મુંબઈમાં જે. જે. હોસ્પિટલમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવી
ચીન અને અમેરિકામાં કોરોનાના કેસના વિસ્ફોટ પછી ભારતીય હેલ્થ અને મેડિકલ સિસ્ટમ તેના માટે સર્કતાના પગલાં ભરી રહી છે, જે અંતર્ગત મંગળવારે દેશભરની મહત્ત્વની હોસ્પિટલ, પ્રાથમિક સારવાર કેન્દ્ર સહિત અન્ય મેડિકલ સંબંધિત સિસ્ટમનું આકસ્મિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશની તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી, જ્યાં ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર, હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટ કરવામાં આવ્યું હતું.
કોરોનાના વધતા કેસને કારણે ઈમર્જન્સી પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચી વળાય તેના માટે તકેદારીના પગલાં ભરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વિદેશથી ભારતમાં આવનારા મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે તથા એરપોર્ટ પર પણ રેન્ડમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અલબત્ત, ચીનમાં કોરોનાના વધતા સંક્રમણને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશના કોવિડ કેન્દ્ર સહિત આરોગ્ય સુવિધા સંબંધિત સુવિધા પર મોક ડ્રીલ કરવામાં આવી હતી. જે. જે. હોસ્પિટલમાં મોક ડ્રીલ વખતે એમ્બ્યુલન્સમાંથી દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈને અન્ય યંત્રણાનું ડોક્ટર અને તેમની ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ મુદ્દે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ ડ્રીલમાં દેશના તમામ રાજ્યના જિલ્લાને કવર કરવાની સાથે હોસ્પિટલના ડોક્ટર, તેમના પ્રતિનિધિની હાજરી, આઈસોલેશન અને બેડની સેપેસિટી, ઓક્સિજન આધારિત આઈસોલેશન બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર આધારિત બેડ સહિત અન્ય વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું જણાવાયું હતું.