ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે એકંદરે પાંખાં કામકાજો અને વૈશ્ર્વિક બજારમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે વિવિઘ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૩ અને રૂ. ૧૦ વધી આવ્યા હતા. તેમ જ કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩નો સુધારો આવ્યો હતો. જોકે, તેની સામે આજે ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા અને નિરસ માગે કોપર વાયરબાર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ અને રૂ. ૨ ઘટી આવ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
વૈશ્ર્વિક સ્તરે પાવરના ભાવમાં વધારો થવાને કારણે યુરોપના અમુક એલ્યુમિનિયમના સ્મેલ્ટરો બંધ થશે એવા અહેવાલ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે પુરવઠાખેંચની ભીતિ વચ્ચે એલ્યુમિનિયમના ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ટનદીઠ ૨૪૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ટીન અને નિકલના ભાવ ૦.૫ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ઝિન્કમાં ૧.૯ ટકાનો, લીડમાં ૦.૪ ટકાનો અને કોપરમાં ૦.૨ ટકાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૨૧૮૮ અને રૂ. ૧૦ વધીને રૂ. ૧૯૩૦ના મથાળે રહ્યા હતા.
આ સિવાય વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૬૦૮, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૨ વધીને રૂ. ૬૬૨ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને અનુક્રમે રૂ. ૬૬૫, રૂ. ૬૫૮ અને રૂ. ૫૨૦ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઝિન્ક સ્લેબ કોપર વાયરબાર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૩૩૦, રૂ. ૩ ઘટીને રૂ. ૬૮૮ અને રૂ. ૨ ઘટીને રૂ. ૪૭૩ના મથાળે રહ્યા હતા.
આ સિવાય એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૪, રૂ. ૨૧૮ અને રૂ. ૧૯૫ના મથાળે ટકેલા રહ્યાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.