ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
પ્રવાસ શબ્દની સાર્થકતા પક્ષીઓ જ કદાચ સૌથી વધુ પુરવાર કરે છે. પક્ષીઓ સિવાય ભાગ્યે જ આ ધરતી પર કોઈ જીવ આમ અવિરતપણે આટલો લાંબા પ્રવાસ ખેડતું હશે. તેમના આ પ્રવાસનો હેતુ આનંદનો તો નથી હોતો પણ જીવન ટકાવી રાખવા માટે તેઓ આવી લાંબી મુસાફરી કરે છે. પૃથ્વીની ભૌગોલિક વિવિધતાને કારણે ધ્રુવીય પ્રદેશોમાં અસહ્ય ઠંડીથી બચવા પક્ષીઓ શિયાળો ગાળવા પ્રવાસનો આરંભ કરે છે, પરંતુ એક સવાલ પૂછો કે માણસ નામના જીવએ ધરતીના અન્ય જીવોને ખલેલ નથી પહોંચાડી? કોઈ પણ આનો જવાબ ના માં આપી શકે તેમ નથી. વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિકરણનાં કારણે પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર ખોરવાયું છે. જેની સૌથી વધુ અસર કુદરતના સંસર્ગમાં રહેતા આવા જીવોને થઈ છે.
જળપ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જંગલોનું ઘટતું જતું પ્રમાણ આ બધાં પરિબળોને કારણે આજે આપણે ઘણી યુનિક પ્રજાતિઓ ગુમાવી ચુક્યા છીએ અથવા તો ગુમાવી દેવાના આરે આવીને ઊભા છીએ. આ સંજોગોને ધ્યાનમાં રાખીને વિશ્ર્વભરમાં વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેમાંનો એક એટલે રામસર સંમેલન. આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે કોઈ વેટલેન્ડને રામસર સાઈટનો દરજ્જો મેળવવા માટે શું શું પરિબળો ભાગ ભજવે છે.
વીતેલા એક બે વર્ષમાં ભારત દેશનાં ૨૮ કરતાં વધુ વેટલેન્ડને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ગુજરાતમાં પણ ત્રણ ખીજડિયા, વઢવાણા લેક અને થોળ લેકને રામસર સાઈટનો દરજ્જો મળેલ છે. ગુજરાતની સહુથી જૂની રામસર સાઈટની સાથે આપણે હવે કુલ ચાર રામસરનું ગૌરવ ધરાવીએ છીએ.
ગુજરાતની સૌ પ્રથમ રામસર સાઈટની વાત કરીએ તો આ દરરજો સૌ પ્રથમ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે આવેલા નળ સરોવરને મળ્યો હતો. નળ સરોવર આશરે ૧૨૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. રામસર સાઈટનો દરજ્જો મળવો ખૂબ જ આગવી વાત છે.
આ દરજ્જો જે તે વેટલેન્ડની વૈશ્ર્વિક ઓળખ ઊભી કરે છે. અહીં અનેક ટાપુમાં પક્ષીઓને અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે જેથી દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ અહીંના મહેમાન બને છે. સામાન્ય રીતે અહીં ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના સમય દરમિયાન લાખોની સંખ્યામાં પક્ષીઓને મહાલતા જોઈ શકો. ગુજરાત સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નિયમન કરવામાં આવે છે. નળ સરોવરને ૧૯૬૯ દરમિયાન અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અહીંની વિશેષતા એ છે કે અહીંનું પાણી સાવ છીછરું છે અને આવો છીછરા પાણીનો વિસ્તાર પક્ષીઓને સૌથી વધુ અનુકૂળ આવે છે.
અહીંનું છીછરું પાણી, ટાપુઓ , વિવિધ પ્રકારની ઘાસની પ્રજાતિ જેવા વાતાવરણમાં નાના જીવજંતુઓ, અલગી અને શેવાળ પુષ્કળ પ્રમાણમાં વિકસિત થાય છે જે પક્ષીઓને મુખ્ય ખોરાક છે. અમદાવાદ આસપાસ હોય અને શિયાળાનો સમય હોય તો નળ સરોવરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. અહીંની આકર્ષક બાબત અહીંની બોટ રાઈડિંગ છે. અહીં સિવાય અભયારણ્ય ફરવા હોડીઓ જેવી સિસ્ટમ લગભગ જવલ્લે જ જોવા મળે.
સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અહીં મુલાકાત લઈ શકાય. બને એટલું વહેલી સવારે જવું જોઈએ જેથી પક્ષીઓના વિશ્ર્વને જોઈ શકાય. નળ સરોવરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગો જોવા તે એક લહાવો છે. પાણીમાં પડતા સૂર્યનાં કિરણો અને સૂર્યાસ્તના રંગોનું પ્રતિબિંબ કંઈક અલગ જ પ્રતિકૃતિ રચે છે.
દુનિયાનો કોઈ ચિત્રકાર તેને હૂબહૂ કેનવાસ પર ન ઉતારી શકે એટલી હદે રંગોની અલપઝલપ કરતી ભાત રચાય છે. અહીંનું પાણી એકદમ સ્થિર છે. ન તો અહીં નદીના વહેણ છે ન તો દરિયાના હિલોળા. અહીંની ભૌગોલિક રચના જ વિશિષ્ટ છે.
શિયાળા અને ચોમાસામાં અહીંનું પાણી મીઠું તો ઉનાળામાં પાણી સુકાય જતા મીઠાંની પરત જામી ગઈ હોય તેવી રચના બની જાય. નળ સરોવરએ પક્ષીપ્રેમીઓ માટે તો સ્વર્ગ સરીખું છે. લાખોની સંખ્યામાં પક્ષીઓનો કલરવ જાણે કોઈએ સંગીતના સાત સૂર છેડ્યા હોય તેવું કર્ણપ્રિય લાગે.
અહીં દર વર્ષે રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, ગડવાલ, શોવેલર, યુરેશિયન વિજીયન, કોમોન પોચાર્ડ, પિનટેઈલ, લેસર વ્હિસલિંગ ડક, રોઝી પેલિક્ધસ વગેરે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. મોસમનો ગુલાબી
મિજાજ એટલે ઢળતી સાંજે હજારો ઊડતા હંજનું ટોળું.. ઢળતી સાંજનું મનોરમ્ય દ્રશ્ય કોઈને પણ પોતાનાં મોહપાશમાં જકડી લે છે. ગુજરાતનાં રાજ્ય પક્ષી એવા મોટા હંજને ફુરસદની ક્ષણો કાઢીને અહીં નિહાળવો એ એક લ્હાવો છે. છીછરાં પાણીની સપાટી પર લાંબી ડોકનો પ્રયોગ કરીને પાણીમાંથી આહાર શોધવામાં વ્યસ્ત જોવા મળે તો વળી ક્યારેક પાંખો પ્રસરાવે કે એના ગુલાબી મિજાજની એક ઝલક જોઈ શકાય. આ પક્ષીને ભ્રામક રીતે “સુરખાબ તરીકે જ લોકો ઓળખાવતા આવ્યા છે, પણ આ સુરખાબ નહિ, હંજ છે! છે ને રસપ્રદ?
કુદરતની અનૂઠી રચનામાં મહેમાનગતિ માણતા પંખીઓમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ રેડ બ્રેસ્ટેડ ગૂઝ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટી સંખ્યામાં કુંજ અને કરકરાઓનું આગમન અહીં થઈ ચૂક્યું છે. વિશ્ર્વમાં સહુથી વધુ ઊંચાઈએ ઉડતા આ સુંદર પક્ષી વિષે આપણે ખૂબ જ ભણ્યા છીએ. માનસરોવરમાં બ્રીડિંગ કરીને શિયાળો ગાળવા ૩૫૦૦૦ ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈએ ઊડીને હિમાલય ઓળંગીને ગુજરાતના મહેમાન બને છે એવા રાજહંસો ખરા અર્થમાં પ્રવાસીઓ છે. અહીં વિપુલ પ્રમાણમાં રાજહંસોનો મેળાવડો જામે છે. ગુજરાતના મોટાભાગના જળપ્લવિત ક્ષેત્રોમાં આ પક્ષીઓ સમૂહમાં ખોરાક અને શિયાળો ગાળવા ગુજરાત અને એશિયાનાં અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે અને ઉનાળો બેસતા ફરી હિમાલયના માનસરોવરમાં પ્રયાણ કરે છે. કદાચ આપણા જ ક્ષેત્રો વિષે આપણે આમના કરતાં પણ જૂજ જાણીએ છીએ. સદીઓથી પક્ષીઓ જ છે જેઓ આ ધરતીના સમગ્ર વિસ્તાર પર રાજ કરતા આવ્યા છે.
વિશ્ર્વભરમાં વેટલેન્ડને ખતમ થતા અટકાવવા જરૂરી પગલાં લેવા જોઈએ. વેટલેન્ડ એ કુદરતી રીતે પ્રદૂષકોને ફિલ્ટર કરવાનું કામ કરે છે. વિશ્ર્વની અંદાજિત ૪૦% પ્રજાતિઓના હોસ્ટ વેટલેન્ડ છે. પુર અને ચક્રવાતો સામે વેટલેન્ડ સુરક્ષા પ્રદાન કરે છે. કાર્બન શોષણમાં જંગલોથી પણ બમણી ક્ષમતા ધરાવે છે. તેથી તેના વિશે જાગરૂકતા આવે તે ખૂબ જ આવશ્યક છે. ખાસ કરીને પક્ષી જગત માટે તેમને અનુકૂળ વાતાવરણ (તેમના અનુકૂળ વાતવરણમાં ખલેલ ના પહોંચાડવી એ જ મોટી વાત છે) મળી રહે તે આપણી જવાબદારી છે. ગુજરાતમાં આવા ઘણા વેટલેન્ડ આવેલા છે જ્યાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. આપણે ઘણી વાર આસપાસ આવતા આવા પક્ષીઓને અજાણતા નુકસાન પહોંચાડતા હોઈએ છીએ જેમ કે ઘણી જગ્યાએ લોકો આવા પક્ષીઓને ગાંઠિયા વગેરે ખવડાવતા હોય છે. જે ખોરાક આપણા શરીર માટે પણ સ્વાસ્થ્યવર્ધક નથી તો એમના માટે કઈ રીતે હોઈ શકે. એમને સેંકડો માઈલ દૂર સુધી પ્રવાસ કરવાનો હોય છે તેમાં એવો ખોરાક પક્ષીઓના શરીરને જે જોઈએ તેવું પૂરતું પોષણ આપતો નથી. આપણે તો ગાડીઓમાં પ્રવાસ કરનારા જ્યારે તેઓને તો પાંખોના સહારે પ્રવાસ થાય છે. તેથી આસપાસ આવું થતું અટકાવવું જોઈએ અને આ બાબતે જાગૃકતા ફેલાવવી જોઈએ. તેમનો જે ખોરાક છે તે તેમને કુદરતી રીતે મળી રહે, તે ખોરાકના સ્રોતને આપણે હાનિ ન પહોંચાડીએ એજ આપણી ફરજ છે.