Homeધર્મતેજજીવાભગત કૃત ચરખો રૂપક રચના

જીવાભગત કૃત ચરખો રૂપક રચના

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

બંસરી અને ચરખો જેવા રૂપકને સંતવાણીમાં અર્થપૂર્ણ રીતે પ્રયોજવાનું વલણ લોક્સંત પરંપરામાં વિશેષ્ાપણે અવલોક્વા મળે છે. રવિ-ભાણ સંપ્રદાયમાં ભાણસાહેબે દરિયાનું રૂપક પ્રયોજેલું. જીવાભગતની ચરખા રૂપક પ્રકારની રચનાઓનું જૂથ પ્રોફે. જેતપરિયાએ હસ્તપ્રતમાંથી મેળવીને પોતાના શોધનિબંધમાં દર્શાવ્યુંં છે.
ચરખો રૂપક, સતત ક્રિયાશીલ રહીને પદાર્થને રૂપાંતરિત કરે છે, એ સંતની મૂળભૂત પ્રકૃતિ છે. રૂમાંથી સુતર રૂપે રૂપાંતર પામીને પછી અવનવા પદાર્થમાં ઢળે, આવી માનવ ચેતનાને સંકોરવાનું બહુ મોટું કામ સંતોનું છે. સમાજને ચેતનવંતો, ક્રિયાશીલ રાખીને એનું નવનિર્માણ – નૂતનમાં રૂપાંતર કરવાનું સંતોનું મૂળભૂત કાર્ય ગણાયું છે. ચરખો-દેહ પણ છે. સતત ક્રિયાશીલ છે.
મોરારસાહેબના શિષ્ય જીવાભગત ઉમરમાં મોરારસાહેબથી થોડા જ નાના છે. વળી પોતે નાના હતા ત્યારથી આ સંતકૂળની આવન-જાવન રહેતી. પોતે પણ દીક્ષ્ાા લીધા પૂર્વે એ ધામથી સુપરિચિત હતા. ગુરુ-શિષ્યનો સંબંધ મૈત્રી સખા ભાવથી પૂર્ણ હોય એવું અહીં જણાય છે. જીવાભગતની સાધનાધારા યોગક્રિયા ઉપરાંત વિવિધ પંથો પરત્વે પણ એમનો મેળાપ હશે. એમની મહાપંથ પરંપરાની ભજનવાણી ડો. નિરંજન રાજયગુરુએ સંપાદિત કરી છે. ભીમસાહેબ પણ પાટપૂજા વિધિ કરાવતા. એમ મહાપંથના વાયક જીવાભગતને પણ મળતા હશે. જીવો એ પંથની પરંપરાથી પણ પરિચિત હશે. એટલે એ પરંપરાની સાધનાએ સિદ્ધાંત ધારાને ઉદ્ઘાટિત કરતા ભજનો રચ્યા હોય. મારે તો સંતવાણીમાં જીવાભગતનું પ્રદાન રવિ-ભાણ સંપ્રદાયની સાધના ભૂમિકાને અભિવ્યક્તિ અર્પતી રચનાઓ જ સ્વાધ્યાય માટે ખપમાં હતી. એટલે અહીં મારા આસ્વાદ અને અભ્યાસનો વિષ્ાય એમની એ રવિ-ભાણ પરંપરાની વિભાવનાને ઉદ્ઘાટિત કરતી એક ચરખા રૂપક પ્રકારની રચના પસંદ કરી છે. એ રચનાને આસ્વાદીએ.
‘કર સતગુરુ ચરણે યારી,
તો આ ચરખે મળે મોરારી,
સાચે સેવીએ ભાવે ભજીયે,
દિન દિન સનેહ વધારી..
કર સતગુરુ ચરણે યારી… ટેક…૧
સતગુરુ રીઝયા કારણ સિધિયા,
કરમઘેન દે ટાળી,
દયા મેર કરી દસ ઓળખાવે,
જુવો ઘર આપણું સંભાળી..
કર સતગુરુ ચરણે યારી …ર
ઝલમલ જોતી વરસે મોતી,
સુખમણા સેજ સમાણી,
હીરા માણેક ઝળઝળ ઝળકે,
તેજ અક્ષ્ામ અપારી.
કર સતગુરુ ચરણે યારી …૩
દષ્ટે ચડયા કરમ સબ બળિયા,
કાયાના કરમ દીધા બારી,
નેણે જાખ્યા બ્રહ્મ રસ ચાખ્યા,
મટી રે અંધારી.
કર સતગુરુ ચરણે યારી …૪
ઊગા સૂર બાગે તૂરા,
હોઈએ ઝણણણ ઝણકારી,
સુણિયા કાના મટી ગયા માના,
શબદ અખંડ અપારી.
કર સતગુરુ ચરણે યારી …પ
ઝળકા તેજા અતંર ભેજા,
નેરખ્યા નેણે ન્યારી,
નિરંતર નૂરા ભરા ભરપૂરા,
લગી સૂરત એક્તારી.
કર સતગુરુ ચરણે યારી …૬
નજીક નેરા રતિ નઈ દૂરા,
રીયા બાહર ભીતર ભારી,
જીવો કહે ગુરુ મોરાર ચરણે,
દીધી ઈ રેખા કરમ પર મારી.
કર સતગુરુ ચરણે યારી …૭
ધ્રુવપંક્તિમાં જીવોભગત અહીં રચનામાં સદ્ગુરુના ચરણે મૈત્રી-સખા જેવો ભાવ પ્રગટાવવા કહે છે. તો આ ચરખે-દેહે મોરારીની પ્રાપ્તિ થાય. દિન-પ્રતિદિન એમના પરત્વે વિશેષ્ા સ્નેહભાવ પ્રગટાવીને એમને સેવાભાવથી જ નિરંતર ભજવા.
જો સદ્ગુરુ આવી સેવા ભાવનાથી રીઝી જાય, પ્રસન્ન થઈ જાય તો તારા બધા કાર્યો સિદ્ધ થાય. તો સદ્ગુરુ દશવિદ્યાની ઓળખાંણ કરાવે. આપણે આપણું ઘર સંભાળવાનું અન્ય કશું નહીં કરવાનું. આમ સદાચારીપણાની વિગતો અહીંથી પ્રગટે છે.
સદ્ગુરુની કૃપાથી ઈડા-પીંગલા પછી સુષ્ાૂમણા નાડી જાગૃત થાય અને અપાર તેજની જયોતિ દર્શનની અનુભૂતિ થાય. હીરા-માણેક અને મોતીની વર્ષ્ાા થાય. અપાર તેજોમય દર્શનની અનુભૂતિ શક્ય બને.
એમની-ગુરુની દૃષ્ટિથી બધા કર્મો બળી જાય. કાયાને કર્મપીડા ભોગવવાની રહે નહીં. એને ભસ્મ કરી નાખે. જે આ બ્રહ્મરસની ચખણી કરે છે – ચાખે છે સ્વાદમાણે છે એના અંઘારા મટી જાય, લય પામી જાય છે. નાશ પામે છે. સદ્ગુરુના ચરણે મૈત્રીભાવ-સખાભાવ દાખવીને રહેવાથી આ શક્ય બને છે.
અહીં સુધી જીવાભગત સ્વાનુભૂતિનું કથન કરે છે. ગુરુકૃપાથી શું થાય એના કથન પછી છેલ્લી ત્રણ કડી જીવાને ગુરુકૃપાથી પ્રાપ્ત દર્શન-યોગસિદ્ધિનું કથન કરતા કહે છે કે એક પ્રકારની સૂરની શ્રવણપાનની ઘટના અને તુર-તંબૂરના ધ્વનિનું વાદન ઝણુંકાર-રણકાર એ એમની સાધનાનું સુફળ છે. એના શ્રવણપાનથી બધું માન ઉતરી જાય છે. હળવાફૂલ થઈ જવાય છે. અખંડ-અપાર શબદ સાધના અવિરતપણે પછી ચાલે છે.
તેજના ઝળહળાટથી અંતરમાં એનું પ્રાગટય ખુલ્લી આંખે એનું દર્શન થાય છે. નૂરતની સાધના નિરંતર ચાલે છે અને સભરતાનો અનુભવ થાય છે. સૂરતા એકધારી એકલીન બનીને સ્થીરતા પ્રાપ્ત થાય છે.
એ મારાથી તદ્દન નજીક-સમીપ છે. રવિભાણ પણ દૂર-અળગા નથી. દેહની બહાર અને અંદર સ્થૂળ તથા સૂક્ષ્મ એમ બન્ને રીતે એમની હાજરી-ઉપસ્થિતિ અનુભવાય છે. જીવો ભગત મોરારસાહેબને ચરણે બેસીને કહે છે કે મારા કર્મ-પર, અસ્તિત્વ ઉપર રેખા તાણી દીધી છે. એ ઓળંગવાની નથી. લક્ષ્મણ રેખાનો સંદર્ભ એમાં સમાવિષ્ટ જણાય છે. મોરારસાહેબની અસીમકૃપાનું ગાન ચરખા રૂપી દેહ માટે ગુરુકૃપાથી શું પરિણામ આવે એનું યોગિક ક્રિયાનું નિરૂપણ અહીં અવલોકવા મળે છે.
દરેક કડીની પ્રથમ પંક્તિનો ઉતરાર્ઘ એના પ્રથમ ચરણમાં બે સ્થળે પ્રાસ યોજે છે. બીજી કડીમાં રીઝયા-સિધિયા, ત્રીજી કડીમાં જોતી-મોતી, પાંચમી કડીમાં સૂરા-તૂરા, છઠ્ઠી કડીમાં તેજા-ભેજા, સાતમી કડીમાં નેરા-દૂરા. આખી રચનામાં ઈકારાંત શબ્દો માત્ર પ્રાસ ઉપસાવતા નથી. અર્થપૂર્ણ શબ્દ તરીકે પ્રયોજાયા છે. જીવા ભગતનું અર્થપૂર્ણ શબ્દ ચયનનું કૌશલ્ય, અનોખી પ્રાસ યોજના એમની કવિતા શક્તિનું પરિચાયક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular