(વાણિજય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટા નબળા આવતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સતત બીજા સત્રમાં કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલ અને ટીનની આગેવાની હેઠળ કોપર અને બ્રાસની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૮૦નો ઘટાડો આવ્યો હતો. જોકે આજે ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. ૨નો સુધારો આવ્યો હતો અને એલ્યુમિનિયમમાં ટકેલું વલણ રહ્યું હતું. ચીનના આર્થિક ડેટા નબળા આવતા વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે સતત બીજા સત્રમાં સત્રના આરંભે સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ટનદીઠ ૭૯૫૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૮૦ ઘટીને રૂ. ૧૯૨૦, ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૨૧૭૫, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૬૦૫, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૬૪ અને રૂ. ૬૯૧, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૬૬૦ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૬૫૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૪૭૫ અને રૂ. ૧ ઘટીને રૂ. ૫૧૯ના મથાળે રહ્યા હતા. જોકે આજે માત્ર ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૩૪૦ અને રૂ. ૨ વધીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૪ અને રૂ. ૨૧૮ની સપાટીએ ટકેલા રહ્યાના અહેવાલ હતા.

Google search engine