Homeદેશ વિદેશઑઈલ કંપનીઓને પેટ્રોલનાં વેચાણથી લિટરદીઠ ₹ ૧૦નો નફો

ઑઈલ કંપનીઓને પેટ્રોલનાં વેચાણથી લિટરદીઠ ₹ ૧૦નો નફો

નવી દિલ્હી: તેલકંપનીઓ પ્રતિલિટર રૂ. ૧૦નો નફો કરીને પેટ્રોલનું વેચાણ કરી રહી હોવા છતાં રિટેલ ભાવમાં ઘટાડો નથી કરી રહી.
ભૂતકાળમાં થયેલા નુકસાન અને ડીઝલનાં વેચાણમાં પ્રતિલિટર રૂ. ૬.૫ની ગયેલી ખોટને સરભર કરવા તેલકંપનીઓ પ્રતિલિટર રૂ. ૧૦નો નફો કરીને પેટ્રોલનું વેચાણ કરી રહી છે.
સરકારની માલિકીની ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એચપીસીએલ)એ છેલ્લા ૧૫ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો.
૨૪ જૂન, ૨૦૨૨ના પૂરા થયેલા અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટર અનુક્રમે વિક્રમજનક રૂ. ૧૭.૪ અને રૂ. ૨૭.૭ની ખોટ જોવા મળી હતી.
જોકે, ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ના પૂરા થયેલા ત્રિમાસિક સુધીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર અંદાજે રૂ. ૧૦નો નફો અને ડીઝલનાં વેચાણ પરની ખોટનું પ્રમાણ ઘટીને પ્રતિલિટર અંદાજે રૂ. ૬.૫ જેટલું થઈ ગયું હોવાનું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીસના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
એપ્રિલ ૬, ૨૦૨૨થી જૂન, ૨૦૨૨ સુધીમાં ક્રૂડતેલનો ભાવ પ્રતિબેરલ ૧૦૨.૯૭થી વધીને ૧૧૬.૦૧ ડૉલર અને આ મહિને ભાવ ઘટીને પ્રતિબેરલ ૭૮.૦૯ ડૉલર થઈ ગયો હોવા છતાં આ ત્રણે તેલકંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પેટ્રોલ અને ડીઝલની પડતર કિંમત છૂટક વેચાણની કિંમત કરતાં વધુ હોવાને કારણે આ ત્રણે તેલકંપનીઓને આવકમાં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
પ્રતિબેરલ ૧૦.૫થી ૧૨.૪ ડૉલરના ગ્રોસ રિફાઈનિંગ માર્જિન (જીઆરએમ)ને કારણે વર્ષના બીજા ત્રિમાસિકમાં ગયેલી ખોટ સરભર થઈ જાય એવું અનુમાન હોવાનું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીસના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિકમાં આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલને અનુક્રમે અંદાજે રૂ. ૨૪૦૦ કરોડ, રૂ. ૧૮૦૦ કરોડ અને રૂ. ૮૦૦ કરોડની ખોટ ગઈ હતી.
આ ત્રણ તેલકંપનીઓ બજારની કુલ જરૂરિયાતના ૯૦ ટકા હિસ્સા પર અંકુશ ધરાવે છે.
આ ત્રણે કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ બે દાયકાના અત્યાર સુધીના સર્વાધિક સમયગાળા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો.
નવેમ્બર, ૨૦૨૧ના આરંભથી ઈંધણના ભાવની દૈનિક સમીક્ષા કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
છેલ્લાં બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં અસાધારણ વધઘટ થયેલી જોવા મળી હતી. વર્ષ ૨૦૨૦ના આરંભમાં કોરોનાની મહામારીને કારણે ક્રૂડતેલના ભાવમાં અસાધારણ ઘટાડો નોંધાયો હતો તો માર્ચ, ૨૦૨૨માં ક્રૂડતેલના ભાવ પ્રતિબેરલ ૧૪ વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે ૧૪૦ ડૉલર પર પહોંચ્યા હતા.
ભારત ક્રૂડતેલની તેની કુલ જરૂરિયાતના ૮૫ ટકા આયાત કરે છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular