજરથી દૂર હતું. પરંતુ જ્યારે એક પ્રવાસીએ અહીંની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તો આ ગામની વાત દુનિયામાં ફેલાઈ ગઈ.
આજના યુગમાં જ્યારે લોકો લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરતા હોય, એવા કપડાં ખરીદતા હોય જે ફેશનમાં ટ્રેન્ડ કરી રહ્યાં હોય, અભિનેતાઓ-મોડલ્સની શૈલીની નકલ કરતા હોય ત્યારે આમ સાવ દિગંબર અવસ્થામાં રહેતા મોર્ડન લોકો વિશે જાણીને જરૂર અચરજ થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.