જેવું અન્ન તેવું મન: વાત દરિયાપાર શાકાહાર-વિગનનો પ્રસાર કરતા એક માનવતાવાદીની

ઇન્ટરવલ

નવી સવાર-રમેશ તન્ના

મૂળ મુંબઈના, પણ વર્ષોથી અમેરિકાના ન્યુ યોર્ક-ન્યુ જર્સીમાં વસતા હર્ષદભાઈ ખુમચંદભાઈ શાહ એચ. કે. શાહના ટૂંકા નામે જાણીતા છે. તેઓ દરિયાપાર વર્ષોથી શાકાહારનો અને હવે વિગન (દૂધાહાર પણ નિષેધ)નો પ્રસાર કરી રહ્યા છે. તેમની સામાજિક નિસબત પ્રેરક છે તો જિંદગી રસપ્રદ છે.
તેમનાં માતાનું નામ પાર્વતીબહેન. પિતાનું નામ ખુમચંદભાઈ. મૂળ વતન વાલોડ. દક્ષિણ ગુજરાતમાં આવેલી વાલોડ રચનાત્મક ભૂમિ છે, તપની ભૂમિ છે. આ ભૂમિએ આપણને અનેક સમાજસેવકોની ભેટ ધરી છે. ધંધાર્થે ખુમચંદભાઈ મુંબઈ ગયા હતા. તેમના પુત્ર હર્ષદભાઈનું શિક્ષણ મુંબઈમાં થયું. તેમણે ઇલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.એ. કર્યું. એ પછી તેઓ પિતા સાથે ધંધામાં જોડાઈ ગયા. તેમનો આયાત-નિકાસનો મોટો ધંધો. વિવિધ ચીજવસ્તુઓનો દુનિયાના મોટા ભાગના દેશો સાથે કારોબાર ચાલે. હર્ષદભાઈએ પોતાના ધંધામાં ૧,૫૦૦થી વધુ વ્યક્તિને સીધી રોજગારી આપેલી.
ધંધા માટે જ તેઓ લંડન ગયા. એ પછી અમેરિકા ગયા. લંડનમાં હતા ત્યારે બીજા વિશ્ર્વયુદ્ધ પછી ઑટો-સ્પેરપાર્ટ્સની આયાત-નિકાસમાં સક્રિય થયા. કારોબારના પગલે પગલે હર્ષદભાઈ દુનિયાના લગભગ બધા જ દેશોમાં ફર્યા છે. કેટલાક દેશોમાં તો બે-ચાર વખત ગયા છે. તેઓ ભારતમાં સ્થાયી થવા માગતા હતા. અલબત્ત, તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫માં ભારતમાં કટોકટી લાદી અને તેમનું મન ખાટું થઈ ગયું. તેમણે તરત નક્કી કર્યું કે ભારત દેશ છોડી દેવો છે. તેમણે ૧૯૭૬માં ભારત છોડ્યું અને અમેરિકા સ્થાયી થયા. ખૂબ કમાયા, કમાતાં કમાતાં જ સામાજિક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. તેઓ અહિંસા અને પર્યાવરણના જતનમાં ખૂબ માને. ગાંધીવિચાર પણ તેમને ખૂબ ગમે. તેમણે જોયું કે ત્યાં વસતા ભારતીયો અને અન્ય લોકોમાં માંસાહારનું ખૂબ મહત્ત્વ વધી રહ્યું છે. ૧૯૯૨માં તેમણે ન્યુ યોર્કમાં ‘વેજિટેરિયન વિઝન’ નામની સંસ્થા શરૂ કરી.
હર્ષદભાઈને પ્રાણીઓ માટે ખૂબ જ આદર અને પ્રેમ છે. તેઓ ભાવપૂર્વક અને ભારપૂર્વક કહે છે કે મને ખબર જ પડતી નથી કે આપણે શા માટે પ્રાણીઓને બાંધીએ છીએ? પ્રાણીઓને મારીને ખવાય તો બિલકુલ નહીં, પરંતુ તેમને બાંધવાં પણ ન જોઈએ. આમ કહીને તેઓ કહે છે કે જો કોઈ આપણને બાંધે તો કેવું લાગે? અમેરિકામાં તેમણે શાકાહારનો ખૂબ પ્રસાર કર્યો. હૃદયથી અને નિસબતથી કામ કરે એટલે તેનું પરિણામ આવે જ. કહેવાય છેને કે શુદ્ધ ભાવનાથી કરેલું નિ:સ્વાર્થ કર્મ હંમેશાં ફળ આપતું જ હોય છે. અમેરિકામાં શાકાહાર પ્રસાર માટે તેમણે અનેક વિવિધ ઉપક્રમો યોજ્યા. સને ૨૦૧૭માં વેજિટેરિયન વિઝન સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં ત્યારે તેની ભવ્ય ઉજવણી પણ કરી. હજારો લોકો તેમાં જોડાયા હતા.
વેજિટેરિયનનો પ્રસાર કરતાં કરતાં તેઓ વધારે જાગૃત થયા. તેમને લાગ્યું કે દૂધાહાર પણ સંપૂર્ણ શાકાહાર ન ગણાય. એ પછી તેમણે ‘વિગન’ના પ્રસારની પ્રવૃત્તિ શરૂ કરી. તેઓ પોતે ‘વિગન’ બન્યા. દૂધ અને દૂધ આધારિત તમામ વસ્તુઓ તથા પ્રાણીજ ઉત્પાદનો બંધ કર્યાં. પ્રાણીઓ માટેનાં તેમનાં પ્રેમ, પ્રતિબદ્ધતા, નિસબત અને આદરને તેઓ વ્યક્ત કરવા લાગ્યા. તેમના મનમાં મૂળ વિભાવના અહિંસક સમાજની છે.
તેઓ માને છે કે દરેક પ્રાણીને આ પૃથ્વી પર જીવવાનો અબાધિત અધિકાર છે. એક પણ પ્રાણીનું કોઈ પણ રીતે શોષણ ન થવું જોઈએ. મનુષ્યે પ્રાણીઓ પર અત્યાચાર ન કરવા જોઈએ, તેમનું શોષણ ન કરવું જાઈએ અને તેમને તકલીફ પડે તેવી પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. વિગનમાં દૂધ અને દૂધ આધારિત તમામ ઉત્પાદનોનો વપરાશ કરવાનો હોતો નથી. પ્રાણી આધારિત તમામ ચીજવસ્તુઓનો વિગનમાં નિષેધ હોય છે. સમગ્ર વિશ્ર્વમાં વિગનની ખૂબ જાગૃતિ આવી રહી છે અને મહત્તમ લોકો વિગન બની રહ્યા છે.
એચ. કે. શાહ કહે છે કે જો વ્યક્તિ વિગન થાય તો પ્રાણીઓને ફાયદો થાય અને વ્યક્તિને પોતાને પણ ઘણો ફાયદો થાય છે. થોડા દિવસ તકલીફ જેવું લાગે, પરંતુ પછી ખૂબ જ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તેઓ વર્ષોથી વિગન છે.
૨૯મી માર્ચ, ૧૯૩૧ના રોજ જન્મેલા હર્ષદભાઈનું સ્વાસ્થ્ય નિરામય છે. તેઓ સક્રિય છે. સમાજસેવા કરી રહ્યા છે. શાકાહાર અને વિગનના પ્રસાર ઉપરાંત તેમણે અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરી છે. તેઓ કહે છે કે સમાજે આપણને ઘણું આપ્યું છે. આપણે સમાજને તે પાછું આપવું જોઈએ.
તેમણે ‘વર્લ્ડ વિગન વિઝન’ સંસ્થાના મુંબઈ અને ગુજરાત ચેપ્ટરનો પ્રારંભ કર્યો છે. તેઓ ભારતમાં વેજિટેરિયન અને વિગનનો પ્રસાર કરવા માગે છે. જુઓ તો ખરા, જે મૂલ્યો ભારતનાં છે, એ મૂલ્યો અમેરિકામાં રહેતો એક માણસ, ત્યાં ચાલતી એક સંસ્થા, ભારતને સમજાવવા માટે ભારતનાં જુદાં જુદાં શહેરોમાં ચેપ્ટર ખોલી રહી છે. ભારતને જ ભારતનાં મૂલ્યો યાદ કરાવવાં પડે તેવા કપરા દિવસો આવ્યા છે?
ભારતે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે? એ પ્રશ્ર્નના ઉત્તરમાં તેઓ કહે છે કે ‘સ્વચ્છતા, હાઈજીન ખોરાક અને નાત-જાત તથા ભાષા-ભેદ દૂર કરવાં જોઈએ. નવી પેઢીએ જીવનનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને જીવવું જોઈએ.’
હર્ષદભાઈ કહે છે કે ‘હું જૈન છું, પરંતુ કોઈ દિવસ દેરાસરમાં ગયો નથી. હું સમાજ માટે જે કાર્યો કરું છું તે જ મારું દેરાસર છે.’
હર્ષદભાઈનાં જીવનસાથી માલતીબહેન મુંબઈનાં છે. તેઓ પોતાના જીવનસાથી હર્ષદભાઈની દરેક પ્રવૃત્તિમાં સતત જોડે જ હોય છે. તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સાથ આપે છે. હર્ષદભાઈ દર ત્રણ મહિને મુંબઈમાં રહેવા આવે છે.
હર્ષદભાઈ કહે છે કે આપણે ગાંધીવિચારના માર્ગે જીવવું જોઈએ. બે હજાર વર્ષમાં એકાદ વખત ગાંધી જેવો માણસ જન્મ લેતો હોય છે. આપણી કમનસીબી છે કે આપણે ગાંધીને ભૂલી ગયા છીએ. આપણાથી જેટલું ચલાય તેટલું ગાંધીના માર્ગે ચાલવું જોઈએ.
—————
છાંયડો
સિંહ, વાઘ, ચિત્તો, દીપડો વગેરે જેવાં પ્રાણીઓ માંસાહાર કરે તે સમજાય, પણ મનુષ્ય જેવું બુદ્ધિશાળી અને શાણું પ્રાણી શાકાહારના પૂરતા અને ઉચિત વિકલ્પો હોવા છતાં માંસાહાર કરે તે ન સમજાય તેવી વાત છે.

1 thought on “જેવું અન્ન તેવું મન: વાત દરિયાપાર શાકાહાર-વિગનનો પ્રસાર કરતા એક માનવતાવાદીની

  1. We need animal-sourced proteins in our diet, vegetable-sourced proteins such as soyabean, and other cereals do not provide that. vegetarians get that from milk and other dairy products. Since vegans do not consume dairy products, they suffer from malnutrition. Fad diets are harmful. Consult a nutrition expert. He/she will guide you.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.