જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ્વે બ્રિજ લગભગ પૂર્ણ થઈ ગયો છે. ઉત્તર રેલવેના અધિકારીઓએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં અંજી નદી પરનો આ પુલ મે સુધીમાં તૈયાર થઈ જવાની આશા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બ્રિજ તૈયાર થઇ ગયા બાદ જમ્મુથી લગભગ 80 કિમી દૂર બનેલા આ પુલ પર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ચેનાબ નદી ઉપર 359 મીટર (1,178 ફૂટ) ની ઊંચાઈએ ફેલાયેલો છે. આ રેલવે બ્રિજ પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે. નદીના પટમાંથી રેલ્વે પુલ 1, 178 ફૂટ ઉપર છે. આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક (USBRL) નો એક ભાગ છે. જે 35000 કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કટરા અને રિયાસી સ્ટેશનો વચ્ચે બનાવવામાં આવી રહેલો અંજી બ્રિજ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના રિયાસી જિલ્લામાં આવે છે.
આ પુલની ખાસિયત એ છે કે અંજી નદી પરનો આ રેલ્વે પુલ એફિલ ટાવર કરતા ઊંચો છે. આ અંગે માહિતી આપતાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર અથવા આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર-બારામુલા રેલ લાઇનનું કામ પૂર્ણ થશે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઇન પર સારી પ્રગતિ થઈ છે. ચિનાબ અને અંજી પુલ અને મોટી ટનલના નિર્માણ માટે પણ કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ રૂટ પર ટ્રેનો દોડવાનું શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે આ લાઇન માટે ખાસ રીતે તૈયાર કરાયેલ ‘વંદે ભારત’ ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ટ્રેનનું નિર્માણ કરતી વખતે તાપમાન, બરફ જેવી દરેક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
રેલ્વે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, એફિલ ટાવરથી ઊંચા રેલ્વે બ્રિજ અંગેના તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે અને તે તમામ સફળ રહ્યા છે. ચિનાબ રેલ બ્રિજને એન્જિનિયરિંગની શ્રેષ્ઠ કૃતિ ગણાવતા મંત્રીએ કહ્યું હતું કે તે વિશ્વના સૌથી ઊંચા પુલોમાંનો એક અને દેશનો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે. તેજ ગતિના પવનો, અતિશય તાપમાન, ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો, હાઇડ્રોલોજિકલ અસરો, દરેક બાબતનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. હવે રેલવે બ્રિજ કામગીરી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર માટે આ સૌથી મોટી વાત છે. તેમણે કહ્યું કે, વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઈલેક્ટ્રિક ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે.