Homeમેટિનીબોલીવૂડ બચાવકાર્યનું નવું મોડલ: લો ટિકિટ પ્રાઈઝિંગ

બોલીવૂડ બચાવકાર્યનું નવું મોડલ: લો ટિકિટ પ્રાઈઝિંગ

મલ્ટિપ્લેક્સ થિયેટર્સના ઓવરપ્રાઈઝિંગમાં ફેરબદલ કરવા ફિલ્મ ઈન્ડસ્ટ્રી મજબૂર

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

દિવાળીનો તહેવાર પૂરો થયો. આ વખતે રિલીઝ થયેલી ફેસ્ટિવલ સ્પેશ્યલ ફિલ્મ્સ ‘રામસેતુ’ અને ‘થેન્ક ગોડ’ બોલીવૂડની માઠી દશાની સાંકળ આગળ ધપાવતા કશું ખાસ ઉકાળી શકી નહીં. તેની સામે હોલીવૂડની ‘બ્લેક એડમ’ અને હિન્દી ડબ્ડ કન્નડ ‘કાંતારા’ જેવી ફિલ્મ્સ શુકનિયાળ સાબિત થઈ છે. પણ બોલીવૂડે કોવિડ પછીની હારની વણઝાર રોકવા કશું જ નથી કર્યું એવું નથી. હમણાંની જ ‘બ્રહ્માસ્ત્ર’, ‘વિક્રમ વેધા’ જેવી ફિલ્મ્સ પર દર્શકોએ થોડી કૃપાદ્રષ્ટિ રાખી તેની પાછળ જવાબદાર છે બોલીવૂડનું એક નવું મોડલ. સદંતર બોક્સ ઓફિસ નિષ્ફ્ળતાને ડામવા માટે છેલ્લા બે મહિનાથી બોલીવૂડે અપનાવેલું આ મોડલ એટલે લો ટિકિટ પ્રાઈઝિંગ!
કમાણીના કોરાધાકોર આંકડાઓ પર પ્રોફિટના પોતાં મૂકવા માટે ૨૩ સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો નેશનલ સિનેમા ડે. જેમાં ફિલ્મ ટિકિટ્સના દર રાખવામાં આવ્યા ફક્ત ૭૫ રૂપિયા. આ જુગારનું પરિણામ એ આવ્યું કે મોટાભાગના સિનેમાઝ ૯૦ ટકા ફૂલ થઈ ગયા. ‘બ્રહ્માસ્ત્ર’ના વહેલી સવારના શોઝને પણ આનાથી ફાયદો થયો અને એ વખતે થિયેટરમાં રહેલી રી-રિલીઝડ ‘એવેટાર’, ‘ચૂપ’, ‘ધોખા: રાઉન્ડ ધ કોર્નર’ જેવી ફિલ્મ્સના મર્યાદિત શોઝ છતાં વધુ દર્શકગણના કારણે એ દિવસનું કલેક્શન સરખામણીએ વધુ નોંધાયું. મલ્ટિપ્લેક્સ એસોયિએશન ઓફ ઈન્ડિયા (એમએઆઈ)ના રિપોર્ટ મુજબ ૪૦૦૦ સ્ક્રીન્સ માટે ૬.૫ મિલિયન ફૂટફોલ્સ (દર્શકોની સંખ્યા માટે વપરાતો શબ્દ) નોંધાયા હતા.
આ એક દિવસના અનુભવ પરથી ખુશ થઈને આ જ ફોર્મ્યૂલાને રિપીટ કરવામાં આવી ૨૬ થી ૨૯ તારીખ સુધી. અને તેમાં ટિકિટ દર રાખવામાં આવ્યા ૧૦૦ રૂપિયા. આ ચાર દિવસમાં એ ચકાસવાનું હતું કે સાચે જ દર્શકોને મલ્ટિપ્લેક્સની હાઈ પ્રાઈઝિંગ વધુ પડતી લાગે છે ને એ એક કારણ છે ફિલ્મ્સની નિષ્ફ્ળતાનું કે પછી ૨૩ તારીખે લોકો આવ્યા એ ફક્ત એક દિવસ પૂરતો માહોલ હતો. પણ આ સ્ટ્રેટેજી ફળી અને એ પછી પણ ઓછા ટિકિટ્સનાં દર માટે પ્રયોગો થતા રહ્યા છે એ બતાવે છે કે ઓટીટીની હાજરી અને બોલીવૂડ વિરોધ વચ્ચે લો ટિકિટ પ્રાઈઝિંગ મોડલ લાંબા ગાળાના ભવિષ્યની જરૂરિયાત છે ખરી.
૨૦૦૧થી ૨૦૧૦નો દાયકો એટલે મલ્ટિપ્લેક્સની મજબૂતીનો સમયગાળો. ૨૦૧૩ સુધી એ સમયગાળો ઉત્તરોત્તર ફાયદો કરાવતો રહ્યો અને ટિકિટ પ્રાઈઝ વધતી રહી છતાં દર્શકો થિયેટર્સ સાથે સંકળાયેલા રહ્યા. પણ એ પછી સમીકરણો બદલાયાં અને બોક્સ ઓફિસ કલેક્શન વધતું રહ્યું પણ ફૂટફોલ્સ ઘટતાં રહ્યા. દર્શકો ઓછા થતા ગયા પણ ટિકિટ્સમાં સતત વધારાથી એ ગ્રોસ કલેક્શનમાં બહુ દેખાયું નહીં. મલ્ટિપ્લેક્સના માલિકોએ કમાણી યથાવત હોવાથી પ્રોફિટ જોઈને ટિકિટ્સ અને ફૂડના ભાવ વધારતા રહીને દર્શકોની નીરસતાને ગણકારી નહીં. આ મનમાની ઘણા અંશે અત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે પડી રહી છે. ૨૦૧૩માં ફૂટફોલ્સનો આંક ૩૨.૮ કરોડની ઊંચાઈએ પહોંચ્યો હતો જે એ પછીથી ગ્રાફ દર વર્ષે નીચે જ આવતો ગયો. ૨૦૧૬માં ‘દંગલ’ની રેકોર્ડ બ્રેકિંગ કમાણી છતાં ફૂટફોલ્સ ૨૯.૬ કરોડ હતા જે ૨૦૧૩ કરતા ખાસ્સા એવા ૧૦ ટકા ઓછા હતા.
આ જ કારણ છે કે બરાબર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ‘ચૂપ’નું એડવાન્સ બુકિંગ તેની રિલીઝના બે દિવસ પહેલા ૬૩,૦૦૦ ટિકિટ્સ હતું જે તેના કરતા ઓવરઓલ કલેક્શનમાં આગળ એવી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની ૫૬,૦૦૦ ટિકિટ્સ અને ‘જુગ જુગ જિયો’ની ૫૭,૦૦૦ ટિકિટ્સ કરતા વધુ હતું. મતલબ એ થયો કે ઓછો ટિકિટ દર એટલે વધુ દર્શકગણ. આ જ કારણથી નેશનલ સિનેમા ડે નેશનલ સિનેમા વીકમાં રૂપાંતરિત થયું. ‘ચૂપ’ના દિગ્દર્શક આર. બાલ્કીએ કહ્યું કે ‘આ મોડલે સાફ કહી દીધું કે લોકો થિયેટર સુધી આવવા માંગે છે, પણ ટિકિટ્સનાં દર તેમને દૂર રાખે છે.’
લો ટિકિટ પ્રાઈઝિંગ મોડલના વીક પછી રિલીઝ થયેલી બિગ બજેટ ‘વિક્રમ વેધા’ના મેકર્સે પણ તરત જ જાહેરાત કરીને એડવાન્સ બુકિંગની પ્રાઈઝ ૧૦૦ રૂપિયા રાખી દીધી હતી. મેઈનસ્ટ્રીમ બિગ બજેટ ફિલ્મ્સના બુકિંગમાં આટલો ધરખમ ફેરફાર એ દર્શકોએ નિર્માતાઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને થિયેટરના માલિકોને આપેલો બોધપાઠ જ ગણાય. સિંગલ સ્ક્રીન થિયેટર્સ પર હાથીપગ રાખીને ઊભા કરાયેલા મલ્ટિપ્લેક્સીસ મલ્ટિપલ સોર્સ થકી થતી કમાણીની લાલચમાં એક વિશાળ દર્શકવર્ગને ખુલ્લેઆમ અવગણીને પણ ઓવરપ્રાઈઝિંગ સ્વીકારવા તૈયાર નથી ત્યારે આ લપડાક દર્શકોએ એ આખી ચેઈનને મારી છે. આ વાતને એક બીજું ઉદાહરણ પણ સાબિતી પૂરી પાડે છે કે કેવી રીતે કોવિડ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રઘવાઈ થઈ હતી ફિલ્મ્સની રિલીઝ થકી કમાણી કરવા માટે. કોવિડ પહેલા પ્રોડ્યુસર્સ અને એક્ઝિબિટર્સ વચ્ચે ૫૦-૫૦%ની વહેંચણી થતી હતી જયારે કોવિડ પછી પ્રોડ્યુસર્સે ૫૦ના બદલે ૬૦ ટકાની માગણી કરી. આ મુદ્દે બહુ તકરાર ચાલી ને એમાં વળી કોવિડ પછી દર્શકોએ ધડાધડ બોલીવૂડ ફિલ્મ્સ નકારી કાઢી એટલે બેવડો ફટકો લાગ્યો અને લો ટિકિટ પ્રાઈઝિંગ મોડલ ઈન્ડસ્ટ્રીની મજબૂરી બની!
૨૭ વર્ષથી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના શો રાખતા મરાઠા મંદિર થિયેટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈનું કહેવું છે કે ‘અમે હંમેશાં લો પ્રાઈઝ જ રાખી છે. અમને ખાલી સીટ્સ કરતાં ઓછા ટિકિટ દર વધુ ગમે. અમારી પાસે પણ સ્ટિરિયોફોનિક સાઉન્ડ સિસ્ટમ અને ૭૦એમએમ સ્ક્રીન્સ છે જ. મલ્ટિપ્લેક્સના માલિકોએ પણ દર્શકો વિશે વિચારવું જોઈએ.’ નિર્માતા વાસુ ભગનાનીનું પણ કહેવું છે કે ‘હું ૨૦૦૦ની સાલથી લો પ્રાઈઝિંગની તરફેણ કરતો આવ્યો છું. મેં મલ્ટિપ્લેક્સીસને વિનંતીઓ પણ કરી છે એક જનતા સ્ક્રીન શરૂ કરવા માટે કે જેમાં અફોર્ડેબલ પ્રાઈઝ હોય જેથી વિદ્યાર્થીઓ, નવા નોકરિયાતો કે નિમ્ન મધ્યમ વર્ગના લોકો આસાનીથી ફિલ્મ્સની મજા માણી શકે.’
અત્યારે દક્ષિણ ભારતીય મૂળની ડબ્ડ કે પાન ઈન્ડિયા ફિલ્મ્સનો દબદબો છે અને દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ્સની સફળતાનાં મૂળમાં નજર કરતા પણ આ લો ટિકિટ પ્રાઈઝિંગ મોડલ જોવા મળે જ છે. કોવિડ પછીની તેજીમાં સૌથી પહેલું નામ ‘પુષ્પા: ધ રાઇઝ’નું હતું. ડિસેમ્બર ૨૦૨૧માં સ્પાઇડરમેન: ‘નો વે હોમ’ અને ‘૮૩’ના ભાવ આસમાને હતા ત્યારે ઓછા દરે વધુ જલસો કરાવતી ‘પુષ્પા: ધ રાઇઝ’ની ટિકિટબારી તરફ લોકો વળ્યા હતા. અનિલ થડાણી અને તેમની ડિસ્ટ્રીબ્યુશન કંપની ડબલ એ ફિલ્મ્સ’ દ્વારા ‘કાંતારા’ માટે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. હિન્દી ફિલ્મ્સના રિલીઝ વિકેન્ડના ત્રણ દિવસ પછી કલેક્શનના આંકડાઓ જયારે ઓછા થતા હોય છે ત્યારે ‘કાંતારા’ના હિન્દી વર્ઝનના પહેલા દિવસની કમાણી ૧.૨૭ કરોડ હતી અને ચોથા દિવસની કમાણી ૧.૭૫ કરોડ હતી. અનુભવ પરથી શીખ લેવામાં શાણપણ ન સમજતા થિયેટરના માલિકોની દાઢ આમાં પણ સવળી એટલે તેમણે ટિકિટ પ્રાઈઝ વધારવા કહ્યું પણ અનિલ થડાણીએ ના પાડી અને ટિકિટ ૧૧૨ રૂપિયા જ રહેવા દેવા કહ્યું. દિવાળી પર પણ ‘કાંતારા’ની પ્રાઈઝ અફોર્ડેબલ જ રહી હતી. તહેવારોમાં મોંઘીદાટ ટિકિટ્સ વેચીને કલેક્શનના આંકડાઓ મોટા કરવાની શરૂઆત મલ્ટિપ્લેક્સના આવ્યા પછી જ થઈ છે. પણ વિક્રમ સંવત ૨૦૭૮ની દિવાળી અલગ હતી અને તેના લો ટિકિટ પ્રાઈઝિંગ મોડલનું પરિણામ વિક્રમ સંવત ૨૦૭૯માં દેખાશે જ! ———
લાસ્ટ શોટ
૯૫મા ઓસ્કર્સ એવોર્ડ માટે ભારત તરફથી મોકલાયેલી ફિલ્મ ‘છેલ્લો શો’ (લાસ્ટ ફિલ્મ શો) તેની રિલીઝની આગલી રાતે છેલ્લા શોમાં પસંદગીના ૯૫ થિયેટર્સમાં ૯૫ રૂપિયાના દરે રિલીઝ કરવામાં આવી હતી!

RELATED ARTICLES

Most Popular