પુરુષ

સિમેન્ટનાં જંગલો છોડીને ફરી વતનની ધરતીમાં હરિયાળીની વચ્ચે જઈને રહેવાનો લહાવો બધા લઇ શકતા નથી, પણ નવસારીના નિવૃત્ત એન્જિનિયર સુરેશચંદ્ર પટેલ આવા ભાગ્યશાળી છે. તેમનું ઘર કોઈ ફાર્મ હાઉસથી ઓછું નથી

ફોકસ-પ્રથમેશ મહેતા

કહેવાય છે કે એક વાર જે ગામ છોડીને શહેરમાં આવી જાય પછી તેને ફરી ગામડે જવાનું મન થતું નથી અથવા એમ કહીએ કે શહેરની ઝાકઝમાળ અને જીવનશૈલી છોડીને જઈ શકાતું નથી. તેમ છતાં જો માણસ જતી જિંદગીએ પણ ગામ પાછો ફરે તો મોટે ભાગે બે જ કારણ હોય છે, વતનપ્રેમ અથવા પ્રકૃતિપ્રેમ.
સિમેન્ટનાં જંગલો છોડીને ફરી વતનની ધરતીમાં હરિયાળીની વચ્ચે જઈને રહેવાનો લહાવો બધા લઇ શકતા નથી, પણ નવસારીના રિટાયર્ડ એન્જિનિયર સુરેશચંદ્ર પટેલ આવા ભાગ્યશાળી છે. તેમનું ઘર કોઈ ફાર્મ હાઉસથી ઓછું નથી. એમનો આખો પરિવાર ૮,૦૦૦થી પણ વધારે છોડની કાળજી રાખે છે.
સિત્તેર વર્ષની ઉંમરે પણ યુવાન જેવી સ્ફૂર્તિથી જીવતા સુરેશચંદ્ર પટેલ વર્ષ ૨૦૧૧માં નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ જ્યારે એક કાયમી ઘર બનાવવા માગતા હતા, ત્યારે તેમણે એમના પિતૃક ગામમાં મળેલી જમીન પર ઘર બનાવવાનું વિચાર્યું. સુરેશને હતું કે વર્ષો સુધી શહેરમાં રહ્યા બાદ, એમની પત્ની અને દીકરી ગામમાં રહેવા તૈયાર નહીં થાય, પરંતુ સુરેશચંદ્રની જેમ એમના આખા પરિવારને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે અને તેથી જ એમણે સુરેશચંદ્રના આ નિર્ણયમાં સાથ આપ્યો.
ખેડૂતના પુત્ર હોવાથી સુરેશચંદ્રને હંમેશાં ખેતીમાં રસ હતો, પરંતુ ભણતર અને નોકરીને કારણે એમનો શોખ છૂટી ગયો હતો, તેથી જ્યારે એમને ગામમાં જઈને રહેવાનો મોકો મળ્યો કે એ તરત તૈયાર થઇ ગયા અને છેલ્લાં દસ વર્ષથી એ ગામમાં એક ખેડૂત તરીકે રહે છે.
એમની પત્ની હર્ષા પટેલ અને દીકરી ડો. બિનિતા પટેલ પણ ગામમાં રહીને એમની સાથે ફળ, શાકભાજી ઉગાડવામાં એમની મદદ કરે છે. સુરેશચંદ્ર કહે છે, ‘નાનપણમાં સ્કૂલે જતાં પહેલાં ગાય માટે ઘાસ કાપવું અને ખેતરમાં નાનાંમોટાં કામ મારે જ કરવાં પડતાં. આજે જેવી રીતનું જીવન જીવી રહ્યો છું એ મને મારા નાનપણની યાદ અપાવે છે.’
૮,૦૦૦ છોડની વચ્ચે રહે છે આ પરિવાર
સુરેશચંદ્રએ પોતાના પિતૃક ગામની જે જમીન પર ઘર બનાવ્યું છે ત્યાં પહેલેથી જ થોડાં કેરીનાં ઝાડ હતાં. જમીનની વચ્ચે અંદાજે અડધો ગજ જમીનમાં એમનું ઘર બન્યું છે અને આગળ એટલો જ મોટો ગાર્ડન છે.
સુરેશચંદ્ર પટેલે અહીંયાં આવતાં જ કેરીનાં થોડાં ઝાડ કલમ કરીને ઉગાડ્યાં હતાં અને આજે એમના ઘરની પાછળ બે એકર જમીનમાં કેરી સહિત બીજાં પણ ફળોનાં ઝાડ
લાગેલાં છે. એમના ઘરમાં ચીકુ, દાડમ, જમરૂખ, આમળાં, ચાર જાતનાં કેળાં, સીતાફળ, સ્ટારફ્રૂટ સહિત કેટલાંય ઝાડ લાગેલાં છે.
એમના ઘરની સામે સુશોભન માટેના છોડ લાગેલા છે. એમના ઘરે ગુલાબ, બોગનવેલ અને એડેનિયમની કેટલીય જાતો ઉગાડી છે. એમને એડેનિયમનો ખૂબ શોખ છે, એમની પાસે ફક્ત એડેનિયમની જ ૫૦૦ જાત છે.
એમની દીકરી બિનિતા કહે છે, ‘મારાં માતા-પિતા બંનેને ગાર્ડનિંગનો શોખ છે એટલે અમે નાનપણથી જ એમને છોડ ઉગાડતાં જોઈએ છીએ. જ્યાં જ્યાં અમે ક્વોર્ટરમાં રહ્યાં ત્યાં ત્યાં એમણે ઘણાં ઝાડ-છોડ ઉગાડ્યાં છે અને આજે અમારા ઘરે લગભગ બધા પ્રકારના છોડ છે.’
એમના ઘરે ઔષધીય છોડથી લઈને મોસમી શાકભાજી સુધી બધું મળી જશે. ગાર્ડન શણગારવામાં સુરેશચંદ્રની પત્ની હર્ષા પણ ખૂબ મહેનત કરે છે. ગાર્ડનિંગ કરવામાં એમનો બંનેનો સમય આરામથી પસાર થઇ જાય છે અને એમની તબિયત પણ ખૂબ સારી રહે છે.
સુરેશચંદ્ર કહે છે, ‘મને નિવૃત્ત થયે અગિયાર વર્ષ થઇ ગયાં છે છતાં
ઘણા લોકો મને પૂછે છે, હું ક્યારે રિટાયર્ડ થવાનો છું? મારી આટલી સારી તબિયતનું શ્રેય હું બાગકામને આપું છું.’
ગાર્ડન સજાવવામાં વાપર્યું એન્જિનિયરનું મગજ
સુરેશચંદ્ર એન્જિનિયર છે, માટે બહુ આસાનીથી તેમણે પોતાનું એન્જિનિયરનું મગજ વાપરીને છોડ વાવ્યા છે. એમના ઘરથી મેઈન ગેટ સુધી એક રોડ બનાવ્યો છે, જેની આજુબાજુ એમણે એવા છોડ લગાવ્યા છે જેને કાપીને સારો આકાર આપી શકાય.
ક્યાંક મેંદીના છોડને લીલી દીવાલ તરીકે ડિઝાઇન કરીને લગાવ્યા છે, તો ક્યાંક એરિકા પામ જેવા સુશોભનના છોડથી દીવાલ સજાવી છે. એમના
ઘરે એક નાનું પોલીહાઉસ પણ બનાવ્યું છે, જેમાં એમણે એમના એડેનિયમ છોડને રાખવા માટે જાતે એક સ્ટેન્ડ
બનાવ્યું છે.
સુરેશચંદ્રના ગાર્ડનની સાથે સાથે એમણે ઘરની પાસે સફાઈ અને વાવેતરનું પૂરું ધ્યાન રાખ્યું છે. તેઓ દરેક ઋતુમાં એમના ગાર્ડનને અલગ અલગ રીતે સજાવતા રહે છે. પ્રકૃતિ પ્રત્યે આ પરિવારનો પ્રેમ જોઈને એમની આજુબાજુ ઘણા લોકોએ પોતાના ઘરમાં સુંદર ગાર્ડન બનાવ્યા છે.
સુરેશચંદ્ર પટેલની દીકરી ડો. બિનિતા પણ પોતાના ક્લિનિકમાં ઘણા છોડ વાવે છે. એમ કહેવું ખોટું નથી કે સુરેશચંદ્રનો આખો પરિવાર પોતે તો હરિયાળી ફેલાવે છે, સાથે પોતાની સાથે બીજા કેટલાય લોકોને આમ કરવાની પ્રેરણા આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.