સાંપ્રત -પ્રથમેશ મહેતા

પાછલાં બે વર્ષથી કોવિડ એક ભયંકર રોગચાળો બનીને વિશ્ર્વમાં ફેલાયો છે, પણ તે સિવાય વિશ્ર્વમાં સૌથી વધુ મોતનું કારણ બનતી બીમારીઓમાં એક કૅન્સર પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦માં વિશ્ર્વમાં માત્ર કેન્સરથી એક કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે. આ માત્ર એ આંકડા છે જે રેકોર્ડ પર આવ્યા છે.
પોતાની દીકરી તનિશાને અંડાશયના કેન્સરથી ગુમાવ્યા પછી, મીનાક્ષી ઢીંગરાએ ભારતમાં કેન્સરની સારવાર સુધારવામાં મદદ કરવા માટે દીકરીના નામના ફાઉન્ડેશનની સ્થાપના કરી જે તેની પુત્રી હંમેશાં કરવા માગતી હતી.
અંડાશયના કેન્સરનું નિદાન થયાનાં ચાર વર્ષમાં તનિશાએ લોકો વચ્ચે ન માત્ર અપાર આનંદ વહેંચ્યો, પરંતુ અન્ય હજારો લોકોને કેન્સરના ભયમાંથી મુક્ત કરવામાં પણ મદદ કરી. તેણે જ્યાં જરૂર હોય ત્યાં નાણાકીય સહાય પૂરી પાડી અને દર્દીઓને કેન્સર પછીના જીવનને ફરીથી પાટે ચડાવવામાં મદદ કરી.
કમનસીબે, તનિશા ઢીંગરા ડિસેમ્બર, ૨૦૨૧માં કૅન્સર સામેની લડાઈ હારી ગઈ. જોકે તેણે શરૂ કરેલું કામ હવે એક ચળવળમાં ફેરવાઈ ગયું છે, જેને તેની માતા મીનાક્ષી ઢીંગરાએ દીકરીના નામે ફાઉન્ડેશન સ્થાપીને ૨,૫૦૦થી વધુ કૅન્સર સર્વાઈવર્સને લાભ આપ્યો છે. પુત્રી વિશે બોલતાં મીનાક્ષી કહે છે, ‘હું મારી આંગળીઓ પર ગણતરી કરી શકું છું કે તનિશા તેનાં ૨૩ વર્ષના અસ્તિત્વમાં કેટલી વખત બીમાર પડી છે. સ્વસ્થ જીવનશૈલી એક એવી વસ્તુ હતી જેનો અમને બધાને ખૂબ ગર્વ હતો.
એવી વ્યક્તિ કે જે એકદમ સ્વસ્થ જીવનશૈલી જીવતી હતી અને ક્યારેય બીમાર નહોતી પડી, તેને બે-ત્રણ દિવસથી વધુ સમય સુધી સતત પેટમાં દુખાવો એ ચિંતાનું કારણ હતું. નિયમિત તપાસમાં ડૉક્ટરે પેટના દુખાવાની કેટલીક સામાન્ય દવાઓ લખી આપી. દવાના કોર્સ પછી પણ કોઈ રાહત ન મળતાં બાદમાં કરેલા અલ્ટ્રાસાઉન્ડમાં કંઈક ગડબડ જણાઈ.
પ્રારંભિક નિદાન અને તેના પહેલાંનો દિવસ યાદ આવતાં મીનાક્ષી ભાંગી પડે છે. ‘તનિશાનું કૅન્સરનું નિદાન અમારી સમજણ બહાર હતું. જ્યાં સુધી મેં મારા બધા વિકલ્પો ખતમ ન કર્યા અને નિદાન પર બહુવિધ ડૉક્ટરો સાથે તપાસ ન કરી ત્યાં સુધી આરામ ન કર્યો. કમનસીબે બધાએ એક જ વાત કહી કે તનીશાને કૅન્સર છે,’ મીનાક્ષી કહે છે.
ઢીંગરા પરિવાર માટે નિદાન સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ હતું. ચાર જણનો નાનકડો પરિવાર તનિશા માટે શ્રેષ્ઠ સારવાર વિકલ્પો શોધી કાઢવા કટિબદ્ધ હતો. ‘અમે જે ડૉક્ટરોની સલાહ લીધી તેમણે પણ જણાવ્યું કે અંડાશયનું કૅન્સર સામાન્ય રીતે આવી નાની છોકરીઓને થતું નથી. તનિશાને અંડાશયનું કૅન્સર કેમ થયું તેનો જવાબ કોઈ પણ ડૉક્ટર પાસે નહોતો. આનાથી મને નિરાશા ઊપજી, પરંતુ મારો મુખ્ય હેતુ તેને તેમાંથી બહાર કાઢવાનો હતો,’ તે કહે છે. મીનાક્ષી ઉમેરે છે, ‘કૅન્સર એક વર્જિત રોગ હતો અને જ્યારે તેનો અમારા પર હુમલો થયો ત્યારે અમને ખબર નહોતી કે કઈ દિશામાં જઈને મદદ મેળવવી. અમે ખોવાઈ ગયાં હતાં અને મૂળભૂત સારવાર, પ્રોટોકોલ વિશે પણ મૂંઝવણમાં હતાં. અમારી આસપાસના લોકો, જેઓ પોતે પણ એટલા જ અજ્ઞાન હતા, તેઓએ અમને એવી લાગણી કરાવી જાણે દુનિયા ખતમ થઈ ગઈ. પરિવાર માટે તે ખૂબ જ કષ્ટદાયક અને કસોટીનો સમય હતો. ૨૩ વર્ષની ઉંમરે, જ્યારે તનિશાને અંડાશયના કૅન્સરનું નિદાન થયું, ત્યારે તેનો ચમકવાનો સમય હતો. તેણે હમણાં જ Google સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે સારું કરી રહી હતી, તેના કામ અને જીવનનો આનંદ માણી રહી હતી. તેને તેની શરતો અનુસાર જીવન જીવવાની તક મળવી જોઈતી હતી, પરંતુ તેમ થયું નહીં. જોકે શારીરિક પીડા હોવા છતાં, તનિશાના ચહેરા પર હંમેશાં સ્મિત હતું. તેણે ક્યારેય પીડા જણાવા દીધી નથી,’ મીનાક્ષી કહે છે. મીનાક્ષી કહે છે, ‘અમે તનિશાને સાથ આપવા માગતાં હતાં. પરિસ્થિતિ વિશે હતાશ થવાને બદલે અમે તેને અને એકબીજાને કેવી રીતે શ્રેષ્ઠ રીતે મદદ કરી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમારી આસપાસના લોકો જે કહે છે તેની અમે અવગણના કરી. અમે ફક્ત જીવનની સકારાત્મક બાજુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમે અમારા જીવનમાં નકારાત્મકતા લાવનાર વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુથી દૂર રહેવાનું નક્કી કર્યું. અમે અમારો નાનો કોશેટો બનાવ્યો અને ખુશ રહ્યાં.’
ઢીંગરા પરિવારે તનિશાને સારવાર માટે યુએસએ લઈ જવાનું પસંદ કર્યું. તનિશાની સારવાર ૨૦૧૬માં શરૂ થઈ અને તેને કેમોથેરપીના ચાર રાઉન્ડ આપવામાં આવ્યા. ‘જેણે ક્યારેય માથાના દુખાવા માટે પણ ગોળી ખાધી નથી, તેને આવી આક્રમક સારવાર પ્રક્રિયામાંથી પસાર થતી જોવી એ મારા માટે હૃદયદ્રાવક હતું. સ્કેન, બ્લડ ટેસ્ટ, બાયોપ્સી – આ બધું તેના શરીર પર ખૂબ જ કઠોર હતું. તેનામાં એકલા હાથે વોશરૂમમાં જવાની પણ શક્તિ નહોતી,’ મીનાક્ષી કહે છે. તનિશાને થોડા કલાકોની કેમોથેરપી બાદ તેની તકલીફમાંથી બહાર આવતાં અઠવાડિયાનો સમય લાગતો હતો. પછી આગામી બે અઠવાડિયાં નાની રજાઓનું આયોજન કરવામાં તે વિતાવતી. મીનાક્ષી કહે છે, ‘તે અમારી તમામ નાની નાની ટ્રિપ્સનું આયોજન કરતી હતી. ક્યાં ખાવું, શું જોવું, શ્રેષ્ઠ સ્થળો, ત્યાં કેવી રીતે પહોંચવું, વગેરે. તેણે અમારી સાથે તે સમયનો આનંદ માણ્યો, મુસાફરી કરી, સારું ભોજન કર્યું અને એ ક્ષણોને માણી,’ મીનાક્ષી કહે છે. ભારત પરત ફરીને તનિશાએ એક વાતની નોંધ લીધી, તે હતી યુએસએમાં તેની સારસંભાળનો સ્તર. તેને લાગ્યું કે અહીંના દર્દીઓની સંભાળ સમાન સ્તરની નથી અને તે તેને બદલવા માગતી હતી. ભારતમાં લોકો ફક્ત સારવાર, દવા અને રોગ સાથે આવતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પશ્ર્ચિમમાં લોકો તેમની સારવાર ચાલુ હોવા છતાં ખૂબ જ સામાન્ય જીવન જીવવાનું ચાલુ રાખતા હતા. આ રીતે ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર શરૂ થયો.
માતા અને પુત્રી ઇન્ડિયન કૅન્સર સોસાયટીમાં સ્વયંસેવકો તરીકે જોડાયાં અને તેઓએ દર્દીઓ અને સંભાળ રાખનારાઓને ભાવનાત્મક ટેકો આપવા માટે હૉસ્પિટલોની મુલાકાત લેવાનું શરૂ કર્યું. ત્યાંથી વધુ કરવાની ઇચ્છાએ તનિશાને સમગ્ર દિલ્હી/એનસીઆરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. પ્રથમ કાર્યક્રમ ‘બ્રેક-ફ્રી ફ્રોમ કૅન્સર’ના નામે થયો, જ્યાં તેણે દર્દીઓ અને તેમના પરિવારોને રોગ, સારવાર અને દવાઓથી પોતાને ડિસ્કનેક્ટ કરવા થોડા કલાકો ગાળવા આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમોમાં દર્દીની સંભાળ રાખનારને પણ વધુ નહીં તો સમાન મહત્ત્વ આપવામાં આવે છે.
‘આ ચળવળ ધીમે ધીમે વધતી ગઈ અને તનિશાએ સ્ટેન્ડ-અપ કૉમેડી શો, હાસ્ય ક્લબ, મેક-અપ આર્ટિસ્ટ, ફોટોશૂટ અને વાળનું દાન કરવાની ડ્રાઈવનું આયોજન કરવાનું શરૂ કર્યું. તે કોઈનું જીવન જીવવાનું મહત્ત્વ સમજતી હતી, પછી ભલે તે ગમે તે હોય અને તેણે સારાં કપડાં પહેરીને અને પોતાના વિશે સારું અનુભવીને રોગનો સામનો કરવાનું નક્કી કર્યું,’ મીનાક્ષી કહે છે. પોતાની રીતે, ૨૦૧૭થી ૨૦૧૯ સુધી તનિશાએ કરેલા કાર્યથી ૧,૦૦૦થી વધુ દર્દીઓ અને તેમના પરિવારો પર હકારાત્મક અસર પડી.
ગુરુગ્રામની રહેવાસી એશા સરીન, જેણે એક શિબિરમાં હાજરી આપી હતી તે કહે છે, ‘મેં પહેલી વાર શિબિર વિશે સાંભળ્યું ત્યારે મને તેના વિશે શંકા હતી. પરીક્ષણો અસલી હશે કે નહીં. શિબિર થઈ તે સારું થયું, કારણ કે ઘણી વાર આપણે આળસ કે ભયના કારણે હૉસ્પિટલમાં જવામાં મોડું કરીએ છીએ. અમારી વસાહતમાં ઘણી સ્ત્રીઓની તપાસ કરવામાં આવી હતી અને જેઓને કોઈ સમસ્યા હતી તેઓ શિબિરમાં જ સ્ત્રીરોગ ચિકિત્સકની મુલાકાત લઈ શક્યા. કૅન્સરની જાગરૂકતા પરના વાર્તાલાપે પણ અમારા બધાના ડરને દૂર કરવામાં મદદ કરી.’
‘ભારતમાં દર્દીઓ સાથે કામ કરવા ઉપરાંત તનિશાએ વૈશ્ર્વિક સ્તરે સિંગાપોર, મલયેશિયા, યુએસએ, હૉન્ગકૉન્ગ વગેરેમાં પ્રેરક વાર્તાલાપ આપ્યા છે,’ મીનાક્ષી કહે છે.
કમનસીબે, ૨૦૨૦ના મધ્યમાં તનિશાના એક ચેક-અપ દરમિયાન, સ્કેન પર કંઈક આવ્યું, જે અમને કહેવામાં આવ્યું કે નાનું હતું. અમને ત્રણથી ચાર મહિના રાહ જોવાનું કહેવામાં આવ્યું, પરંતુ તે પછી પણ તેને કંઈ સારું લાગ્યું નહીં. ડિસેમ્બર, ૨૦૨૦માં અમે સારવાર માટે પાછા યુએસએ આવ્યાં. તનિશાએ સર્જરી કરાવી, જે સારી રીતે થઈ, પરંતુ બે દિવસ પછી જટિલતાઓ ઊભી થઈ અને વસ્તુઓ ઉતાર-ચઢાવ પર જવા લાગી,’ મીનાક્ષી યાદ કરે છે.
એક વર્ષ માટે ડિસેમ્બર ૨૦૨૦થી ૨૦૨૧ સુધી મીનાક્ષી ઢીંગરા દીકરી સાથે યુએસએમાં રહ્યાં અને તનિશાને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કર્યો, પણ આખરે ૩૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ તે આ રોગનો ભોગ બની ગઈ અને યુદ્ધ હારી ગઈ. ‘મેં જે ગુમાવ્યું તેનું હું વર્ણન કરી શકતી નથી. અમે પરિવારથી દૂર હતાં. હું જાણે અંધકારમાં ધકેલાઈ ગઈ,’ મીનાક્ષી કહે છે. મીનાક્ષીને આ આઘાતમાંથી બહાર આવતાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. એક વાર તે બહાર આવ્યા પછી તનિશાએ જે કાર્ય શરૂ કર્યું હતું તે વ્યર્થ ન જવા દેતાં તેણે ફાઉન્ડેશનને આગળ વધારવાનું નક્કી કર્યું. ફાઉન્ડેશન ઔપચારિક રીતે એપ્રિલ, ૨૦૨૨માં અસ્તિત્વમાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ૨,૫૦૦થી વધુ લોકોએ તેના ‘બ્રેક-ફ્રી કૅન્સર ડે’, વાળ દાન શિબિરો, પ્રારંભિક સ્ક્રીનિંગ કાર્યક્રમો અને સ્વસ્થ થવા દરમ્યાન સારા પોષણ પર કેન્દ્રિત કાર્યક્રમોનો લાભ લીધો છે. મીનાક્ષી ઉમેરે છે, ‘તનિશાના નામને આગળ વધારવાની આ મારી રીત છે. મૃત્યુ તેની વાર્તાનો અંત ન હોઈ શકે.’

Google search engine