એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

આપણા દેશને આઝાદ થયે ૭૫ વર્ષ પૂરાં થઈ ગયાં ને સોમવારે તેની ધામધૂમથી ઉજવણી પણ થઈ ગઈ. દર વરસે આપણા વડા પ્રધાન સ્વાતંત્ર્ય દિને નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રને સંબોધન કરે છે. આ વરસે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું ને તેમાં એ જ વાતો કરી જે વરસોથી કર્યા કરે છે. સ્ત્રીને સન્માન આપવાની, આપણા વારસા માટે ગૌરવ અનુભવવાની ને એ બધી વાતો આપણે વરસોથી સાંભળીએ છીએ. મોદીએ એ જ વાતો દોહરાવી.
મોદીએ લોકોને પાંચ સંકલ્પ પણ લેવડાવ્યા અને દેશને મહાન બનાવા માટે મચી પડવાનું આહ્વાન કર્યું. મોદીનું કહેવું છે કે, આપણે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી ગયા છીએ ત્યારે હવે પછીનાં ૨૫ વર્ષ આપણા દેશ માટે ખૂબ મહત્ત્વનાં છે. આ ૨૫ વર્ષ દરમિયાન આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે આઝાદી અપાવનારા દેશભક્તોનાં તમામ સપનાને સાકાર કરવાની જવાબદારી આપણે લેવી પડશે.
મોદીએ પહેલો સંકલ્પ વિકસિત ભારતનો લેવડાવ્યો. બીજો સંકલ્પ તમામ પ્રકારની ગુલામીમાંથી મુક્તિનો લેવડાવ્યો. મોદીએ કહ્યું કે, આપણા મનના કોઈ ખૂણામાં ગુલામીનો એક પણ અંશ હોય તો તેનાથી સો ટકા છૂટકારો મેળવવો પડશે. મોદીએ ત્રીજો સંકલ્પ આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ એ લેવડાવ્યો. ચોથો સંકલ્પ એકતા અને અખંડિતતાનો લેવડાવ્યો. દેશનાં ૧૩૦ કરોડ દેશવાસીઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ બતાવે એ મોદીનો ચોથો સંકલ્પ છે. પાંચમો સંકલ્પ નાગરિકોની ફરજ બજાવવાનો લેવડાવ્યો.
મોદીના સંકલ્પમાં પણ નવું કશું નથી કેમ કે દરેક નેતા કોઈ ને કોઈ રીતે આ વાતો કરતો જ હોય છે. મોદીએ તેને સંકલ્પના રૂપમાં રજૂ કરીને નવી બોટલમાં જૂનો દારૂ ભરીને રજૂ કરી દીધો છે. બાકી આ સંકલ્પોમાં કશું નવું નથી.
જો કે આપણને આ સંકલ્પો લેવામાં પણ વાંધો નથી. દેશનું ભલું થતું હોય તો કોઈ પણ સંકલ્પ લેવાની તૈયારી હોવી જ જોઈએ પણ સૌથી મહત્વની વાત એ છે કે, આપણી પ્રજામાં આ સંકલ્પો પાર પાડવાની તાકાત છે ખરી? આપણા નેતાઓમાં આ સંકલ્પો પાર પાડવા માટે જરૂરી આયોજન કરવાની ક્ષમતા છે ખરી ? કમનસીબે આ બંને સવાલોના જવાબ ના છે.
મોદીએ તમામ પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનું આહ્વાન કર્યું પણ આપણે માનસિક રીતે હજુય વિદેશીઓના ગુલામ છીએ, આપણી જરૂરીયાતો પૂરી કરવા માટે હજુય વિદેશીઓ પર જ નિર્ભર છીએ. આ ગુલામીમાંથી બહાર નિકળવા માટેનું કોઈ વિઝન આપણી પાસે નથી, કોઈ યોજના આપણી પાસે નથી. તેનું કારણ એ કે, આપણે એક આઝાદ દેશ છીએ ખરા પણ એક આઝાદ દેશનો જે મિજાજ હોવો જોઈએ એ આપણી પાસે નથી. આપણે આપણી નીતિઓ, આપણા વિચારો બધું વિદેશોના આધારે નક્કી કરીએ છીએ. આપણે આપણાં સંતાનોને વિદેશ મોકલવાનાં, વિદેશમાં સ્થાયી કરવાના સપનાં જોઈએ છીએ.
આપણે સૌથી પહેલાં તો આ માનસિકતા બદલવી પડે ને તેના માટે આપણી મહાનતાનો જે ખોટો દંભ છે તે છોડવો પડે. આપણા નેતાઓ આપણને વરસોથી એવા કેફમાં રાખવા મથે છે કે આપણો દેશ બહુ મહાન છે અને આપણી પાસે બહુ ભવ્ય વારસો છે. નેતાઓ પોતાના ફાયદા માટે આ ચૂરણ આપણને ચટાડ્યા કરે છે ને આ દેશનો બહુ મોટો વર્ગ આ ચૂરણ ચાટીને એક કેફમાં જીવ્યા કરીએ છીએ. ભૂતકાળના ભવ્ય વારસાની ગળચટ્ટી વાતો ચાટી ચાટીને આપણે જીવીએ છીએ તેમાં આજે પાછળ રહી ગયા છીએ.
આ કેફના કારણે આપણે વાસ્તવિકતા સમજવા જ તૈયાર નથી. આ કેફના કારણે આપણને વારસાના નામે દંભી આધ્યાત્મિકતા પિરસાયા કરે છે ને એ આ દેશ પર હાવી થઈ ગઈ છે. તેના કારણે આપણને ડૉક્ટર, એન્જિનિયર, વિજ્ઞાની કે ટેકનોક્રેટ કરતાં ધર્મના નામે ઠોકાઠોક કરતો કોઈ કહેવાતો સંત કે સાધુ વગેરે મહાન લાગે છે. તેના પગમાં આળોટી જઈએ છીએ, તેની પૂજા કરીએ છીએ. મજાની વાત એ છે કે, ભૌતિક સુખો છોડવાની વાતો કરનારા આ કહેવાતા સંતો પાછા બધા ભૌતિક સુખો ભોગવે છે ને છતાં આપણી આંખ ઉઘડતી નથી.
આ સ્થિતિ બદલવી પડે ને ભારતે વિકસિત થવું હોય, ગૌરવભેર રહેવું હોય તો આ આધ્યાત્મિકતાની વાતોને છોડીને સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ કરવા મચી પડવું પડે. તેના દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ થઈ શકે એ સમજવું પડે.
એક રાષ્ટ્ર તરીકે આપણે આગવી ઓળખ બનાવવી હોય તો વાતો છોડીને કામ કરવું પડે. જીવનમાં આધ્યાત્મિકતા જરૂરી છે પણ એ વ્યક્તિગત બાબત છે. કમનસીબે આપણે તેને રાષ્ટ્રીય ગુણધર્મ બનાવી દીધો છે. આપણા નેતાઓ એ આધ્યાત્મિકતાનાં ગુણગાન ગાયા કરે છે આપણે ઝુમ્યા કરીએ છીએ ને કેફમાં રહીએ છીએ.
આપણને આપણા વારસાનું ગૌરવ હોવું જોઈએ પણ સાચા વારસાનું ગૌરવ હોવું જોઈએ. તેના બદલે આપણે મિથ્યાભિમાની છીએ. આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ પછાત છીએ છતાં નાની નાની સિધ્ધિઓની વાતો કરીને હરખાઈએ છીએ. મંગળ પર યાન મોકલીએ, એકસામટા પાંચ-દસ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકી દઈએ કે ચંદ્રયાન મોકલીએ તેને આપણે વિકાસ ગણીએ છીએ પણ રશિયા, અમેરિકા ને ચીન જેવા દેશો આ બધાં પરાક્રમ બહુ પહેલાં કરીને નવરા થઈ ગયા છે. આ મિથ્યાભિમાન છોડવું પડે, આધ્યાત્મિકતાનો દંભ છોડવો પડે ને તો જ આપણે અસલી આઝાદી મેળવીશું.
બીજી સૌથી મહત્ત્વની વાત એકતા છે. છેલ્લા કેટલાંક વરસોમાં હિંદુત્વના નામે મુસ્લિમો, ખ્રિસ્તીઓ વગેરેને નિશાના બનાવીને જે માહોલ પેદા કરાઈ રહ્યો છે એ પણ ઘાતક છે. મોદીએ ૧૩૦ કરોડ ભારતીયોની એકતાની વાત કરી પણ તેમના જ પક્ષના લોકો આ એકતાની આડે મોટો અવરોધ છે. આ અવરોધ મક્કમતાથી દૂર કરવો પડે. ધર્મ નહીં પણ રાષ્ટ્ર સર્વોપરિ છે એ ભાવના વ્યક્ત થવી જોઈએ.
આ ભાવના નહીં આવે ત્યાં સુધી ગમે તેવા સંકલ્પ લઈશું પણ કોઈ ફરક નહીં પડે. સંકલ્પોથી રાષ્ટ્ર મહાન ના બને, સંકુચિતતા છોડવાથી બને.

Google search engine