મુંબઈઃ મંત્રાલયમાં આવેલી શિવસેનાની ઓફિસનો કબજો શિંદે જૂથને મળતાં જ આ ઓફિસનો ચહેરો બદલાયેલો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને આ નવી ઓફિસમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ફોટો ગાયબ થઈ ગયા છે અને તેને બદલે સીએમ એકનાથ શિંદે અને આનંદ દિઘેના ફોટો આ ઓફિસની દિવાલો પર ટિંગાયેલા જોવા મળી રહ્યા છે.
અત્યાર સુધી આ ઓફિસમાં બાળાસાહેબ ઠાકરેના ફોટોની સાથે સાથે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો ફોટો લગાવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ઓફિસનો કબજો સીએમ શિંદેને સોંપવામાં આવતા આદિત્ય અને ઉદ્ધવના ફોટોની જગ્યા આનંદ દિઘે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ફોટોએ લઈ લીધી છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા બાદથી જ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા નવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવી રહ્યા છે. લોકસભામાં આવેલી શિવસેનાની ઓફિસનો તાબો જ્યારથી શિંદે જૂથને આપવામાં આવ્યો છે ત્યારથી આ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ પહેલાં દાદર ખાતેના શિવસેના ભવન પર શિંદે જૂથ દાવો માંડશે કે કેમ એવી અટકળો વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ મુખ્ય પ્રધાન શિંદેએ દાદર ખાતેના સેના ભવનને પર દાવો કરવાને બદલે શિવસેનાના હેડ ક્વાર્ટરનું સરનામું જ બદલી નાખવાનું વધારે પસંદ કર્યું હતું.
હવે સેનાનું નવું સેનાભવન દાદર નહીં પણ થાણેના ટેમ્ભી નાકા ખાતે છે, નવા શિવસેનાના લેટર હેડ પર આ નવું સરનામું છપાતા રાજકીય વર્તુળોમાં જાત જાતની ચર્ચા થઈ હતી અને હવે શિવસેનાની ઓફિસનો કબજો લીધા બાદ દિવાલ પરથી આદિત્ય અને ઉદ્ધવના ફોટો હટાવીને શિંદે સરકારે મહારાષ્ટ્રમાં પરિવર્તનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે એ ફરી એક વખત સાબિત કરી આપ્યું હતું.
મંત્રાલયની સેનાની ઓફિસમાં લગાવવામાં આવેલા એ ફોટોનું સ્થાન લીધું નવા ફોટોએ
RELATED ARTICLES