કેન્વાસ -અભિમન્યુ મોદી

૨૩ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ અમેરિકાની એક સોસાયટીમાં શાંતિ છવાયેલી છે. સોસાયટીના રહીશો ક્રિસમસની ઉજવણીમાં પડ્યા છે. અચાનક એક ઘરમાંથી ધાંય… ધાંય… ધાંય… એમ ૩ ગોળીઓનો અવાજ સંભળાય છે, જેથી આડોશી-પાડોશીઓ તુરંત બહાર નીકળીને પેલા ઘરની બહાર જુએ છે, તો અંદર થોડી વસ્તુઓ અથડાવાનો અવાજ સંભળાય છે. એટલે એક જાગૃત નાગરિક તુરંત પોલીસને ફોન કરીને સમગ્ર બનાવની જાણ કરે છે, જેને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવે છે.
પોલીસકર્મીઓ મકાનની અંદર જઈને જુએ છે તો એક ૨૦-૨૫ વર્ષનો યુવક આંખો ફાડીને બેઠેલો છે. તેની આંખ અને નાકની વચ્ચેના ભાગે તથા માથાની પાછળના ભાગે વિચિત્ર ઘાનાં નિશાન છે અને સતત ત્યાંથી લોહી વહી રહ્યું છે. પોલીસકર્મીઓ તેને પૂછે છે કે અહીં શું બન્યું? યુવક કહે છે, તેનું નામ રેયોન વોલર છે અને અંદર રૂમમાં તેની ગર્લફ્રેન્ડ આરામ કરે છે. પોલીસ આજુબાજુ નિહાળે છે તો બેડરૂમની બહારથી લોહીની ધાર વહી રહી છે. તે દિશામાં આગળ વધતાં પોલીસ બેડરૂમમાં જઈને જુએ છે તો ગર્લફ્રેન્ડનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં પડ્યો છે.
પોલીસ પ્રાથમિક તપાસમાં એવો તાગ મેળવે છે કે રેયોને તેની ગર્લફ્રેન્ડની નિર્મમ હત્યા કરી છે. બન્ને વચ્ચે કોઈ અણબનાવ બન્યો હશે, જેમાં ઝપાઝપી થતાં પેલી યુવતીએ રેયોનને સ્વબચાવમાં ઈજા પહોંચાડી હશે. યુવતીના શરીરમાં ગોળીઓ ધરબાયેલી હતી એટલે નક્કી ખૂન કોઈ બંદૂકથી થયું છે. તો આ બંદૂક ગઈ ક્યાં? અને હવે આ હત્યા કર્યા બાદ રેયોન અપરાધબોધથી અહીં જ
બેઠો છે.
આ શંકાને આધારે પોલીસ રેયોનને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને તેની ગર્લફ્રેન્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડે છે. સતત બે કલાક સુધી પોલીસકર્મીઓ રેયોનની આકરી પૂછપરછ કરે છે, પરંતુ ત્યાં શું બન્યું એ રેયોનને કાંઈ યાદ નથી. રેયોન પોલીસકર્મીઓને વિનંતી કરે છે કે તેને સારવારની જરૂર છે. તેના ચહેરા પર અને મગજના ભાગેથી ઘણું બધું લોહી વહી રહ્યું છે… અંતે પોલીસકર્મીઓનો માંહેલો જાગે છે અને રેયોનને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તેની સારવાર કરતા તબીબો સ્તબ્ધ થઈ જાય છે.
તબીબો એવું તારણ આપે છે કે રેયોનને માથાના ભાગે અને આંખથી નાકની વચ્ચેના ભાગે એમ કુલ બે ગોળીઓ વાગે છે. પહેલી ગોળીએ તેની ખોપરીને ફોડી નાખી છે અને ગોળી અંદર સુધી જતી રહી છે. મગજની કોશિકાઓની વચ્ચે ગોળીએ જગ્યા બનાવી લીધી છે, છતાં પણ રેયોનનું મોત નથી થયું અને તે સભાન અવસ્થામાં વાત કરી રહ્યો છે. બીજું તારણ એવું હતું કે ગોળીએ મગજની એ કોશિકા પર અસર કરી છે જ્યાં તેની યાદો સમાયેલી છે એટલે તે ઘણું જાણે છે, પરંતુ કહેવા માટે સમર્થ નથી. આ ઘટના બાદ પોલીસ પણ ચકરાવે ચડે છે અને રેયોનને લઈને તેના ઘરમાં જઈને ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે રેયોન જણાવે છે કે તેના મોબાઈલ અને કોમ્યુટરનાં સાધનોની ચોરી થઈ છે, જેથી પોલીસ તેના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરે છે, જે લેરી લોયડ કાર્વર નામના એક આધેડ પાસેથી મળી આવે છે. પોલીસ તેના ઘરની પણ તલાશી લે છે. પેલાં ખોવાયેલાં કોમ્યુટરનાં સાધનો મળી આવે છે. જ્યારે પોલીસ લેરીની ધરપકડ કરે છે ત્યારે તેનો પુત્ર પોલીસકર્મીઓને અટકાવે છે. ત્યાં પોલીસકર્મીઓ સાથેની અથડામણમાં રિચી પાસેથી એક બંદૂક મળી આવે છે, જેથી પોલીસ શંકાના આધારે બન્નેની ધરપકડ કરે છે અને તેની સઘન પૂછતાછ કરે છે. તેમાં જે સત્ય સામે આવે છે તેનાથી તો પોલીસ પણ હચમચી જાય છે.
લેરી કહે છે કે ૨૦૦૩માં તે અને રેયોન એક પીજીમાં સાથે રહેતા હતા. ઉધારીની બીમારીથી ટેવાયેલો રિચી વારંવાર રેયોન પાસેથી ઉધારી માગતો હતો. તેનાથી કંટાળીને રેયોન અલગ રહેવા જતો રહ્યો હતો. એ દિવસથી જ રિચીના મનમાં રેયોન પ્રત્યે ખુન્નસ જાગ્યું હતું. એટલે તેણે ૩ વર્ષ બાદ તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. એ દિવસે પિતા-પુત્રએ ઘરે આવીને ડોરબેલ વગાડી હતી. દરવાજો રેયોને ખોલ્યો હતો, જેથી તેની સામે રિચીએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી પિસ્તોલ તાકી હતી, પણ રેયોન બન્નને જોઈને ભાગવા ગયો અને બંદૂકમાંથી ગોળી છૂટી જે સીધી તેના માથા પર વાગી અને રેયોન જમીન પર ફસડાઈ પડ્યો. એટલેથી સંતોષ ન થતાં રિચીએ તેના ચહેરા પર પણ ગોળી મારી હતી, પણ પ્રથમ ગોળી લાગ્યા બાદથી જ રેયોન સૂધબૂધ અવસ્થામાં હતો. લોહી વહેતું હતું એટલે એ મરી જ જશે એવી ધારણા કર્યા બાદ તેના પિતાએ રેયોનની ગર્લફ્રેન્ડને ગોળીથી વીંધી નાખી હતી અને આ ઘટનામાં કોઈ ચોર આવ્યો હોય તેવું લાગે એટલે બન્નેએ મોબાઈલ અને કોમ્યુટરનાં સાધનોની ચોરી કરી હતી.
બન્નેએ ગુનાની કબૂલાત કર્યા બાદ પોલીસ પિતા-પુત્રની ધરપકડ કરે છે. બીજી તરફ રેયોનની સ્થિતિ અત્યંત કથળતી જાય છે. તેના મગજમાંથી ગોળી તો નીકળી જાય છે, પરંતુ બે કલાક સુધી ચાલેલા તેના ઇન્ટ્રોગેશન બાદ તેને મળેલી મોડી સારવારના કારણે તેની બન્ને આંખોમાં ગોળીનું ઝેર
ફેલાઈ જાય છે તેથી બન્ને આંખો કાઢવી પડે તેવી ખરાબ પરિસ્થિતિ સર્જાય છે અને મગજ પણ હવે ગોળીનું ઝેર શોષી ગયું હતું. એટલે કોશિકાઓ ડેમેજ થઈ હતી, જેથી આ ઘટનાના માત્ર ૨૭ દિવસમાં રેયોનનું મોત થઈ જાય છે. બન્ને પિતા-પુત્રને આજીવન કેદની સજા થાય છે. સાવધાન ઇન્ડિયા કે ક્રાઇમ પેટ્રોલમાં આવેલા કિસ્સાઓની જેમ સામાન્ય લાગતો આ બનાવ ખૂબ જ અસામાન્ય છે. પ્રથમ તો પોલીસકર્મીઓ જે વ્યક્તિને આરોપી સમજતા હતા તે વ્યક્તિ પીડિત હતી, પરંતુ પોલીસે તેના મનમાં એક ધારણા એવી બાંધી દીધી હતી કે તેણે જ હત્યા કરી છે અને બીજી માનવ ઇતિહાસમાં ચોંકાવનારી ઘટના હતી. રેયોનના મગજમાં ગોળી સલવાઈ ગઈ હતી છતાં પણ તેનું મગજ એક્ટિવ હતું અને લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો.
માનવ મન દિવ્યશક્તિઓનો ભંડાર છે. મસ્તિષ્કની રચનાનો વિચાર કરીએ તો બુદ્ધિ ચકરાવે ચડી જાય એમ છે. ત્યારે તેના મગજમાં આટલી વાર સુધી ગોળી ધરબાયેલી રહી છતાં તે જીવિત હતો. મગજ એક માંસપિંડ માત્ર નથી, પણ અનંત શક્તિઓથી ભરેલો ખજાનો છે. તેને જીવંત વિદ્યુત ભંડાર પણ કહી શકાય. એમાં થઇ રહેલી પ્રક્રિયાઓ બરાબર એવી જ છે, જેવી એક શક્તિશાળી વીજળીઘરમાં હોય છે. આપણી આકાશગંગામાં જેટલા તારા છે, લગભગ એટલા જ એક ખર્વથી પણ વધુ ન્યુરોન્સ એટલે કે સ્નાયુકોષ આપણા મસ્તિષ્કમાં હોય છે. આ તંત્રિકાઓને એકબીજા સાથે જોડનારા તંતુ અને એના ઇન્સ્યુલેશન ખોપરીમાં ખીચોખીચ ભરેલા હોય છે. એક તંત્રિકા કોશિકાનો વ્યાસ એક સેન્ટિમીટરના હજારમા ભાગ કરતાં પણ ઓછો છે અને તેનું વજન એક ઔંસના સાઠ અબજમા ભાગથી વધારે નથી હોતું. તંત્રિકા તંતુઓમાંથી પસાર થઇને વીજળીના જે ઇમ્પલ્સ દોડે છે, તે જ જ્ઞાાનેન્દ્રિયોના માધ્યમથી જરૂરી સૂચનાઓ એ કેન્દ્ર સુધી પહોંચાડે છે. ત્યારે રેયોનનો કિસ્સો સાચે અચરજ પમાડનાર છે. વિજ્ઞાન આજે પ્રગતિ કરી રહ્યું છે. મગજ પર નવી નવી બીમારી અસર કરી રહી છે, પણ જેનું મગજ સતેજ છે. તે આવી બીમારીઓને પણ નિવારી શકે છે.
એક મુઠ્ઠી જેટલા કદનું મગજ સુપર કોમ્પ્યુટરથી પણ અબજો ગણું વધારે શક્તિશાળી છે. તેનાં રહસ્યોને હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. વિજ્ઞાનીઓ કહે છે કે મસ્તિષ્કીય ચેતના પર આઠ ટકા નિયંત્રણ પ્રાપ્ત કરવાનું સુવિકસિત મનુષ્ય માટે હજુ સુધી સંભવ બની શક્યું છે. એની બાણુ ટકા શક્તિ એવી છે જેના પર નિયંત્રણ મેળવવું તો દૂર રહ્યું, એની યોગ્ય જાણકારી પણ મેળવી શકાઈ નથી. માનવ મગજ બે ગોળાર્ધોમાં વહેંચાયેલો અપાર અટપટી રચનાવાળો અખરોટ જેવા આકારનો માંસપિંડ છે. આ બે ગોળાર્ધોમાં એકને સેરિબ્રમ અને બીજાને સેરિબેલમ કહેવાય છે. રેયોનના સેરિબેલમ પર જ હુમલો થયો હતો. તેનો કેસ આજે મેડિકલ સાયન્સનો કેસ સ્ટડી બની ગયો છે. વૈજ્ઞાનિકો આજે પણ તેના કેસની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે એવો વિચાર આવે કે શું આપણું મગજ પણ આટલું શક્તિશાળી હશે?

Google search engine